પ્રેમ પ્રેમ હોય છે, તે સાચો કે ખોટો નથી હોતો, અને ક્યારેય ઓછો કે વધારે નથી હોતો

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 18th April 2023 05:49 EDT
 
 

You are my sunshine... આવું એક વાક્ય હમણાં એક નાનકડી દીકરીએ પહેરેલા ટી-શર્ટમાં વાંચ્યું. આનંદ થયો. સ્વાભાવિક છે કે એ દીકરી અનન્યાના માતા-પિતા અને દાદી કે નાની-નાના ને પરનાની સહુ કોઈ માટે અનન્યા સનસાઇન - સૂર્યનો ઊજાસ હોઈ શકે.

વાંચ્યા પછી હૃદય અને મન વિચારે ચડ્યા. આમ પણ મીડિયાના માણસ તરીકે અને લેખક–વક્તા તરીકે મન સતત વિચારવા ટેવાયેલું હોય. હમણાં એક–બે મેડિકલ ટેસ્ટ કરાવવા માટે જરૂરી હતું કે પલ્સ નિયત માત્રામાં રહે. સાવ નિર્વિચાર થઈને રહું તો પણ એમને એટલે કે ટેક્નિશિયનને જરૂરી માત્રા કરતા પલ્સ થોડી વધારે રહેતા હતા. મને એ કહે, ‘ભાઈ કોઈ વિચાર ના કરો.’ મેં કહ્યું, ‘નથી જ કરતો...’ તોયે મન સહજપણે તો વિચારે ચડી જ જાય છે. આખરે ટેસ્ટ થયો, નોર્મલ આવ્યા ને હાશ થઈ.
મૂળ વાત એ વાક્યના વિચારમંથનમાંથી પ્રાપ્ત થયેલી અનુભૂતિ હતી. કોઈ કોઈના માટે સનશાઈન હોય છે. અજવાળું હોય છે. આપણે સ્વાભાવિક રીતે ઊંમરના જુદા જુદા તબક્કે કોઈના માટે આ લાગણી અનુભવતા હોઈએ છીએ. તમે યાદ કરો તે ક્યારે કોને તમારા જીવનમાં સનશાઈન રૂપે જોયા છે? જોયા હતા?
આ કોઈનામાં સનશાઈન તરીકે જોવાની અનુભૂતિના મૂળમાં હોય છે એ પાત્ર પ્રત્યેનો પ્રેમ. માત્ર પ્રેમ. એવો પ્રેમ જેને દુનિયાદારીના કોઈ ગણિત નથી. એવો પ્રેમ જ્યાં માત્ર સામેના પાત્રને રાજી કરીને પોતે રાજી રહેવાનો પ્રયાસ છે. એવો પ્રેમ જે માત્રને માત્ર અખંડ ધારારૂપે વહ્યા કરે છે, પ્રસન્નતા આપે છે. આ પ્રેમની અનુભૂતિ જ આપણને એ પ્રિય પાત્રના હોવાપણાથી અજવાળુંની, સનશાઈનિંગની અનુભૂતિ આપે છે. આપણને થાય છે કે એક બાજુ આખી દુનિયા અને બીજી બાજુ એક જ પાત્ર મુકીએ તો પણ આપણને એ પાત્રનું - બીજા પલ્લાનું વજન વધુ લાગે છે.
જે આપણા જીવનમાં સનશાઈન રૂપે હોય એના કારણે આપણે ઊર્જા-ઊલ્લાસથી, પોઝિટિવિટીથી જીવીએ છીએ. એના કારણે જ આપણને દુનિયા જીવવા જેવી લાગે છે. આવા પાત્ર માટે આપણે ત્યાં હિન્દી સિનેમામાં કેટકેટલા અણમોલ ગીતો લખાયા છે, ગીત–શાયરી લખાયાં છે. એકાદ–બેનું સ્મરણ કરીએ.
હિન્દી ફિલ્મમાં મન્નાડે એ ગાયેલા એક ગીતની પંક્તિ જુઓ,
‘કિતની સચ્ચાઈ હૈ ઈન આંખોમેં,
ખોટે સિક્કે ભી ખરે હો જાયે...’
આહાહા... કેવી અદભૂત અભિવ્યક્તિ છે કે ખોટા સિક્કા પણ એની નજર પડતા સાચા થઈ જાય. તો બીજા એક ગીતમાં ગવાયું છે,
તેનું છડ્ડ કે કિત્થે જાવાં,
તું મેરા પરછાવાં
તેરે મુખડે વિચ હી મેં તો
રબનુ અપને પાવા...’
આ પ્રિયજનમાં જ પ્રેમીને પરમાત્મા દેખાય છે અને એ જ એનો પડછાયો છે. આનાથી વધુ પ્રેમની અનુભૂતિ બીજી કઈ હોઈ શકે?
પ્રેમ પ્રેમ હોય છે, સાચો કે ખોટો નથી હોતો, ઓછો કે વધારે નથી હોતો, પ્રેમમાં હોવાથી વધારે ઉત્તમ ક્ષણો જીવનમાં કોઈ નથી. પ્રેમ એ જ પૂજા બની જાય છે જ્યારે પ્રિયજન માટે આપણે પરમ તત્વની - એક દિવ્ય અજવાળાંની અનુભૂતિ કરીએ છીએ. યાદ કરીએ આજે આપણા માટે આવું અજવાળાંના ઉત્સવ જેવું પાત્ર આપણા જીવનમાં કોણ છે? બસ જો આ પાત્રને આપણે ઓળખી લઈએ – પામી જઈએ તો પછી પળપળ આપણા માટે એ પ્રિય વ્યક્તિની Sunshine આપણને અજવાળ્યાં કરે છે, આપણને ઝળાંહળાં રાખે છે. આવા સનસાઇન રૂપી પ્રિયજનને કોઈ પણ ભોગે બદ્ધું જતું કરીને પણ વ્હાલથી વળગી રહીએ ત્યારે એનાં અજવાળાં પથરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter