ફરજ સાથે વણાયેલા હોય છે વિશ્વાસ અને જવાબદારી

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 04th August 2021 05:48 EDT
 
 

‘અરે એ ફિલ્મ તો અદભૂત છે જ, પણ એક ડાયલોગ તો બેસ્ટ મોટીવેશનલ મેસેજ લઈને આવે છે. મારા તો રૂંવાડા બેઠાં થઈ ગયા...’
મારા રેકોર્ડિંગ સેશન દરમિયાન વિરામના સમયમાં વાતો થતી હતી. મારા પારિવારિક દોસ્ત અને રેકોર્ડિસ્ટ સ્વર મહેતાને મેં આમ જ કહ્યું કે ‘કાલે ફિલ્મ ‘મીમી’ જોઈ....’ હજી હું આટલું બોલ્યો ત્યાં તો સ્વરે આ સંવાદ કર્યો.
ફિલ્મના એ સંવાદમાં અભિનેત્રી ક્રીતિ સેનન અભિનેતા પંકજ ત્રિપાઠીને કહે છે, (અહીં શબ્દશઃ ડાયલોગ નથી લખ્યો) ‘બીજું બધું તો ઠીક, એ ફિરંગી કપલ પણ મને છોડી ગયું, તું કેમ આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં મારી સાથે જ રહ્યો?’ ત્યારે પંકજ ત્રિપાઠી ભાનુ ડ્રાઈવરના રોલમાં કહે છે, ‘ડ્રાઈવર છું ને મેમ, અમારો ધર્મ હોય છે, રસ્તામાં રસ્તા ખરાબ આવે, ક્યાંક એક્સિડન્ટ હોય પણ અમારા વાહનમાં બેસેલ મુસાફરને અમે એની નિયત મંઝીલ સુધી ના પહોંચાડીએ ત્યાં સુધી એનો સાથ ના છોડીએ.’
આહાહા... વિશ્વભરના તમામ ધર્મ કે અધ્યાત્મના ગ્રંથોમાં અને મોટીવેશનલ બુક્સમાં જે વિશ્વાસની વાત કહેવામાં આવી છે ને સદીઓથી લોકો સાંભળતા આવ્યા છે એ વિશ્વાસની, જવાબદારીની, નીજધર્મની વાત એક ફિલ્મના માધ્યમથી આપણા સુધી પહોંચી છે.
ડ્રાઈવરનો વ્યવસાય હોય કે દરવાનનો, કોર્પોરેટ વિશ્વનો હોય કે કલાકારનો... આખરે મારે ને તમારે આપણા પર, આપણા કામ પર, આપણા વ્યવસાય પર સામેના માણસે મુકેલો વિશ્વાસ યથાર્થ સાબિત કરવો એ જ આપણો ધર્મ છે. એ જ આપણી જવાબદારી છે.
આપણા જીવનના સાવ નાના-નાના પ્રસંગોમાં આપણે આવી જવાબદારી અને વિશ્વાસ બંનેનો અનુભવ કરતા હોઈએ છીએ. ઓફિસમાં કામ કરતા હો કે મંચ પર, ઘરના-પરિવારના સભ્યો સાથે હો કે દોસ્તો સાથે ડગલ ને પગલે આપણા કામમાં, આપણા રોલમાં આપણે આ બે ગુણોને ઊજાગર કરવાના છે. અધિકારી જ્યારે એમ કહે કે ‘મેં આને કામ સોંપ્યું પછી હું સુઈ જાઉં તો યે કામની ચિંતા નહીં’ કે ‘તમે સ્ટેજ પર આવો પછી અમે તો ઘરે જઈએ તોય ચાલે’ ત્યારે આ શબ્દોમાં રહેલા વિશ્વાસને વધુ સંવર્ધિત કરવો એ આપણી જવાબદારી બની રહે છે.
મોડી રાત્રે કોઈ શોમાંથી કે ગરબામાંથી સાથે આવેલી છોકરીને એના ઘરે મુકવા જઈએ ત્યારે એના ફ્લેટ કે ઘર પાસે કાર કે સ્કૂટરમાંથી ઉતારી દઈએ ત્યાં ફરજ પૂરી નથી થતી, એના પરિવારનો વિશ્વાસ ત્યારે સંપાદિત થાય છે ને દાયકાઓ ટકે છે જ્યારે એના ઘરની વ્યક્તિ બારણું ખોલે ને તમે કહો ‘તમારી દીકરી તમારા ઘરે પહોંચી ગઈ છે.’
બહુ નાની નાની વાતોમાં આવી રીતે મારા-તમારા જીવનમાં વિશ્વાસ અને જવાબદારી વણાયેલા હોય છે. કલાકાર તરીકે દેશ-વિદેશ ફરવાનું થાય ને સાવ અજાણ્યા લોકો ગાડી અરે ગાડી જ કેમ બસ-ટ્રેન કે પ્લેન પણ ઊડાવતા હોય ત્યારે એમના પર મૂકેલો વિશ્વાસ જ આપણને હાશનો અનુભવ કરાવે છે. આકાશમાં હજારો ફીટ ઉપર ટર્બ્યુલન્સ આવે ત્યારે પણ આપણને ચિંતા નથી થતી કારણ કે પાયલોટની કુશળતા અને જવાબદારી પર આપણો વિશ્વાસ હોય છે.
રોજિંદા જીવનમાં આવા વિશ્વાસ અને જવાબદારીને ઉજાગર કરતા પ્રસંગો આપણી સાથે બને, આપણે અવલોકન કરીએ કે પછી ફિલ્મના માધ્યમથી પણ આપણી સામે આવે ત્યારે અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter