માત્ર કમાઇ જાણે તે નહીં, સમાજ કાજે જીવી જાણે તે જ સાચો ધનવાન

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 30th August 2021 07:16 EDT
 

યે તેરા ઘર યે મેરા ઘર... હિન્દી સિનેમાના આ અને આવા અનેક ગીતોમાં એક વ્યક્તિના પોતાના ઘરની વાત, ઘરના ઘરની વાત અભિવ્યક્ત કરાઇ છે. માનવજીવનની રોજિંદી જરૂરિયાતોમાં રોટી-કપડાં ઔર મકાન ગણાવાયા છે. મકાન પણ એક ઘટના છે અને ઘર વળી બીજી ઘટના છે. ઈંટ-ચૂનો-રેતીથી મકાન બને છે અને એમાં રહેનારા માણસોના પ્રેમપૂર્ણ વ્યવહાર થકી ઘર બને છે. ઘર અને એમાં પણ ઘરના ઘર વિશેની આ વાતોનું સહજ સ્મરણ થયું એના મૂળમાં તાજેતરમાં યોજાયેલો એક સમારોહ છે. આ સમારોહ અમદાવાદમાં યોજાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા અને નવનીતભાઈ પટેલના પરિવાર દ્વારા યોજાયેલા સમારોહમાં દિવંગત નવનીતભાઈ પટેલ માર્ગનું નામકરણ કરાયું. આ અવસરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ તથા રાજકીય-સામાજિક-વ્યાપારી-આર્થિક અને વિધવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો તથા નવનીતભાઈના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

નવનીતભાઈનું મહત્ત્વનું સામાજિક પ્રદાન એ હતું કે તેઓ પાર્શ્વનાથ કોર્પોરેશનના માધ્યમથી અમદાવાદમાં સવા લાખથી પણ વધુ સંખ્યાના લોકો માટે ‘ઘરનું ઘર’નું સ્વપ્ન સાકાર કરી આપ્યું છે. એમના પુત્ર રુષભભાઈ પટેલ કહે છે કે ‘મારા પિતાશ્રીને આજે લોકો કેમ યાદ કરે છે? એ પ્રશ્નના જવાબમાં એમની ૪૫ વર્ષની કારકિર્દી મારી નજર સામે આવી જાય છે. એમણે ઘર વેચવાની નહીં, લોકોમાં ઘર ખરીદવાની શક્તિ ઊભી કરી હતી.’
વાત પણ સાચી છે. ૧૯૮૦ના દાયકાના અંતિમ વર્ષોમાં અને ૧૯૯૦ના દાયકામાં ચારેબાજુથી અમદાવાદ શહેર વિક્સી રહ્યું હતું. નવનીતભાઈએ કોઠાસૂઝથી આઉટર પેરીફરીમાં મકાનોની ટાઉનશીપ બનાવી, જેથી મકાનો સસ્તા પડે. એમણે પ્લાન બનાવ્યા - મકાનો બનાવ્યા - લોન પણ આપી ને મકાન પણ આપ્યા. એમણે જે જે ટાઉનશીપો બનાવી એના નામના કારણે આજે એ વિસ્તારો ઓળખાય છે. એવા કેટલાયે પ્રોજેક્ટ્સ અને આયોજનો હતા, જે કદાચ ગુજરાતમાં જ નહીં, પરંતુ તે સમયે ભારતમાં કોઈ બિલ્ડર દ્વારા પ્રથમવાર અમલમાં મુકાયા હોય. આજે ગુજરાતની મહત્ત્વપૂર્ણ સંસ્થા ‘ગાહેડ’ની સ્થાપનામાં એમનો પ્રમુખ ફાળો અને છતાં પાયાનું કામ કરીને આ સંસ્થામાં ક્યારેય કોઈ પદ સ્વીકાર્યું નહીં. ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રમાં સતત દાન આપતાં રહ્યાં, સત્કર્મો કરતાં રહ્યા પણ ક્યાંયે તક્તિ ન મુકાવી. અબોલ જીવો માટેના કરુણાના કાર્યો હોય, સંઘ સાથે જોડાયેલા કામો હોય કે સાધુ-સાધ્વીની વૈયાવચના અને સંતોની સેવાના કાર્યો હોય, નવનીતભાઈ હંમેશા સેવામાં જોડાયેલા જ હોય. શહેરની - સમાજની સુખાકારી માટે એમણે જીવન સમર્પિત કર્યું. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોથી જીવ્યા. એમના પરિવારને પણ ઉદારતાના સંસ્કારો આપ્યા એટલે નવી પેઢી પણ સહજતાથી સામાજિક સેવાના કાર્યોમાં જોડાયેલી રહે છે.
આપણી આસપાસ એવા કેટલાય વ્યક્તિત્વો હોય છે જેમણે પોતાનું જીવન સમાજસેવા માટે સમર્પિત કર્યું હોય. પોતાની બુદ્ધિ અને પુરુષાર્થથી ધન તો કમાય પરંતુ એ ધનમાંથી યોગ્ય રકમ પરોપકાર માટે, અજાણ્યાના આનંદ માટે પણ વાપરે. સદકાર્યોમાં અને સેવાના કાર્યોમાં જોડાયેલા રહે ને છતાં એ બાબતનો કોઈ ભાર એમના વાણી-વર્તનમાં જોવા ન મળે. શુન્યમાંથી સર્જન કરે ને પછી એ સર્જન થકી પરહિતના દીવડાં પ્રગટાવે ને બીજા લોકોના જીવનમાં સુવિધાના અજવાળાં ફેલાવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter