‘ડેડી, આજના કાર્યક્રમમાં ખુબ મસ્ત બનીને નાચશે, જોજે.’ મારી દીકરી સ્તુતિએ એની દોસ્ત રાજવીને કહ્યું, વાત પણ સાચી. કબીર સાહેબ મારા પરમ પ્રિય સંત કવિ છે. એમના પદો એ જીવનની સમજણ પણ આપી છે, અને જીવનમાં પ્રસન્નતા પણ આપી છે. કબીર સાહેબ, સંત કબીર... ભારતના સંત કવિ જેમના સાખી - દોહા - પદ – ભજનોએ ભક્તિ આંદોલન જગાડવામાં, સમાજમાં ફેલાયેલા કુરિવાજો - અંધવિશ્વાસ સામે સામાજિક જાગૃતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. એમની કલમમાં રોજિંદા જીવનના સર્વકાલીન સત્યો ઉજાગર થાય છે. કબીર સાહેબની અમૃતવાણી એના વાચક – શ્રોતાને હંમેશા માર્ગદર્શન પૂરું પાડતી આવી છે.
કબીર સાહેબે માનવ સ્વભાવના - માનવ જીવનના કેટકેટલા અંગો વિશે લખ્યું છે. સદગુરુ વિશેના પદ – ભજન તો અઢળક મળે, એ સિવાય સત્સંગ, સંગતિ, ભક્તિ - ભરોસો - સ્મરણ – શબ્દ – જીવનમરણ – કામ – ક્રોધ – મદ – લોભ – મોહ – માયા - સત્ય – પ્રેમ અને કરુણા અનેક વિષયો છે જેમના વિશે કબીર સાહેબનું સાહિત્ય આપણને મળે છે. એ સાહિત્ય આપણને જાગૃત કરે છે, સાધના તરફ વાળે છે, આધ્યાત્મિક અજવાળાના દર્શન કરાવે છે, દુર્ગુણોથી બચાવે છે અને સાચી દિશામાં જીવનની ગાડીને હાંકવા પ્રેરિત કરે છે.
ભારતનું લોકપ્રિય ફોક એન્ડ રોક બેન્ડ કબીર કેફે 2013થી માત્ર અને માત્ર કબીર સાહેબની રચનાઓને રજૂ કરે છે. ઈન્ડી ફોક અને ફોક ફ્યુઝન બેન્ડ તરીકે આગવી ઓળખ ઊભી કરનાર આ બેન્ડે અત્યાર સુધીમાં અનેક દેશોમાં હજારો કાર્યક્રમો રજૂ કરીને પોતાનું એક આગવું ફેન ફોલોઈંગ બનાવ્યું છે. દર્શકો - શ્રોતાઓ એમની પ્રસ્તુતિને સાંભળે છે - પ્રતિભાવ આપે છે, ફરમાઈશ રજૂ કરે છે અને સાથે ઝૂમી ઊઠે છે.
આ બોન્ડ શરૂ કરવાનો વિચાર નીરજ આર્યને આવ્યો, જેમણે અમેરિકામાં ફિલ્મ મેકિંગ અને એડિટિંગનો કોર્ષ કર્યા પછી માત્ર સંગીતને - કબીરને એમનું જીવન સમર્પિત કરી દીધું છે. એમની સાથે અનેક કલાકારો જોડાતા ગયા અને આજે 13 વર્ષમાં એમની કબીર સાહેબના ગીતોની સફર દુનિયાના અનેક દેશોમાં પહોંચી ચૂકી છે. એના અનેક શ્રોતાઓ છે જેઓ પરિવારમાં શુભ પ્રસંગોએ એમના કાર્યક્રમોનું આયોજન કરે છે.
તાજેતરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ફરી એકવાર મને એમની સાથે સ્ટેજ શેર કરવાનો અવસર મળ્યો - આનંદ થયો.
દર્શકોની સાથે હું યે મન મુકીને ‘વારી જાઉં રે બલિહારી જાઉં રે...’ - પદ પર નાચ્યો. આ સિવાય ‘હોંશિયાર રહેના...’, ‘મન લાગો મેરો યાર...’, ‘ક્યા લે કે આયા જગ મેં...’, ‘દો દિન કી જિંદગી...’, ‘મતકર માયા કો...’, ‘હલક ગાડી હાંકો રે...’, ‘ચોર આવેગા...’ જેવા ગીતો સાથે શ્રોતાઓ એકરસ થયા અને મનોમન કબીર સાહેબના શબ્દોને જાણે આત્મસાત્ કર્યાં.
ભક્તિ - ભજન અને ભરોસાના માર્ગે ચાલનારા લોકોએ જીવનમાં જીવી જવા જેવી એમના રચનાઓમાં ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...’, ‘પલ મેં પરલય હોએગી, બહુરિ કરેગા કબ...’ તથા ‘રાત ગઁવાઈ સોઈ કે, દિવસ ગવાયો ખાય, હીરા જનમ અનમોલ થા, કોડી બદલે જાય...’ જેવી શબ્દ અજવાળાં પાથરતી રચનાઓ છે જેના અજવાળાં ઝીલીએ તો બેડો પાર થઈ જાય એમ છે.


