ભગવાન શ્રી રામ એ ભારતની વિચારધારા છે

- તુષાર જોષી Wednesday 24th January 2024 09:20 EST
 
 

મંગલ ભવન અમંગલ હારી,

દ્રવઉ સો દશરથ અજીર બિહારી,
પ્રબીસી નગર કીજે સબ કાજા,
હૃદય રાખી કૌશલપુર રાજા.
ગોસ્વામી તુલસીદાસ રચિત આ ચોપાઈ બાળપણથી સાંભળતા આવ્યા, અનહદ આનંદની અનુભૂતિ મેળવી, પરંતુ તારીખ 22 જાન્યુઆરીને મંગળવારે આ ચોપાઈનું શ્રવણ–ગાયન કાંઈક અલૌકિક અનુભવ આપી ગયું. અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક અવસર ઊજવાયો. ઘરે-ઘરે, મંદિરે-મંદિરે, ગામ–ગામમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. એવું લાગ્યું જાણે જન–જનનું હૃદય અયોધ્યામય થઈ ગયું અને એ હૃદયમાં જાણે પ્રભુ શ્રીરામ પધાર્યા.
રામ આયેંગે તો અંગના સજાઉંગી અને બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈ... એ ભાવ એક એક રામભક્તે અનુભવ્યો. ધાર્મિક – સાંસ્કૃતિક – પારિવારિક અને સામાજિક ક્ષેત્રે ભગવાન શ્રીરામનું જીવન એક આદર્શરૂપે જીવન રહ્યું છે. એ આદર્શો એને અનુરૂપ પ્રસંગો-કથાઓ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ અને એટલે જ ભગવાન શ્રીરામ આપણા વ્યક્તિગત જીવનનો એક અંશ બનીને, આપણી અંદર ધબકતા રહ્યા છે. ગામડાં ગામમાં તો આજે પણ લોકો પરસ્પર એકબીજાને મળે છે ત્યારે ‘રામરામ... રામરામ’ એમ સહજપણે કહે છે. એ સહજપણે થતાં રામનામના ઉદ્ઘોષમાં પ્રેમ અને પ્રસન્નતા પ્રગટે છે એનો આપણને અનુભવ છે. માત્ર બે અક્ષરનો શબ્દ રામ જ્યારે બોલાય કે સંભળાય છે ત્યારે આપણી અંદર–બહાર એક દિવ્ય વાતાવરણ સર્જાય છે અને કણકણમાં વસેલા રામની આપણને અનુભૂતિ થાય છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મૂળ યજમાન તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પૂજા-આરતીમાં જોડાયા હતા. તેઓએ રામજન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસના ચરણસ્પર્શ પણ કર્યા હતા. તેઓએ ભાવાત્મક સ્વરે કહ્યું કે આજે આપણને સદીઓનો વારસો મળ્યો છે. લોકોએ દરેક યુગમાં રામને જીત્યા છે. દરેક યુગમાં પોતાની રીતે રામને વ્યક્ત કર્યા છે. રામ આગ નહીં ઊર્જા છે, વિવાદ નહીં, સમાધાન છે. આ મંદિર માત્ર ભગવાનનું મંદિર નથી, પરંતુ ભારતના દર્શનનું મંદિર છે, રામ એ ભારતની વિચારધારા છે. તેઓએ યુવાનોને અનુરોધ કર્યો કે આપણે નિત્ય પરાક્રમ, પુરુષાર્થનો પ્રસાદ પ્રભુ રામને ચડાવવાનો રહેશે. આવનારો સમય સિદ્ધિનો છે. આ રામમંદિર ભારતના ઉદયનું સાક્ષી બનશે.’
રામોત્સવના પાવન અવસરે સમગ્ર રાષ્ટ્ર જાણએ રામમય બન્યું હતું. દેશ–વિદેશમાં અનેક પ્રકારના આયોજનો થયા અને રામમહિમાનું ગાન થયું. નૂતન રામમંદિરનું નિર્માણ જાણે નવા ભારતના નિર્માણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ બન્યું.
ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે,
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ,
ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.
અર્થાત્ બધા લોકો પરસ્પર પ્રેમ કરે છે, સ્વધર્મનું પાલન કરે છે. આપણે આ અને આવી ચોપાઈ–દોહા-મંત્ર–ભજનના શબ્દોમાં સમાહિત શ્રીરામને પામવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ.
રામમંદિરના નિર્માણને લઈને દેશ–વિદેશના ભક્તોમાં અતુલનીય ઉત્સાહ અને શ્રદ્ધાનો ભાવ જોવા મળી રહ્યો છે. આધ્યાત્મિક–ઐતિહાસિક અને ધાર્મિક કે સાંસ્કૃતિક દૃષ્ટિએ અતિ દિવ્ય નગરી અયોધ્યાએ નવું રૂપ ધર્યું છે. એક અંદાજ મુજબ આવનારા દિવસોમાં રોજેરોજ એકાદ લાખ યાત્રાળુ અયોધ્યાના દર્શને આવશે. ધર્મ અને કર્મનો જેમના જીવનમાં સમન્વય જોવા મળ્યો છે એવા રામ ભગવાનનું સ્મરણ, એમના સિદ્ધાંતોનું આચરણ આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસના દીવડા પ્રગટાવશે અને આપણી આસપાસ રામતત્વના અજવાળાં રેલાશે જેના થકી જ આપણા જીવનમાં સીયારામમય સબ જગ જાનીનો ભાવ આત્મસાત્ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter