માતા-પિતા-સંતાનઃ વાણી-વર્તન-વ્યવહારમાં જવાબદારી જરૂરી

- તુષાર જોષી Wednesday 17th September 2025 09:16 EDT
 
 

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો જાગે છે, સારું શું અને ખરાબ શું? સાચું શું અને ખોટું શું? એવા પ્રશ્નો થાય છે. પછી મન વિચારે ચડે છે, ક્યારેક એમાંથી દર્દ કે વેદના પણ જન્મે છે. આરંભે લખ્યું છે એમ શ્રાદ્ધ પક્ષના દિવસો છે એટલે અહીં પણ માતા-પિતા અને સંતાનોની વિચારધારા છે, પરસ્પર પ્રત્યનો પ્રેમ છે, જવાબદારી છે, ઉપેક્ષાના પરિણામો છે, સ્વભાવના કારણે સર્જાતી વિસંવાદી ઘટનાઓ છે. લાગણીશીલ મન એ બધું જોઈને દ્રવિત થાય છે.

એક પરિવાર છે, મહાનગરમાં રહે છે, પતિ-પત્ની બંને સારી કંપનીમાં સારા હોદ્દા અને પગાર સાથે જોબ કરે છે. એમને ચાર વર્ષની એક દીકરી છે, ખૂબ હસમુખી અને વાચાળ એ દીકરીને સવારે પ્રિ-સ્કૂલમાં અને પછી ડે-કેરમાં મુકીને માતા-પિતા જોબ પર જાય. સાંજે પરત આવે. હવે બંને વચ્ચે સામાજિક-આર્થિક-વૈચારિક જે કંઈ પણ મતભેદ હશે એના કારણે સખત અને તીવ્ર ચર્ચા-દલીલો-આક્ષેપો થયા કરે, આ બધું જ એ નાની દીકરી જોતી જ હશે ને! ક્યારેક તો પેલા બે પૈકી કોઈ એકનો ગુસ્સો એના પર પણ ઉતરી આવે. આપણને થાય કે બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં એ નાનકડી, પરી જેવી દીકરીનો શું વાંક? આખો દિવસ ડે-કેરમાં રહેવાનું અને ઘરમાં આવીને આ બધું અનુભવવાનું? મા-બાપ માત્ર પોતાનું જ કેમ જુએ છે? સંતાનને જન્મ આપ્યો છે તો એને સારું-સ્વસ્થ-જીવંત પ્રેમાળ વાતાવરણ આપવાની એમની જવાબદારીનું શું? માત્ર ભૌતિક સુખ કે ચીજવસ્તુઓ કે ભોજન આપવાથી શું એ બાળક રાજી રહેશે? એને તો જોઈએ છે પ્રેમ-સહજ વાત્સલ્યમય સ્પર્શ, મા-બાપની હૂંફ... માનો કે આવા વિવાદ કે વિખવાદ લાંબો સમય એ જુએ તો એ મોટી થાય ત્યારે લગ્નજીવન વિશે શું વિચારે?
આ પ્રશ્નનો જવાબ આપતી એક બીજી ઘટના પણ સાંભળી છે, એ પણ એક મહાનગરની જ છે. આર્થિક રીતે સમૃદ્ધ પરિવાર છે, એક દીકરી છે, વ્યવસાયમાં ખૂબ સારું કૌશલ્ય ધરાવે છે, સ્વતંત્ર વિચારસરણી છે. દેશ-પરદેશ ફરતી રહે છે, પણ એને લગ્નની વય થઈ ગઈ હોવા છતાં લગ્ન નથી કરવા. કારણ? તો કહે છે કે મેં બાળપણથી આજ સુધી માતા-પિતા વચ્ચેના ઝઘડા જોયા છે, એમના સ્વભાવને કારણે, એમની બેજવાબદારીના કારણે મને પૈસા ઉપરાંત જે પ્રેમ મળવો જોઈએ એ પ્રેમ નથી મળતો. શું બધું અમારે જ સહન કરવાનું? સમજણ અમારે જ કેળવવાની? એ માતા-પિતા છે એટલે મારી સાથે ગમે તે વર્તન કરે? સત્તાવાહી વર્તણૂંક જ કરે? આવું શા માટે? મારે સ્વતંત્રતા જોઈએ છે, સ્પેસ જોઈએ છે. યુવાનવયે હું આ બધું અનુભવીને થાકી ગઈ છું એવું એ દીકરી કહે છે.
અહીં પણ જેટલી વ્યક્તિ એટલા સત્યો અને કારણો હોઈ શકે. જે પતિ-પત્ની કે માતા-પિતા અને સંતાનોના વાણી-વર્તન-વ્યવહારમાં જવાબદાર હોઈ શકે છે પરંતુ મહત્ત્વનું એ છે કે એના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે એ સહન કરનારા વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ગહરાઈપૂર્ણ અસર પડે છે. આવી અસર લાંબા સમયે એમના જીવનમાં મહત્વપૂર્ણ પળોએ સાચા કે ખોટા વળાંક સર્જી શકે છે અને એ બધું તમે સાંભળતા હો - જોતાં હો તો એમની સાથે કોઈ પરિચય કે નિકટતા ન હોય તો પણ હૃદય દ્રવિત થાય છે, કારણ વિના આંસુની ભીનાશ આંખને સ્પર્શી જાય છે. આવા સમય પરમાત્મા, તમે સહુનું કલ્યાણ કરજો, સમજણ દેજો એવી પ્રાર્થનાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter