વિશ્વભરમાં પ્રસિદ્ધ અને મારા પ્રિય કવિ-વક્તા-પર્ફોમર ડો. કુમાર વિશ્વાસનો એક વીડિયો મેં હમણાં જોયો. ઈન્ટરવ્યુઅર એમને પૂછે છે કે ‘તમારા ઘરમાં તમને મનપસંદ જગ્યા કઈ છે?’ જવાબમાં તેઓ એમની લાઈબ્રેરી બતાવે છે અને પછી કહે છે કે, ‘આ લાઈબ્રેરીમાં અનેક પુસ્તકો છે, એમાંથી બે મને વિશેષ પ્રિય છેઃ ભગવદ્ ગીતા અને રામાયણ. મારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન આવે કે દુવિધા હોય, અથવા આમ પણ સહજ ભાવે આ બંને હું વાંચું છું.’ એમના હૃદયનો આવો ભાવ એમણે વ્યક્ત કર્યો હતો. મને અહીં લખતા આનંદ થાય, સ્મરણ થાય કે એમના કાવ્ય સંમેલનોમાં સુત્રધારની ભૂમિકા નિમિત્તે એમને રજૂ કરવાનો અવસર મને મળ્યો છે.
ભગવદ્ ગીતા અને રામાયણ એવા ધર્મગ્રંથો છે, જે માત્ર શબ્દો કે શ્લોકથી સભર નથી. એમાં મનુષ્ય માત્ર માટે જીવન જીવવાનો મર્મ સમાયેલો છે. કર્મનો સિદ્ધાંત, કર્તવ્યબોધ, જવાબદારી અને અધિકાર, ભક્તિ અને જ્ઞાન, નમ્રતા, દાસ્યભાવ, સમર્પણ વગેરે વગેરે. જ્યાંથી આપણને શીખવા મળે એવા આ ગ્રંથો છે. ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને અપાયેલો ઉપદેશ છે કે જે પ્રત્યેક યુગની માનવીય સમસ્યાઓનું સમાધાન કરે છે.
ધર્મનું આચરણ, મન પર નિયંત્રણ, વાણી-વર્તન-વ્યવહારમાં વિવેક, કાલ્પનિક ભય અને શંકાનો વિનાશ, સુખ નહીં પરંતુ આનંદની પ્રાપ્તિ, ભીતરની ઓળખ કરાવે છે ભગવદ્ ગીતા. મનુષ્ય માત્રના જીવનનું લક્ષ્ય શું? એના સુધી પહોંચવું કેવી રીતે? આ અને આવા પ્રશ્નોના ઉત્તરો આપણને ભગવદ્ ગીતામાંથી મળે છે અને એ સંદેશ સ્વીકારો - આચરણમાં મૂકો તો જીવન સાર્થક પણ થાય છે.
રામાયણ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિની આપણને મળેલી એક અદ્ભૂત ભેટ છે. મહર્ષિ વાલ્મિકીએ સંસ્કૃત ભાષામાં રામાયણ લખી પછી 16મી સદીમાં ગોસ્વામી તુલસીદાસજીએ અવધી ભાષામાં શ્રીરામચરિત માનસની રચના કરી, જેનું વાંચન-શ્રવણ જ્યારે કરવાનું થયું ત્યારે ત્યારે તન-મન પ્રેમ અને પ્રસન્નતાથી સભર થયા છે.
હિંદી સાહિત્યમાં જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યમાં શ્રીરામચરિત માનસનું સ્થાન છે. મનુષ્ય માત્રનું આદર્શ ગૃહસ્થજીવન કેવું હોવું જોઈએ, કુટુંબ-પરિવાર-સમાજમાં પ્રત્યેક વ્યક્તિની કેવી ઉમદા ભૂમિકા અને ફરજ હોવા જોઈએ તેની શ્રેષ્ઠ વાત આ ગ્રંથમાં પાનેપાને જોવા-વાંચવા મળે છે. રામાયણ આપણને આદર્શ રાજધર્મ-આદર્શ કૌટુંબિક જીવનના પાઠ ભણાવે છે.
બુરાઈ પર અચ્છાઈની જીત થાય છે અને કેમ થાય છે? એની સમજણ રામાયણ આપે છે. વર્તમાન જીવનમાં આપણા જીવનમાં ઉદભવતા પ્રસંગોએ ક્યાં - કેમ ક્યારે કેવી રીતે વર્તવું - બોલવું એની આદર્શ સમજણ રામાયણમાં છે. મર્યાદા - વિવેક – ધર્મ – પ્રેમ – નિષ્ઠા - ભક્તિ - શાંતિ - સંયમ – ગુરુવંદના - માતાપિતા પ્રત્યે સમર્પણ અને નાનામાં નાના માણસ પ્રત્યે માનવતાપૂર્ણ વ્યવહાર એ રામાયણમાંથી આપણને મળતી શીખ છે.
ભાગવત – રામાયણ અને એના જેવા આપણા સનાતન ધર્મના ગ્રંથો - એના ભાષ્યો - ટીકાઓ – અધ્યયનો વાંચીએ – સાંભળીએ તો સહજપણે માત્ર જ્ઞાનના જ નહીં જીવનદર્શનના અજવાળાં પથરાય છે.

