પ્રામાણિક્તાઃ માનવમનની નિર્મળ સદવૃત્તિ

Monday 25th June 2018 07:50 EDT
 

‘અરે, ખરા માણસ છે આ! હમણાં કહેતા હતા કે હું આ રૂપિયાની રકમ પરત લેવા નથી આવ્યો, ને મેં આપી તો પાછી આભાર આભાર કરતા લઈ પણ લીધી!’ આવો મનોમન સંવાદ સુજાતાએ પોતાની જાત સાથે એક ક્ષણ માટે કર્યો. હજુ એ કાંઈ વિચારે એ પહેલાં અપૂર્વે એક બોક્સ જેવું એના ટેબલ પર મુક્યું એટલે એ વધુ ચમકી... આ શું છે? વાત ગણો કે ઘટના, સાવ નાની છે, વ્યક્તિગત બે પાત્રો વચ્ચેની છે પરંતુ એમાંથી ઊઠતા તરંગો એટલા જ રસપ્રદ અને પોઝીટીવ છે.

સરકારી નોકરી કરતો અપૂર્વ અમદાવાદમાં વર્ષોથી રહે છે. રોજ સવારે પોઈન્ટની બસમાં કે પછી ‘શેરિંગ’વાળી કારમાં સમયસર ગાંધીનગર પહોંચી જવું. આખો દિવસ સરકારી કાર્યો, ફાઈલો, પ્રોજેક્ટ, ચર્ચાઓ-મિટિંગો-સુચનાઓમાં વ્યસ્ત રહે... એની સાથે કર્મચારીઓ કરતા કામ માટેની જાગૃતિ અને સંવેદના વધુ એટલે અધિકારી દ્વારા પણ એને બીજા કરતા વધુ કામ સોંપાય. અપૂર્વ હસતા હસતા બધા કામ સ્વીકારે ને ઉકેલે. તેનો આવો સ્વભાવ એની લોકપ્રિયતાનું દમદાર પાસું બની રહ્યો હતો.

દીકરી ધોરણ-૧૨મા અભ્યાસ કરતી હતી. અત્યાર સુધી કારકિર્દી સારી રહી હતી એટલે સ્કૂલ ઉપરાંત ટ્યુશન પણ ગોઠવ્યા હતા. સમયે સમયે અનુકૂળતા મુજૂબ એ પોતે અથવા એની પત્ની એને લઈ આવતા ને મુકી આવતા. બે દિવસ પહેલાં ગિયરલેસ સ્કૂટર રિપેરિંગમાં આપ્યું હતું. અપૂર્વ સાંજના સ્કૂટર પરત લેવા ગયો. શો-રૂમના કાઉન્ટર પર બેઠેલા બહેને જોબકાર્ડ બનાવ્યું. અપૂર્વે પૈસા ચૂકવ્યા. દીકરીને ટ્યુશનમાં મુકવા જવાની ઉતાવળમાં અપૂર્વે બાકી પૈસા ગણ્યા વગર જ ખિસ્સામાં મૂક્યા ને ઘરે પરત ફર્યો.

બે દિવસ બાદ સાંજે અપૂર્વના ફોન પર સ્કૂટરના શો-રૂમમાંથી ફોન આવ્યો તે દિવસે તમને જે રકમ પરત આપવાની હતી તેમાં ૧૦૦ રૂપિયા ઓછા અપાયા છે તો આવતા-જતા લઈ જશો. અપૂર્વે મનોમન નક્કી કર્યું કે ‘હવે મારો સમય છે, પ્રામાણિકતાને પ્રોત્સાહિત કરવાનો...’

એ બીજા દિવસે બપોરે ગયો... પેલા બહેનને મળ્યો. એમણે સ્વીકાર્યું કે, ‘હું મારા દીકરાને ટ્યુશનમાંથી લેવા જવાની ઉતાવળમાં હતી, ખ્યાલ બહાર ગયું, ઘરે જઈને ખ્યાલ આવ્યો કે પર્સમાં ૧૦૦ રૂપિયા વધુ છે. બીજા દિવસે ઓફિસમાં હિસાબ માંડ્યો ને યાદ આવ્યું કે છેલ્લે તમે જ આવ્યા હતા. આ લ્યો તમારા હકના પૈસા.’ અપૂર્વએ પૈસા લઇને કહ્યું, ‘આજે હું પૈસા પરત લેવા નથી આવ્યો, તમારામાં રહેલી પ્રામાણિકતાને વંદન કરવા આવ્યો છું ને અહીં સ્ટાફના સભ્યો માટે મારા આનંદરૂપે સો રૂપિયાથી વધુ રકમનો નાસ્તો આ બોક્સમાં લાવ્યો છું, પ્રામાણિકતાના પ્રસાદરૂપે.’ આનાકાની કરતા આખરે પેલી બહેને નાસ્તો સ્વીકાર્યો ને અપૂર્વ પણ આનંદની ભાવના સાથે ત્યાંથી નીકળી ગયો.

•••

પ્રામાણિકતા એવો સદગુણ છે, જે આજના સમયમાં જોવા મળે તો સહજ આનંદ થાય. એમાંય સામાન્ય વર્ગના માણસો જ્યારે પ્રામાણિકતા દાખવે ત્યારે એની કદરદાની થાય એ પણ એટલું જ જરૂરી છે. પ્રામાણિકતાના કિસ્સાઓમાં રકમ-વસ્તુ-પદાર્થ નહિ, પણ માણસ મનની નિર્મળતા, અણહક્કનું નહિ લેવાની સદવૃત્તિ મહત્ત્વના છે અને તેના થકી જ જે તે માણસ વંદન કરવાને યોગ્ય બને છે. પ્રામાણિકતાના આવા કિસ્સાઓ આપણી આસપાસ બનતા જ રહે છે અને ત્યારે જ તેને વધાવવા એ પણ આપણી સામાજિક જવાબદારી છે. આવું થાય ત્યારે સદગુણોના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter