પ્રેમનો વરસાદ અને સંવેદનાની ભીનાશ

- તુષાર જોષી Wednesday 29th July 2026 08:40 EDT
 
 

‘વરસાદ વરસે તેની તો આ મૌસમ છે, પણ કોઈની લાગણી બે-મૌસમ વરસે તો અમને ગમે...’

‘વરસાદ ધોધમાર વરસી રહ્યો છે, ચાલ સખી, નીકળી પડીએ કોઈ લાંબી વાટ, માણીએ ચા અને ગોટાનો સ્વાદ, ઉજવીએ વરસાદી સંગાથ...’

આ અને આવા બીજા ત્રણ-ચાર વરસાદી સ્ટેટ્સ વાંચીને મંદ મંદ હસતાં હસતાં નીલા ‘મમ્મી, હું નીલ સાથે થોડી વાર વરસાદમાં ભીંજાવા જાઉં છું. વળતા સમયે ગરમ નાસ્તો લેતી આવીશ.’ આમ કહીને નીકળતી હતી, ચંપલ પહેરતી હતી ત્યાં જ મમ્મીએ કીધું, ‘અરે, છત્રી તો લેતી જા...’ નીલા કહે, ‘શું મમ્મી તું પણ, અમે ભીંજાવા જઈએ છીએ, નહીં કે વરસાદના પાણી આડે આડશ મૂકવા.’
નીલા અને નીલના બંગલા એક જ સોસાયટીમાં હતા, બંનેના પરિવારનો સંબંધ લગભગ 30-35 વર્ષનો, એટલે કે બંનેના જન્મ પહેલાંનો સંબંધ હતો. રોજેરોજ વાટકી-વ્યવહારમાં એકબીજાના ઘરે કોઈને કોઈ વાનગી જતી, સાથે હરવા-ફરવા જવાનું, ઉત્સવો ઊજવવાના અને જીવનને ભરપૂર મસ્તીથી, પ્રેમથી, પ્રસન્નતાથી જીવવાનું એ જ જાણે એમના માટે જીવનનો અર્થ હતો.
નીલા નીલના ઘરે પહોંચી ત્યારે નીલ બાઈક લઈને તૈયાર જ હતો. વરસાદ ધીમે ધીમે વરસતો હતો અને એ વરસાદમાં ભીંજાયેલી નીલા એના બાઈક પાછળ બેસી ગઈ. એની બાજુવાળા અંકલ ને આંટી પણ વરસાદમાં ભીંજાવા નીકળ્યા હતા એ જોઈને, રાજી થઈને નીલાએ એમને જાણે આહ્વાન કર્યું, ‘અમારા બેઉના મમ્મી-પપ્પાને પણ આમ ભીંજાવા સાથે બોલાવી લો.’
બંને નીકળી પડ્યા. તેઓ જ આવી રીતે નીકળી પડ્યા ન હતા. બહુબધા અમદાવાદીઓ આવી રીતે પ્રેમી, પ્રિયજન કે પરિવાર સાથે વરસાદમાં ભીંજાવા નીકળી પડ્યા હતા. બંને રિવરફ્રન્ટ ગયા, બાઈક પાર્ક કર્યું અને બે હાથ આકાશ સામે ફેલાવીને વરસાદને મન મૂકીને ઝીલ્યો, વરસાદી ગીતો ગાયા, મકાઈના ડોડા ખાધા, નર્તન પણ થોડું કરી લીધું. નીલે એને નજીક લાવીને તોફાની મૂડમાં કહ્યું, ‘મને થાય છે કે નક્કી આ વરસાદે તારી પાસેથી જ મસ્તી અને પાગલપન, અનરાધાર પ્રેમ કરવાની કળા ચોરી લીધી હશે.’ નીલા મીઠું મીઠું શરમાઈ ગઈ.
બંને પાછા વળતા હતા, ગરમાગરમ નાસ્તાની દુકાને ઊભા રહ્યા. જે કાંઈ ઓર્ડર આપ્યો તે લઈને થોડે આગળ ગયા, રસ્તામાં મજૂરના બાળકો વરસાદમાં રમી રહ્યા હતા, નીલાએ બાઈક ઊભી રખાવી, થોડો નાસ્તો એમને આપ્યો. આમ જ્યાં જ્યાં આવા લોકો દેખાયા એમને એ નાસ્તો આપતી ગઈ. નીલને નવાઈ લાગી પણ એય સદકાર્યમાં જોડાયો.
બધો નાસ્તો ખાલી થયો એટલે નાસ્તાની બીજી દુકાને બાઈક ઊભું રખાયું, ઘર માટે બીજા નાસ્તાનો ઓર્ડર આપ્યો ને નાસ્તો લઈને ઘરે ગયા. સહુએ સાથે મળીને જલસો કર્યો, ફરી વરસાદી ગીતો ગાયા.
નીલે વડીલોને વાત કરીને નીલાએ આમ આ રીતે નાસ્તો ગરીબ ભૂલકાંઓને વહેંચી દીધો હતો ત્યારે સૌથી વધુ આનંદ નીલના મમ્મીના ચહેરા પર હતો. જે છોકરી પુત્રવધૂ તરીકે આવવાની છે એની આવી સંવેદના એમને સ્પર્શી ગઈ. એમણે નીલાને વળગીને વહાલથી ચુમી લીધી અને કહ્યું, ‘બેટા, વી આર ફિલિંગ પ્રાઉડ ઓફ યુ...’ અને વરસતા વરસાદે પણ જાણે પ્રેમના અજવાળાં રેલાયાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter