પ્રવાસન એટલે જિંદગીમાં પ્રસન્નતા - માધુર્ય - આનંદનું ઉમેરણ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 04th February 2020 04:55 EST
 
 

‘હજી તો ઉંમર જ શું છે એની? ફક્ત પાંચ કરોડ વર્ષ... એક નવયુવાનમાં હોય એવો તરવરાટ ને તોફાન ને તાંડવ બદ્ધુ એને હસ્તગત છે. ’ સુરતના કર્મવીર ભટ્ટ જેના વિશે વાત કરી રહ્યા હતા એ હતો પર્વતાધિરાજ હિમાલય.

પુરાણોમાં દેવભૂમિ તરીકે પ્રસિદ્ધ અને ઋષિમુનિઓની તપોભૂમિ એવા હિમાલયની ભૂમિ લાખ્ખો-કરોડોની જેમ એમને પણ આકર્ષતી હતી અને એટલે તેઓ પંચ-કેદાર પૈકીના ત્રણ (કેદારનાથ, તુંગનાથ અને મદમહેશ્વર)ના ટ્રેકિંગમાં અને યાત્રામાં ગયા પછી એમના પ્રવાસ વર્ણનો વિશે લખવા બેઠા તો જાણે એક પુસ્તકનું સર્જન થાય એટલું બધું લખાયું. હિમાલયનું પ્રાકૃતિ સૌંદર્ય-પૌરાણિક કથાઓ, રોજ-રોજના સંવેદનશીલ અનુભવો, જે તે મંદિરોનો ઈતિહાસ અને શિલ્પ-સ્થાપત્ય, સ્થાનિક લોકોની કોઠાસૂઝ અને પ્રેમભાવ, તીર્થોમાં જોવા મળતી ભીડ, એની વ્યવસ્થાઓ, ભક્તિ અને ભભૂતનો રંગ, ભક્તોનો ભક્તિભાવ ને એવું એવું કેટકેટલું સહુની જેમ તેઓએ આ યાત્રામાં અનુભવ્યું.
‘શ્રદ્ધા, સામર્થ્ય અને સંપત્તિ... જેમની પાસે જેટલા હોય એ મુજબ અહીં દર્શને આવતા પ્રવાસીઓ અમે જોયા. ઓફ-સિઝનમાં આટલી ભીડ છે તો મે-જૂનમાં તો પ્રવાસીઓનો કેવો ધસારો થતો હશે?’ એમના સહયાત્રી નીલેશ શાહ કહે છે.
કેદારનાથ જવાનો પગપાળા માર્ગ માત્ર સ્લીપર પહેરીને, માત્ર દસ રૂપિયાના બિસ્કીટ ખાઈને પસાર કરનારા ૭૦-૭૫ વર્ષના વૃદ્ધોને જોઈને વંદન કરવાનું મન થઈ જાય. આ યાત્રામાં સિમેન્ટ અને પથ્થરના રોડ, થોડા થોડા અંતરે પીવાનું પાણી, શૌચાલયો, વેધર શેડ, માહિતી આપતા સાઈનબોર્ડ, ભોજન, ચા-નાસ્તાની વ્યવસ્થા બદ્ધું જ સારી રીતે ગોઠવાયું છે અહીં. ૨૦૧૩માં આવેલી મહાવિનાશક રેલ અને પછીની વિપદાઓ સહન કરીને ફરી પાછા બેઠાં થઈ રહ્યાં છે લોકો. કલાકો સુધી કતારમાં ઊભા રહો એ પછી થોડીક સેકંડો માટે ભગવાનના દર્શન થાય અને તોયે જગત આખામાંથી અહીં શિવભક્તો દર્શને આવે, એ વાત જ દેવાધિદેવ મહાદેવના અપ્રતિમ મહિમાની અનુભૂતિ કરાવે છે.
‘હિમાલયમાં પગપાળા જવાનો આનંદ લેનાર માટે યાત્રા અને પ્રકૃતિદર્શન બંને હેતુ સરે છે, આપણે સાથીઓ સાથે ઓછી જાત સાથે, પરમ અસ્તિત્વ સાથે વધુ વાતો કરતા હોઈએ એવું લાગતું હતું.’ પોતાનો અનુભવ વર્ણવતાં વલસાડનાં સોનલ શાહ કહે છે.
હિમાલયમાં ટ્રેકિંગ કરનારાનો એ અનુભવ છે કે ટ્રેકિંગના માર્ગો નદીઓની વાટે ને ઘાટે વધુ અનુભવવા મળે છે. નદી, નાળા, ઝરણા, પહાડો, ખુલ્લા મેદાનો અને ઉપર અનંત ભૂરું આકાશ, ક્યારેક તડકો ને ક્યારેક વરસાદ... ક્યાંક હૂંફાળું તો ક્યાંક ટાઢુંબોળ પાણી, રંગબેરંગી ફૂલો-પાંદડાઓ ને વનસ્પતિઓ, ખુશનુમા અને તન-મનને પ્રસન્ન કરનારું વાતાવરણ સહુના માટે ઉંમરના પાંચમા દાયકામાં જાણે ઉદ્દીપક બન્યું હતું. લીલી જાજમ પાથરી હોય તેવા ઢાળ, ઘાટીઓ અને ધારા, નદી કે ઝરણાનો મીઠો રવ કોઈને કોઈ ગીત ગણગણવા જાણે મજબૂર કરી દેતા હતા. હિમાલયનો આ પ્રવાસ જેની લાંબા સમયથી સહુને પ્રતિક્ષા હતી, એ વાસ્તવમાં અર્થપૂર્ણ અને ભર્યોભર્યો બની રહ્યાની અનુભૂતિ સાથે વૈભવી ભટ્ટ, દીપા સ્વામી અને અન્ય મિત્રો મીઠા સંસ્મરણો સાથે, ફરી જવાના સંકલ્પ સાથે પરત ફર્યાં.
હિમાલયની ગિરિકંદરાઓમાં જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે કોઈ અદભૂત અને અવર્ણનીય અનુભવો થયાનું મારું પણ સ્મરણ છે. જેટલી વાર જઈએ, પરત આવતા ફરી આવવાનો મનોરથ વ્યક્ત થઈ જ જાય.
વિશ્વ આખામાં અને આપણા ઘરની આસપાસ પણ પ્રવાસન માટેના અનેક સ્થળો છે, ત્યાં સમય - અનુકૂળતા ઊભી કરીને પણ સ્વજનો, પ્રિયજનો સાથે પ્રવાસનો - યાત્રાનો આનંદ હંમેશા લેતા રહેવો જોઈએ. જિંદગીમાં થોડી વધુ પ્રસન્નતા, થોડું વધુ માધુર્ય અને આનંદ ઉમેરાય છે અને આવું થાય ત્યારે પ્રવાસનના રાજમાર્ગ પર જાણે અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter