પ્રમાણિકતા જ્યાં જ્યાં દેખાય એને વધાવીએ

તુષાર જોશી Tuesday 31st May 2016 14:54 EDT
 

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’

આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 

વાત સાચી હતી. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી સીમરને આજ મુસાફરી તો કરી જ ન હતી. રીક્ષાચાલક મનુભાઈ ચા પીતા પીતા પરિવારમાં આર્થિક છેડા માંડ ભેગા થાય એની ચર્ચા બીજા રીક્ષાવાળા જોડે કરતા હતા. અને એકાએક આવેલી સીમરને એમને રૂપીયા સોની નોટ આપી હતી. ચમકી ઊઠેલા મનુભાઈએ ઉપરનો પ્રશ્ન પૂછ્યો હતો.

દક્ષિણ ગુજરાતના શાંત-સમૃદ્ધ દરિયાકાંઠાના શહેર વલસાડમાં ઉછરેલી સીમરન અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરવા આવી હતી. મમ્મી સોનલ વાંચનની અને પ્રવાસની શોખીન અને પપ્પા નિલેશ પિતાનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય સંભાળે. અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે સીમરન પેઈંગ ગેસ્ટમાં બીજી છોકરીઓ સાથે રહેતી હતી.

રોજ સવારે ટુકડે ટુકડે બે રીક્ષાઓ ‘શેરીંગ’માં કરીને શટલ વાહનોમાં કોલેજ જવું અને પરત આવવું એ એનો નિત્યક્રમ હતો. પરીક્ષાનું ટેન્શન હોય કે પ્રોજેક્ટ પર કામ ચાલતું હોય તો બહેનપણીઓ ભેગી થઈ કેબ પણ ભાડે કરી લેતી હતી.

બે મહિના પહેલાના એ દિવસે એ ઉતાવળમાં હતી, છેલ્લી મિનિટ સુધી વાંચતી હતી. આખી રાત જાગી હતી, પરીક્ષાની તૈયારી કરવામાં, રસ્તા પર આવીને રીક્ષા પકડીને કહી દીધું, ‘કાકા, નિરમા કોલેજ ચાલો.’

રીક્ષામાં બેસીને પણ એ વાંચતી જ રહી. મુસાફરી પૂરી થતાં યુનિવર્સિટીના દરવાજે તેને ખ્યાલ આવ્યું કે એ વોલેટ ભૂલી ગઈ છે. બહુ શોધ્યા, પણ ક્યાંયથી પૈસા કે પાકિટ ન મળ્યાં.

જમાનાના અનુભવી રીક્ષાચાલક મનુભાઈએ કહ્યું, ‘બેટા તું પાકિટ ભૂલી ગઈ છે. ચિંતા ન કર, આ લે ૫૦ રૂપિયા તને જરૂર પડશે.’ સીમરને ના પાડી. કહ્યું તમારો આભાર. મનુભાઈ પરીક્ષામાં સારું લખવાના આશીર્વાદ આપી રવાના થયા, પરંતુ હોંશિયાર સીમરને રીક્ષાનંબર નોંધી લીધો. એ સતત નજર રાખતી કે ક્યાંક આ રીક્ષા મળી જાય તો ઋણ ચૂકવી દઉં. દોઢ-બે મહિને આજે રોજિંદા રૂટ પર એ રીક્ષાને જોઈ ગઈ અને મનુભાઈને યોગ્ય રકમ એ આપીને જ રહી. મનુભાઈએ પણ કહ્યું કે ‘બેટા, તારી પ્રામાણિકતાને સલામ છે.’

•••

પ્રસ્તુત ઘટનામાં એક એવા ગરીબ રીક્ષાચાલકની વાત છે જેને રોજ સાંજે ઘરનો ખર્ચો ભેગો કરવામાં પણ અતિ મુશ્કેલી નડે છે. આ ગરીબ શ્રમજીવીની શાલિનતા અને માણસાઈપૂર્વક જીવન જીવવાની સહજ વાત સામે એક યુવાન દીકરીની પ્રામાણિકતા અને ઘરમાં મળેલા સંસ્કાર ઊડીને આંખે વળગે છે.

પ્રત્યેક વ્યક્તિમાં ચારિત્ર્ય, નીતિ અને સજ્જનતાના ગુણો પડેલા જ હોય છે. પૈસા પાછળની - સત્તા પાછળની દોડ માનવીને અંધ બનાવે છે ત્યારે એ એને ભૂલી જાય છે. નાનો માણસ જ્યારે કોઈ પળે પ્રામાણિકતા દાખવે છે ત્યારે એ વધુ અભિનંદનને પાત્ર બને છે.

રોજિંદા જીવનમાં આપણી આસપાસ આવી ઘટનાઓમાં પ્રામાણિકતા ધબકે છે ત્યારે એમના માટે વંદન અને પ્રણામનો ભાવ હૃદયમાં ઉમટે છે.

વાણી-વર્તનમાં સજ્જનતા અને પ્રામાણિકતાનો પ્રકાશ ફેલાવનારા તારલાઓના પ્રકાશને અજવાળે અજવાળે આપણી આસપાસ પણ તેજપૂંજ રેલાય છે અને અજવાળું અજવાળું અનુભવાય છે.

લાઈટ હાઉસ

No legacy is so rich as honesty.

- William Shakespeare


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter