પ્રામાણિક્તા પરમ ઉપકારક

તુષાર જોષી Tuesday 25th April 2017 06:20 EDT
 

‘ના હોય... મેં તો ગણીને જ આપ્યા હતા... પાંચ નોટ હતી.’

‘સાચી વાત છે, પાંચ જ હતી, પણ એ રૂપિયા એક હજારની નહીં. બે-બે હજારની હતી... લ્યો આ પૈસા પાછા.’

આવો સંવાદ તાજેતરમાં અમદાવાદમાં થયો અને પૈસા આપનારની ગણતરી ભૂલ તથા લેનારની ઈમાનદારી થકી એ નાનકડો પ્રસંગ ઈમાનદારીના દીવડા પ્રજ્વલિત કરી ગયો.

સતત ઘરકામમાં અને પ્રવૃત્તિમાં રહેતા લોકોથી થતી સાહજિક ભૂલમાંથી નિષ્પન્ન થયેલી હકારાત્મકતાની ઊર્જાનો સંદેશ લાવનારી ઘટના કાંઈક આવી છે. વાત છે અમદાવાદમાં રહેતા એક પરિવારની. પરિવારના સભ્યો પૈકી પુરુષને અવાર-નવાર બહારગામ જવાનું થાય. મોટાભાગે સવારથી સાંજ અથવા ઘણી વાર બે-ત્રણ દિવસના સળંગ કામ પણ હોય. પરિવારના સભ્યો અને મિત્રો પ્રવાસના પણ શોખીન એટલે બહારગામ જવાનું થાય ત્યારે પ્રાઈવેટ લક્ઝરી કે ટ્રેઈન અથવા પ્લેનનો ઉપયોગ સામાન્ય રીતે કરે. ઉપરાંત જરૂર પડ્યે ટેક્સી ભાડે કરવી પડે તો તે પણ કરી લે. જરૂર પડે ગાડીમાં ડ્રાઈવર પણ રાખી લે જેથી ડ્રાઈવિંગ કરતી વખતે પુસ્તકો વાંચવામાં કે સંગીત સાંભળવવામાં અને ફોન રિસીવ કરવામાં સરળતા રહે.

સ્વાભાવિક રીતે બે-ત્રણ વ્યક્તિઓ સાથે નિયમિત સંપર્કો હતા. તેઓ એમના ગ્રૂપમાંથી ગાડીઓ સપ્લાય કરે. એમાંના જ એક મિત્ર દક્ષેશભાઈ, એમની સાથે પારિવારિક સંબંધ અને વળી રહેવાનું પણ એક જ સોસાયટીમાં. દેશ-વિદેશના મહેમાનો માટે ગાડી ભાડે આવ્યા કરે, પરંતુ ગાડીની કે ડ્રાઈવરના વાણી-વર્તણૂકની ક્યારેય કોઈ ફરિયાદ ના આવે. બંને પક્ષે સહેજ પણ ઉચાટ નહીં. વડીલોને કે મહિલાઓને બહારગામ જવાનું આવે તો પણ જરાયે ચિંતા ન થાય. એવી સુંદર એમની સર્વિસ.

એક દિવસ પ્રવાસ ગોઠવાયો ત્રણ દિવસનો. કચ્છના નાના રણ ને ત્યાંથી વળી અમદાવાદ ને ત્યાંથી સૌરાષ્ટ્રમાં. એમાં પાછા આવીને એક મરણ પ્રસંગે જવું પડ્યું બરવાળા... દક્ષેશભાઈએ એમના એક યુવાન મિત્ર આશિષ ત્રિવેદીને કહ્યું કે, ‘તમે જઈ આવો...’ એ સમયસર આવી ગયા. સાલસ સ્વભાવ, ડ્રાઈવિંગ પણ સાવચેતીભર્યું, કોઈ આડીઅવળી આદતો નહીં. બિનજરૂરી બોલવાનું નહીં. આમ પેલાં પરિવારને કોઈ તકલીફ એમણે પડવા દીધી નહીં. સામાન્ય રીતે હોય છે એમ ડીઝલના પૈસાનો ઉપાડ બાદ કરીને આપવાના થતા પાંચ હજાર એકસો રૂપિયા હવે બાકી હતા. દક્ષેશભાઈ સાથે સામાન્ય રીતે હિસાબ થાય, પરંતુ એમણે જ કહ્યું કે, ‘પૈસા જે બાકી છે ને આશિષભાઈને આપી દો.’

પેલા ભાઈ ફરી બહાર હતા એટલે એમણે પત્નીને કહી દીધું કે આશિષ આવે તો પૈસા આપી દેજો. એ આવ્યા અને બંધ કવરમાં તૈયાર રાખેલા પૈસા લઈને જતા રહ્યા. એમને એ રકમ કોઈ બેંકમાં ભરવાની હતી. બેન્કમાં જઈને કવર ખોલ્યું તો પાંચને બદલે દસ હજાર એકસો હતા. અચાનક ચમક્યા. તુરંત ફરી ગણ્યા. બે-બે હજારની પાંચ નોટ હતી. ફોન કર્યો ને કહ્યું કે તમે બમણાં પૈસા આપ્યા છે. બેન્કમાં પૈસા ભરીને પોતાના બીજા કામો એક બાજુ મૂકીને પહેલાં પૈસા પાછા આપવા ગયા. પેલા બહેને કહ્યું કે, ‘મારા મનમાં હતું કે એક-એક હજારની નોટ છે.’ એમણે આમ બે-બે હજારની નોટ આપી દીધી હતી.

સારું થયું કે આશિષભાઈ પ્રામાણિક હતા. બાકી ઘણી વાર જાણીતા લોકો પણ આવી ઘટના બન્યાની જાણકારી થયા બાદ હાથ મુકવા દેતા નથી, અને વાત સ્વીકારતા પણ નથી. આમણે સામેથી જાણ કરી અને પ્રામાણિકતાનો એક આદર્શ દાખલો બેસાડ્યો.

મજાની વાત તો એ હતી કે આવી ઘટના બન્યાનું કહેવાનું પત્ની ભૂલી ગઈ એટલે જ્યારે બીજા કોઈ કામે આશિષનો ફોન આવ્યો ત્યારે જ એને ખબર પડી. એમણે કહ્યું કે ‘સારું થયું તમે પ્રામાણિકતા દાખવી.’

સહુ મનોમન રાજી થયા ને પતિએ ઘરના બાળકોને ઘટના સંભળાવી કહ્યું, ‘ભવિષ્યમાં આપણે આવી ભૂલ ના કરીએ તેનું ધ્યાન રાખવું. કારણ કે હંમેશા સામે પ્રામાણિક માણસ જ હોય એવું ન પણ બને.’

•••

પ્રામાણિકતા જાત સાથેની અને સામેની વ્યક્તિ સાથેની - બન્ને આપણને ઉપકારક નીવડે છે. બન્નેથી આપણને ફાયદો થાય છે. પ્રામાણિકતા કેળવી પણ શકાય અને સ્વભાવગત પણ હોઈ શકે. પ્રામાણિકતાપૂર્વક જીવન જીવનારા માણસો મોટાભાગે પોતાની પ્રામાણિકતા વિશે બોલતા નથી. એમના કામ બોલે છે. એમની પ્રામાણિકતાની લોકો નોંધ લે છે.

અનુભવે એવું પણ જોયું છે કે પ્રામાણિક માણસોના વ્યવહારોને કારણે એમના ધંધા-રોજગારમાં પણ વિશેષ બરકત આવે છે. સતત વૃદ્ધિ થતી રહે છે. આવી પ્રામાણિકતા આપણી આસપાસ દેખાય ત્યારે ઈમાનદારીના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.

લાઇટ હાઉસ

Honesty is the best policy when there is money in it. – માર્ક ટ્વેઈન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter