ભાવિ પેઢી માટે કેમેરામાં ઇતિહાસ કંડારતા ગાયત્રી જોશી

તુષાર જોશી Monday 17th April 2017 06:56 EDT
 

‘મેં કવિ-રાજપુરુષ નહીં, સંપૂર્ણ મનુષ્ય બનના ચાહતા હું...’ આ શબ્દો કહ્યા છે પૂર્વ વડા પ્રધાન અને કવિ શ્રી અટલ બિહારી વાજપેયીએ એમની કવિતાઓ વિશે બનેલી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં... તાજેતરમાં અમદાવાદમાં પ્રવેગ દ્વારા જાણીતાં ફિલ્મનિર્માત્રી ગાયત્રી જોશીએ બનાવેલી ફિલ્મો પૈકી બે ફિલ્મો રજૂ થઈ ત્યારે દર્શકોએ આ શબ્દો પડદા પર સાંભળ્યા હતા. ફિલ્મ નિદર્શન બાદ ‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી તથા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ભરતભાઈ પંડ્યા જેવા વક્તાઓએ વાતવાતમાં અટજીને રાજપુરુષ ઉપરાંત દેવપુરુષ તરીકે ઓળખાવ્યા હતા. ફિલ્મમાં પ્રશ્નોત્તર દરમિયાન અટલજીએ વિવિધ પ્રસંગોનો ઉલ્લેખ કરીને તેની અસરરૂપે પ્રગટેલ કવિતાઓનું વાંચન કર્યું છે. સ્મરણો તાજા કર્યાં છે અને કાવ્યમાં તેઓ એક સંવેદનશીલ માણસ તરીકે કેવા ઓતપ્રોત થયા એની પ્રતિતી દર્શક-ભાવકને કરાવી છે.

ગાયત્રી જોશી આઉટસ્ટેન્ડિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર છે. ઉત્તમ વોઈસ ઓવર આર્ટીસ્ટ છે, લોકપ્રિય સમાચાર વાચક છે, ખૂબ સારાં અને અભ્યાસપૂર્ણ સ્ક્રિપ્ટ રાઈટર છે અને એની પાસે પોતાની કલાદૃષ્ટિ લેખન તથા પ્રસ્તુતિની વિશેષતા અને આગવો વિચારવૈભવ છે.

દુરદર્શન અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર વાચક અને દસ્તાવેજી ફિલ્મોમાં વોઈસ ઓવર આર્ટીસ્ટ તથા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોના સંચાલક તરીકે કામગીરીનો આરંભ કર્યા બાદ તેમણે ૧૯૯૧માં ગાયત્રી કોમ્યુનિકેશન નામે કંપની શરૂ કરી. પ્રથમ ફિલ્મ બનાવી રાષ્ટ્રીય મહાપુરુષ ડો. દીનદયાલ ઉપાધ્યાયના જીવન અને કાર્ય આધારિત... ગુજરાતના અને ભારતના પ્રદેશોમાં સતત ફરતા રહીને ગાયત્રીએ શિક્ષણ, મહિલાકલ્યાણ, લોકજીવન, ટ્રાઈબલ આર્ટ, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ જેવા અનેક વિષયો પર અભ્યાસપૂર્ણ ફિલ્મો બનાવી.

ડો. શ્યામાપ્રસાદ મુખરજી, પૂર્વ વડા પ્રધાન શ્રી ચંદ્રશેખરના જીવન પર ડોક્યુમેન્ટરી બનાવી. પદ્મશ્રી બી. વી. કામથ, ત્રિપુરારી શર્મા, પ્રેમ મટીયાની તથા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા જેવા દિગ્ગજ સાક્ષરો સાથે ગાયત્રીએ પોતાના પ્રોજેક્ટમાં કામ કરવાનો અનુભવ મેળવ્યો. અટલ બિહારી વાજપેયીની કવિતાઓ વાંચી તો થયું કે એમની કવિતા અને એક કવિ તરીકેની પ્રતિભા પર ફિલ્મ બનાવું. વિષ્ણુ પંડ્યાનું માર્ગદર્શન મળ્યું અને આ ફિલ્મ બની. એ સમયના ફિલ્મનિર્માણના અનુભવો યાદ કરતા ગાયત્રીએ કહ્યું કે અટલજી અત્યંત ભાવુક, સાલસ અને પ્રેમાળ વ્યક્તિતત્વના ધની છે. એમની સાથે દિલ્હીમાં એક દાયકા કરતાં વધુ સમય રહેવા મળ્યું એને એ પોતાનું સદભાગ્ય માને છે.

હાલ એ અમેરિકા સ્થાયી છે. અમેરિકામાં દિવ્ય યાત્રા પ્રોજેક્ટ ઉપરાંત ધ ટેમ્પલ્સ ઈન નોર્થ અમેરિકા અને હેલ્થ ચેનલના ક્ષેત્રે કામ કરે છે. ૨૦૦૪માં શરૂ કરેલી મીડિયા એન્ડ ટેલીવિઝન એકેડમી હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરી રહી છે. ટીવી એશિયા સાથે પણ એ સાતત્યપૂર્ણ રીતે જોડાયેલાં છે કન્સલ્ટન્ટ તરીકે. વ્યવસાયિક પાત્રતા, સર્જનાત્મક્તા, ભાવનાત્મક્તા અને નાવિન્યતાથી સભર ગાયત્રીએ અનેક વિષયોને પોતીકી કલાદૃષ્ટિથી દસ્તાવેજી ચિત્રોના માધ્યમ દ્વારા ન્યાય આપવા પ્રયાસ કર્યો છે.

ભારતીય પ્રજાજીવન પર જેમના વિચારોએ વ્યાપક અસર પાડી છે એવા મહાપુરુષોના જીવનચરિત્રો અને ગુજરાત-ભારતના લોકજીવનને આમ ડોક્યુમેન્ટરીના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જ્યારે પણ થાય, જેમના દ્વારા પણ થાય એ હંમેશા આવકારદાયક રહે છે.

•••

કોઈ એક વ્યક્તિ યુવા વયથી જ ચોક્કસ દિશામાં-નિર્ધારિત લક્ષ્ય સાથે ગતિ કરે છે, પ્રજાજીવનના પ્રવાહોને પારખે છે અને લોકહૃદય પર જેમના જીવનની અસર છે તેવા વ્યક્તિત્વોને કચકડામાં મઢે છે ત્યારે એ વધુ જવાબદારી માગી લેતું કામ થઈ જાય છે. દસ્તાવેજી ચિત્રો એક અર્થમાં આવનારી પેઢીઓ માટે ઈતિહાસ છે. એમાં અધિકૃત વાત કહેવામાં આવી હોય છે અને એથી જ એ પછીથી દાયકાઓ સુધી સચવાય છે. આવી ફિલ્મો જ્યારે જ્યારે જોવા મળે અથવા કોઈ એના પર કામ કરે ત્યારે સર્જનાત્મક્તાના અને ઐતિહાસિકતાના અજવાળાં પથરાય છે.

લાઈટ હાઉસ

Doing a Documentary is about discovering, being open hearing and following curiosity. – Spike Jonze


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter