ભગવાન શ્રીકૃષ્ણ એટલે પરમ ભક્તવત્સલ

- તુષાર જોષી Wednesday 02nd September 2026 05:43 EDT
 
 

મારા કૃષ્ણ... શ્યામ સમીપે... કૃષ્ણ તવાસ્મિ... કલ્પતરુ શ્રીકૃષ્ણ... મુરલી મનોહર... પ્રેમથી પરમાત્મા અને આવા અનેક શીર્ષક હેઠળ કૃષ્ણપ્રેમના, કૃષ્ણભક્તિના સંગીત-ગીત-નૃત્યના કાર્યક્રમો થઈ શકે, થઈ રહ્યા છે.

હા, જન્માષ્ટમીનું પર્વ સાવ નજદીક છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને સ્વધામગમન સુધીની લીલા અનોખી છે, એમાં ભગવાન શ્રીકૃષ્ણના કેટકેટલા રૂપ-સ્વરૂપ આપણને જોવા-અનુભવવા મળે છે. શ્રીકૃષ્ણ એટલે પ્રેમ, મૈત્રી, ભક્તિ, પતિ, પ્રેમી, યોદ્ધા, માર્ગદર્શક, રાજાધિરાજ, પૂર્ણ પુરુષોત્તમ કેટકેટલા સ્વરૂપે એ આપણી સાથે જ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણને આપણે કેટકેટલા નામે બોલાવીએ છીએ, એના શરણમાં તન-મન-ધન સમર્પિત કરીએ છીએ, કૃષ્ણમય બનીએ છીએ.
ભગવાન શ્રીકૃષ્ણની સમગ્ર જીવનલીલા આપણને અનેક શાસ્ત્રો, ગ્રંથો, પ્રવચનોમાં, કથાઓમાં સાંભળવા મળે છે, વાંચવા મળે છે. કૃષ્ણનો જન્મ અવતારીરૂપે થયો અને એમણે અવતારી કાર્ય કર્યું. ગોવર્ધન-લીલા, રાસ-લીલા, રાધાકૃષ્ણની પ્રેમભાવની લીલા, મથુરાગમન, દ્વારકા આગમન અને રાજધર્મ, મહાભારતના પ્રસંગો, ગીતાજ્ઞાન અને વિશ્વરૂપ દર્શન. આ બધામાં ક્યાંક પ્રેમ, ક્યાંક કરુણા, ક્યાંક મિત્રતા, ક્યાંક ધર્મ, ક્યાંક કર્મ, ક્યાંક આનંદ અને સાહસ, ક્યાંક વિન્રમતા અને નેતૃત્વ, ભક્ત વત્સલભાવ, સમભાવ, રાજનીતિ, યુદ્ધનીતિ, નિર્દોષતા અને દિવ્યતા જોવા અનુભવવા મળે છે.
શ્રીમદ ભાગવતનું વાંચન-શ્રવણ કરવાનો મને અનેકવાર અવસર મળ્યો છે. ભગવદ ગીતાના શ્લોક દર વખતે કોઈને કોઈ નૂતન અર્થ સમજાવે છે. કૃષ્ણ સાહિત્ય, વાર્તા, નિબંધ, કવિતા વાંચ્યા ત્યારે અને તે પછી સતત કૃષ્ણતત્વ પમાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરુષ છે. દસમ સ્કંધ (ભાગવત)ના એકવીસમા અધ્યાયમાં વર્ણન છે કે ભગવાનની રૂપમાધુરી, વંશીધ્વનિ અને પ્રેમમયી લીલાઓ જોઈ સાંભળીને ગોપીઓ મુગ્ધ થઈ ગઈ. પૂર્ણતા પ્રાપ્ત કરવા સાધના કરવા લાગી. એમની સાધના ભગવાને પૂર્ણ કરી, શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે જ્યાં સુધી પોતાનું સર્વસ્વ પ્રેમની જ્વાળામાં ભસ્મ કરી દેવામાં આવતું નથી, ત્યાં સુધી પ્રેમ અને સમર્પણ બંને અપૂર્ણ રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ પરમ ભક્તવત્સલ છે. સમયને અનુરૂપ લીલા કરી છે, જ્યારે કૌરવો પાસે પાંડવો વતી સમાધાન માટે ગયા છે તો ત્યારે દુર્યોધન જેવા કપટીને પણ પુરુષ શ્રેષ્ઠ કહે છે.
આપણે ત્યાં સત્સંગમાં કથાકારો કહે છે કે જીવનમાં જ્યારે જ્યારે દ્વંદ્વ આવે ત્યારે શ્રીકૃષ્ણને આપણા મનના જીવનરૂપી રથના સારથી બનાવો. શ્રીકૃષ્ણના ચરણમાં એકવાર જે જાય છે તે પછી ક્યારેય કૃષ્ણથી વિમુખ થઈ શકતો નથી.
કૃષ્ણ નામમાં જ આકર્ષણ છે. એ માત્ર માખણ નથી ચોરતા, દિલ પણ ચોરે છે. કૃષ્ણ પૂર્ણાવતાર છે. એમની જીવનલીલામાં બધા જ રસ છે.
જાણીતી કથા છે, ઉદ્ધવ જ્ઞાનમાર્ગી છે, પ્રેમ દીક્ષા નથી લીધી, કૃષ્ણ એમને વૃંદાવન મોકલે છે. ઉદ્ધવ કૃષ્ણવિરહમાં બેચેન ગોપીઓને કહે છે ધ્યાન કરો, મન ભગવાનમાં લગાવો, ગોપી કહે જેને મન ના હોય તે શું કરે? ઉદ્ધવ કહે મન ના હોય એવું કેવી રીતે બને? ગોપી કહે અમારી પાસે મન હતું, પણ એ કૃષ્ણ લઈ ગયા છે.
કૃષ્ણ જન્માષ્ટમીના આ પર્વે આપણે કૃષ્ણચરિત્રને પામવાનો પ્રયત્ન કરીએ. એમના ચરિત્રમાંથી જે દિવ્યસંદેશ મળે છે એના અજવાળાં ઝીલવાનો પ્રયાસ કરીએ અને કૃષ્ણશરણમાં રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter