પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી

તુષાર જોષી Monday 20th March 2017 08:07 EDT
 

‘અરે, ટેક્સી લઈને આવવાની ક્યાં જરૂર હતી? આપણે બસમાં પણ જઈ શકતા હતા.’

રેલવે સ્ટેશને મુંબઈથી અમદાવાદ આવેલા જગતે ઉત્પલને કહ્યું.

‘તું બેસ તો ખરો, તને મારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપનારનો પરિચય કરાવું. આ છે દિનેશ, મારો મિત્ર અને આ ટેક્સીનો માલિક.’ ઉત્પલે આમ કહી ટેક્સી ડ્રાઈવરનો પરિચય કરાવ્યો.

જગત અને ઉત્પલ બંને અમદાવાદમાં સાથે ઉછરેલા. બંનેના ઘર નજીક હતા એટલે બાળકોની ટોળીમાં ધમાલ-મસ્તીમાં અને પછીથી સ્કૂલ-કોલેજમાં પણ સાથે રહ્યા હતા. બંનેની પારિવારિક દોસ્તી હતી. સમય જતાં જગતને એના ઉચ્ચ અભ્યાસને કારણે એક ખાનગી કંપનીમાં સારી નોકરી મળી ગઈ એટલે એ અમદાવાદમાં કામ કરતો થયો. એની સામે ઉત્પલમાં આળસનો ભંડાર ભરેલો હતો. વાતો સારી સારી ને મોટી મોટી કરે, પણ મહેનત કરવામાં એનો જીવ ન લાગે. પરિણામે થોડા મહિના અહીં ને થોડા મહિના તહીં એમ કામ કરે.

સ્વભાવગત પ્રકૃતિના કારણે ક્યાંયે સેટ ના થાય. લગ્ન થયા પછી એને બે બાળકો થયા. પત્ની પણ પરચુરણ કામ કરે, પણ દિવસે દિવસે વધતા ખર્ચ સામે હંમેશા પરિવાર ભીંસમાં રહે. જગત એને ઘણી વાર સમજાવતો, પણ ડાહી ડાહી વાતો કરે ને અટકી જાય. બાળકો કોલેજમાં અભ્યાસ કરતા થયા. એ દરમિયાન જગતનો પરિવાર વધુ સારી કંપનીમાં સ્થાન મળતાં મુંબઈ સેટલ થયો. પરિચય-સંપર્કો નિયમિત રહ્યા એટલે એકબીજાની જાણકારી મળી જતી હતી. એવામાં જગતને કોઈ સામાજિક કામે અમદાવાદ આવવાનું થયું અને લાંબા સમય બાદ એ અમદાવાદ આવ્યો હતો. સ્વાભાવિક જ મિત્રની આર્થિક સ્થિતિની એને પૂરેપૂરી ખબર હતી. આથી જ એણે રેલવે સ્ટેશને જ્યારે ઉત્પલે ટેક્સી બોલાવી ત્યારે લેખના આરંભે લખેલો સંવાદ કર્યો. જવાબમાં હસતાં હસતાં ઉત્પલે પરિચય કરાવ્યો દિનેશનો.

પછીની વાત ઉત્પલે માંડીને કહી. એક વાર કોઈ કામ સબબ ઉત્પલ અને એની પત્ની આવી જ રીતે બહારગામથી કામ પૂરું કરીને આવી રહ્યા હતા. રાતના દોઢ વાગ્યાનો સમય થયો હતો.

દીકરી ભણવામાં હોંશિયાર હતી અને સ્વરોજગારી દ્વારા પોતાની રીતે આર્થિક સદ્ધર થવા માંડી હતી. દીકરીએ મોબાઈલ ફોન દ્વારા પપ્પા-મમ્મી માટે ટેક્સી બુક કરાવી આપી હતી. ટેક્સી ડ્રાઈવર સાથે ઘરે પહોંચતાં સુધીમાં ઉત્પલે જે સંવાદ કર્યો એમાં એને જાણવા મળ્યું કે દિનેશ વસ્ત્રાપુરમાં રહે છે. એક શેઠનો ડ્રાઈવર હતો. પાંચ-સાત વર્ષ સુધી પણ પગારમાં પૂરું ન થાય. હિંમત કરી જૂની ટેક્સી ખરીદી અને અત્યારે રોજ બપોરે જમીને ૧૨-૧ વાગ્યાથી રાત્રે ૧૨-૧ સુધી ટેક્સી ફેરવે. ઘરે જઈને જમે. સવારે ૭થી ૯માં આજુબાજુના ફ્લેટની ગાડીઓની સફાઈ કરીને અને આમ મહિને રૂપિયા પચાસ હજાર પ્રેમથી સન્માન સાથે રળે.

આટલી બધી મહેનનનું કારણ? તો કહે, ‘બાળકોને સારું ભવિષ્ય આપવું છે.’ બસ ત્યારથી ઉત્પલને પણ પરિશ્રમનો પાનો ચડ્યો. આળસને અલવિદા કહી અને એણે દિનેશની મિત્રતા કેળવી. પોતાને જેમાં ફાવટ હતી તે વ્યવસાયની સાથે આસપાસના ફ્લેટની ગાડીઓ સાફ કરવાનું શરૂ કર્યું. પત્ની તો વિશેષ મહેનત કરતી જ હતી. આમ સરવાળે પરિવારમાં પિતાના વાત્સલ્યમાં પરિશ્રમ ભળ્યો અને પરિવાર આર્થિક રીતે વધુ સદ્ધર બન્યો. દરમિયાન ઘર આવી ગયું અને દિનેશનો આભાર માનીને બંને મિત્રો ઘરે પહોંચ્યા તો દીકરીએ વ્હાલથી સ્વાગત કર્યું.

•••

આપણી ભાષામાં અને વિશ્વની તમામ ભાષાઓમાં અને સમાજજીવનમાં આળસને જીવનનો વિનાશ કરનાર પરિબળ તરીકે નિરૂપિત કરાઇ છે. આળસ માણસના જીવનને રૂંધે છે. એટલે જ આળસને હટાવીને માણસ જ્યારે કામ કરે છે ત્યારે એ પોતાના જીવનમાં બે ડગલા આગળ વધે છે.

રોકડા રૂપિયા જેવો પૂરા ૨૪ કલાકનો સમય આ પૃથ્વી પર પ્રત્યેક માણસને મળે છે. એ ૨૪ કલાકમાંથી વ્યવસ્થિત રીતે પોતાના રસ-રુચિ અનુસાર અથવા તો જે સ્થિતિમાં છે તેમાં પરિશ્રમ કરનારને વળતર મળી જ રહે છે. વાતો નહીં, અમલ થાય ત્યારે, અવલોકનો નહીં, અમલીકરણ થાય ત્યારે જીવનમાં પ્રેમના, પ્રસન્નતાના પુરુષાર્થના દીવડા ઝળહળે છે અને અજવાળાં રેલાય છે.

ઃલાઈટ હાઉસઃ

મહેનત હમારા જીવન

મહેનત હમારા નારા

મહેનત સે ઝગમગા લો

તકદીર કા સીતારા

- હિન્દી ફિલ્મ ગીત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter