‘અમે ઓવલ ટેસ્ટ જીતીશું એવો ભરોસો હતો’ - શુભમન ગીલ... ‘મારી ટીમ પર ગર્વ અનુભવું છું.’ - બેનસ્ટોક્સ... ‘મેં ખુદને વચન આપ્યું હતું કે હું આજે બાજી પલ્ટી નાખીશ, મારા દેશ માટે જીતીશ.’ - મોહમ્મદ સિરાજ... આ શબ્દો ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણી પુરી થયા પછી ખેલાડીઓએ કહ્યા છે અને એમાં ક્રિકેટની રમતનો, દેશ માટેના ગર્વનો ધ્વનિ પ્રતિબિંબિત થાય છે.
મારી કિશોરાવસ્થાથી મને ક્રિકેટનું આકર્ષણ રહ્યું છે. સમય જતાં મીડિયા અને સ્ટેજના કાર્યક્રમોમાં વ્યસ્તતા વધી એમ એ તરફનું ખેંચાણ સીમિત બન્યું પણ લાંબા સમય બાદ આ ટેસ્ટ શ્રેણીની પાંચે મેચોની રોમાંચક ક્ષણો હું જોતો રહ્યો અથવા એના વિશે અપડેટ્સ લેતો રહ્યો. ગજબનું વાતાવરણ સર્જ્યું હતું ભારતના યુવા ક્રિકેટરોએ.
ભારત પહેલીવાર વિદેશમાં પાંચમી ટેસ્ટ જીત્યું. ટેસ્ટ શ્રેણીમાં ટોટલ 7187 રન થયા. 19 વાર 100થી વધુ રનની ભાગીદારી થઈ. પાંચ મેચ દરમિયાન ત્રણ વાર, પહેલાં ઈંગ્લેન્ડનો સ્પીનર બશીર પછી ભારતનો વિકેટકીપર ઋષભ પંત અને પછી ઈંગ્લેન્ડનો બોલર વોક્સ, આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાની ટીમ માટે રમવા મેદાન પર ઉતર્યાં.
એક કેચ છુટ્યો અને બાજી સામેની તરફ થઈ જતી અનુભવાતી હોય એવું ઘણીવાર થયું. સામસામેની ટીમના ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ અને અમ્પાયરો સાથે ચર્ચા એવી રીતે થયા કે દર્શકોને પણ નવાઈ લાગી અને છતાં મેચ પુરી થયે બધા હળવાશ અનુભવતા દેખાયા.
એક અદભૂત ટેમ્પરામેન્ટ, કશ્મકશ, ઉત્તેજનાની પળો દર્શકો માટે, આપનારી આ શ્રેણી બની રહી. તમામ મેચો અંતિમ દિવસ સુધી ચાલી, ક્યારેય કોઈ એક મેચ કોઈ એકતરફી ન બની રહી. પરિણામે લાંબા સમય બાદ દર્શકો ટીવી કે મોબાઈલ પર ટેસ્ટ મેચ કરોડોની સંખ્યામાં જોતા હતા.
હિન્દી સિનેમાનું જાણીતું ગીત યાદ આવતું હતું છેલ્લા મેચના છેલ્લા દિવસે... ‘જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ...’ ઈંગ્લેન્ડ અને ભારત બંને ટીમ બરાબરી પર રહી અને આખરે ટેસ્ટ ક્રિકેટનો વિજય થયાનું અનુભવાયું. એમાં પણ જ્યારે કેપ્ટન શુભમન ગીલની કપ્તાની હેઠળ મોટાભાગના ખેલાડીઓ ઓછા અનુભવી હતા, પ્રમાણમાં નવા અને યુવા હતા, ત્યારે ભારતની ટીમે જે સાતત્યપૂર્ણ દેખાવ કર્યો છે. છેવટ સુધી લડવાની માનસિકતા મેદાન પર બતાવી છે એ સાચ્ચે જ અભિનંદનને પાત્ર છે.
શુભમન ગીલે દાયકાઓ જૂના એક રેકોર્ડની નજીક પહોંચ્યો એ રેકોર્ડના સર્જક પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે મેદાન પર જઈને એને બિરદાવ્યો - ગિફ્ટ આપી. આ ક્ષણો પણ એટલી જ દર્શનીય બની રહી હતી.
બંને ટીમોના કેટલાક ખેલાડીઓ આ સીરિઝના હીરો બની રહ્યા. એવું ના થયું કે કોઈ બે-ચાર ક્રિકેટરો જ હીરો થયા, પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવ્યા અને દરેક શ્રેષ્ઠ રમત બતાવી.
વાસ્તવમાં સમગ્ર શ્રેણી રોમાંચક અને દિલધડક બની રહી. લગભગ દરેક દિવસ દર્શકો માટે ટિકિટના પૈસા વસૂલ કરનારો બની રહ્યો. એક ટીમના હાથમાં હમણાં જ જાણે જીતરૂપી બત્રીસ પકવાનની થાળી આવી જશે એમ લાગતું હતું. ત્યાં કોઈ ચમત્કાર થતો અને મેચની બાજી પલટાઇ જતી જોવા મળી હતી.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની આ સીરિઝ સાચ્ચે જ સહુ કોઈ માટે, રમત સમીક્ષકો માટે અને દર્શકો માટે સંભારણારૂપ બની રહી હતી. લાંબા સમયે જાણે ટેસ્ટ ક્રિકેટના મેદાનમાં રોમાંચકતાના, અનિશ્ચિતતાના, પર્ફોમન્સના શ્રેષ્ઠ માપદંડોના અજવાળાં ફેલાયાં.