બે મિત્રોને જોડતો એક સેતુ એટલે વિશ્વાસ

તુષાર જોશી Saturday 12th March 2016 06:12 EST
 

‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો ભરોસો કર્યા પછી ક્યારેય શંકા ન કરવી.’
વેલેન્ટાઈન ડે ફરી આવી પહોંચ્યો એટલે તોરલને થોડાક વર્ષો પહેલાની આ ઘટનાનું સ્મરણ થયું.
અમદાવાદ જેવા મહાનગરમાં માતા-પિતા અને ભાઈ સાથે તોરલ રહેતી હતી. સુંદર પરંતુ શાલીન, સ્વતંત્ર પરંતુ શિસ્તપૂર્ણ, મજા કરનારી પણ મર્યાદાને જાળવનારી આ છોકરીનું મિત્રવર્તુળ બહુ મોટું હતું. કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે એક પાર્ટીમાં એનો પરિચય થયો એની બહેનપણીના કઝીન અનુજ સાથે. અમદાવાદમાં વ્યવસાય અર્થે એ સેટલ થયો હતો. કવિતા અને સંગીત, મીડિયા અને મેનેજમેન્ટ જેવા સમાન રસ-રૂચિના વિષયો હોવાથી બંનેની દોસ્તી જામી. અનુજના હૈયામાં તોરલને પહેલીવાર જોઈ ત્યારે એક વિશેષ ભાવ જાગ્યો, ના પ્રેમલા-પ્રેમલીનું તોફાન નહીં, એક નિખાલસ મૈત્રીનો, આદરપૂર્ણ પ્રેમનો. અર્થપૂર્ણ મિત્રતાનો.
તોરલ અને તેના પરિવારના સભ્યોના હૃદયમાં અનુજે એક વિશ્વાસુ મિત્ર તરીકેનું સ્થાન મેળવી લીધું હતું.
સમય પસાર થતો ગયો. તોરલે રાજીખુશીથી એને ગમતા યુવાન જોડે લગ્ન કર્યાં અને દિલ્હી સેટલ થઈ. અનુજ પણ લગ્ન કરીને પત્ની અને દીકરીના પરિવાર સાથે ગોઠવાયો. બંને વચ્ચેના સંપર્કો ઘટ્યા હતા પણ અનુજને મન સ્મરણો એટલા જ તાજા હતા મૈત્રીના. એવામાં સમાચાર મળ્યા કે તોરલ એક સિંગલ મધર તરીકે હવે અમદાવાદમાં રહેતી થઈ છે. જૂના સમયના સૌ મિત્રો મળ્યા. એક પારિવારિક અને મૈત્રીની હૂંફ ઊભી કરી.
વેલેન્ટાઈન ડે હતો. જૂના મિત્રો પરિવાર સાથે એકઠા થયા. પાર્ટી કરી. અને એમાં અનુજ તોરલ માટે ડ્રીન્ક્સ બનાવી લાવ્યો ને તેના કાનમાં મસ્તી કરવા કહ્યું, ‘આ કોલ્ડ્રીન્ક્સમાં મેં કોઈ કેફી પીણું નથી નાંખ્યું ને એની ખાત્રી કરીને પીજો.’ વાત સાચી હતી. આવી અનેક ઘટનાઓ તોરલે પણ વાંચી હતી. પરંતુ અનુજ સાથેના સંબંધોના પાયામાં રહેલી મૈત્રી પર એને પૂર્ણ શ્રદ્ધા હતી. તોરલે જવાબમાં કહ્યું, ‘પહેલી વાત એ કે મારો દોસ્ત અનુજ મારી સાથે ક્યારેય આવું કરે તો મને સ્વસ્થ અને સલામત રીતે મારા ઘરે કે તારા ઘરે લઈ જનાર પણ તું જ હોઈશ એનો મને વિશ્વાસ છે.’ આ સાંભળીને અનુજની આંખોમાં મૈત્રીને જીવી ગયાનો આનંદ અભિવ્યક્ત થઈ ગયો હર્ષના આંસુરૂપે. તોરલે મૂકેલો વિશ્વાસ એ જીવી રહ્યાનો આનંદ એને હતો.
વેલેન્ટાઈન ડે આવ્યો ને બંનેને ફરી આ ઘટનાનું સ્મરણ થયું.

•••

વેલેન્ટાઈન ડે આવે એટલે યુવાન દીકરા-દીકરી પ્રેમની અભિવ્યક્તિ કરવા જાતજાતના માધ્યમો અપનાવે. પ્રેમ વ્યક્ત થવો જ જોઈએ પરંતુ પ્રેમના નામે જ્યાં ખીલવાડ હોય, પ્રેમના નામે માત્ર મજા કરવાની વાત હોય તો એનાથી બચવું પણ જોઈએ.
પ્રેમ અને મૈત્રી આપણને જીવાડે છે, દિલ ફાડીને પ્રેમ કરવાનું મન થાય એવા પ્રિયજન કે મિત્રો મળ્યા હોય તો બે હાથે વળગી રહેજો. એક સાચો મિત્ર મળે તો વિશ્વભરના અબીલ-ગુલાલ-કંકુને ચોખા એના પર ન્યોછાવર કરીએ તો ય ઓછા છે. આવા પ્રિયજન જેને મળ્યા છે એમના માટે રોજેરોજ પ્રેમ દિવસ છે.
લાઈટ હાઉસ....
તાવીજ કી તરાહ હોતે હૈ, કુછ ખાસ દોસ્ત,
ગલે સે લગાઓ તો સુકૂન મિલતા હૈ.

(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter