પ્રેમ, પ્રાર્થના, પુરુષાર્થનો સમન્વય અપાવે સફળતા

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 17th June 2019 05:37 EDT
 

‘બિલીવ ઈન યોર સેલ્ફ...’ ‘નિષ્ફળતાઓએ મને લડતા શીખવ્યું...’ ‘ક્રિકેટે મને મારી લાઈફમાં બધ્ધું જ આપ્યું છે...’ ‘ઈટ વોઝ જસ્ટ લાઈક ટચીંગ ધ સ્કાય એન્ડ ફોલીંગ ડાઉન વ્હેન આઈ વોઝ પીક ઓન માય કરિયર’.....

ભારતીય ક્રિકેટ ટીમના એટેકીંગ અને મેચવિનીંગ ક્રિકેટર યુવરાજ સિંહના આ શબ્દો હતા, જ્યારે મુંબઈમાં તેણે ૧૭ વર્ષની તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દીની નિવૃત્તિની જાહેરાત કરી. યુવરાજે માતા-પિતાથી લઈને ગ્રાઉન્ડ સ્ટાફ સુધીના મોટા-નાના તમામનો આભાર માનતા કહ્યું કે ‘લાઈફમેં સબ કુછ નહિ મીલતા, સફલતા ઔર ઓપોર્ચ્યુનીટી દોનો નહિ મીલ રહે થે, કન્ફ્યુઝ થા... માય લાઈફ વોઝ લાઈક રોલર કોસ્ટર...’
૩૦૪ વન-ડેમાં ૧૪ સદી સાથે ૮૭૦૧ રન, ટ્વેન્ટી૨૦ના ૫૮ મેચમાં ૧૧૭૭ રન સહિત બોલિંગ-ફિલ્ડીંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ સાથે એક યુગનો અંત આવ્યો.
લોકો પૂછે કે ‘તમે ક્યારે રિટાયર થાવ છો?’ એ પહેલા તમારે રિટાયર થઇ જવું જોઈએ... આ વાક્યમાં સમાયેલી યથાર્થતાને યુવરાજે સાર્થક કરી છે. ક્રિકેટના મેદાન પર અને કેન્સર જેવા રોગ સામે એ સતત લડતો રહ્યો, વિજેતા થયો...
ચંદીગઢની સ્કૂલમાં ભણતા ભણતા ક્રિકેટર બનવાના સપના જોયા અને વિશ્વ વિખ્યાત ક્રિકેટર બન્યો યુવરાજ... ૨૦૦૨ની નેટવેસ્ટ સિરીઝની ઈંગ્લેન્ડ સામે રમાયેલી ફાઈનલમાં ૬૩ બોલમાં બનાવેલા ૬૯ રન, ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીગ મેચમાં ૧૬ બોલમાં ૫૮ રન અને એમાંય બ્રોડની એક ઓવરના ૬ બોલમાં ૬ છગ્ગા! એ પછી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ ૩૦ બોલમાં ૭૦ રન! ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારત વિજેતા થયું એમાં એનું મહત્વપૂર્ણ પ્રદાન થયું એ યાદ કરાવવું જરૂરી ખરું?
આ પછી કેન્સર થયું તો આ રોગની સારવાર લીધી. માતાના વાત્સલ્ય અને પ્રિયજનો તથા શુભેચ્છકોના પ્રેમથી એ સાજો થયો ને ફરી મેદાન પર આવ્યો. આઈપીએલ રમ્યો. સ્વભાવિક પહેલાં જેવું તાકતવર પ્રદર્શન ના કરી શક્યો પણ એણે જે આત્મવિશ્વાસ બતાવ્યો એ કાબિલેદાદ હતો. એ આત્મવિશ્વાસ દ્વારા જ એણે રમતના મેદાન પર અને કેન્સરના રોગ સામે વિજય મેળવ્યો. અને યોગ્ય સમયે રિટાયર પણ થયો.
આવી જ સ્ટોરી મલેશિયાના દિગ્ગજના બેડમિન્ટન ખેલાડી લી ચોંગ વેઈની છે. ૩૪૮ સપ્તાહ સુધી તે વિશ્વનો નંબર વન શટલર રહ્યો. સતત ૧૯ વર્ષ બેડમિન્ટન રમ્યો. સૌથી ઝડપી સ્મેશનો રેકોર્ડ પણ તેના નામે છે. ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ની સળંગ ત્રણ ઓલિમ્પિક્સમાં તે ફાઈનલ સુધી પહોંચ્યો હતો. ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ફાઈનલમાં પહોંચ્યો હતો. ૬૯ ટાઈટલ કુલ મળીને જીત્યો પણ ઓલિમ્પિક કે વર્લ્ડ કપ ના જીતી શક્યો. આ ખેલાડીએ ૧૩ જૂન ૨૦૧૯ના રોજ નિવૃત્તિ જાહેર કરી ત્યારે તે રડી પડ્યો હતો. યુવરાજ અને લી ચોંગ વેઈમાં સામ્યતા એ હતી કે તેને પણ કેન્સર થયું છે. ગયા વર્ષે તેને નાકના પ્રથમ તબક્કાના કેન્સરનું નિદાન થયું. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તે રડી પડ્યો અને તબિયતના કારણે વહેલા નિવૃત્ત થવું પડ્યું છે એમ કહ્યું. વેઈએ પોતાના કાર્યકાળમાં ઉત્સાહ વધારનારા પોતાના દેશવાસીઓનો આભાર માન્યો હતો. એણે કહ્યું કે મારે ટોકિયો ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લેવી હતી પણ આજે નિવૃત્ત થાઉં છું...
સમયને પારખીને નિવૃત્તિનો નિર્ણય લેનારા આ બંને ખેલાડીઓએ એમના રમતગતમના સક્રિય વર્ષો દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વૈશ્વિક નામના મેળવી છે.
કેન્સર જેવી બીમારી સામે યોગ્ય અને સમયસરની શ્રેષ્ઠ સારવાર પામેલા, એ પછી મેદાન પર રમવા ઉતરેલા આવા ખેલાડીઓને ઈશ્વર વિશેષરૂપે, અંદરની તાકાત, આત્મવિશ્વાસ, મજબૂત મનોબળ, દીર્ઘ દૃષ્ટિ, કોઠાસૂઝ અને નિર્ણયશક્તિ આપતો હોય છે. પરિણામે તેઓ ક્યારેય શરીરથી કે મનથી હારતા નથી. પોતાની જાતને આપેલું વચન - કમિટમેન્ટ તેઓ સમગ્ર કારકિર્દી દરમિયાન આપતા આવ્યા છે એટલે સતત ટોચ પર રહ્યા છે, સફળ રહ્યા છે.
કોઈ અગમ્ય શક્તિ આવા ખેલાડીઓને ચમત્કારિક પર્ફોમન્સ કરવા સતત પ્રેરે છે, જેના આધારે આ ખેલાડીઓ અનબીલીવેબલ પર્ફોમન્સ આપે છે, જે અકલ્પનીય હોય છે.
શારીરિક રોગની મર્યાદાને વળોટીને, એની સામેના જંગમાં પ્રેમ-પ્રાર્થના-પુરુષાર્થ અને પોઝિટિવીટી સાથે જ્યારે મનુષ્ય જોડાય છે ત્યારે આવી સફળતાના દીવડા પ્રગટતા હોય છે અને એમાંથી આત્મવિશ્વાસના અજવાળાં રેલાતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter