માત્ર ધર્મ-સત્સંગના નહીં, શબ્દ અને કળાના પણ પ્રસારક

Sunday 26th July 2020 06:27 EDT
 
 

‘મમ્મી, ત્રણ દિવસ પછી મારો અમદાવાદ કાર્યક્રમ છે. તો શું કરું?’ મેં મારી માતાને પૂછ્યું અને તેમણે કહ્યું, ‘બેટા, કાર્યક્રમ તું પૈસા માટે નથી કરતો, તારું કર્તવ્ય છે, સમર્પણ છે. એટલે કરે છે અને આ કાર્યક્રમ તો વળી ભક્તિ સંગીતનો છે. તને સંતના આશીર્વાદ મળશે, તારે જવાનું જ છે.’ મમ્મીએ કહ્યું.
એ સંત એટલે શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી. એ સમય હતો ઓક્ટોબર ૨૦૦૭નો... મારા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી ૧ ઓક્ટોબર - ભાવનગરમાં અવસાન થયું. હું અને મારો પરિવાર અમદાવાદથી ભાવનગર પહોંચ્યા. બે દિવસ રહીને મેં ઉપર લખેલો સંવાદ મારા મમ્મી સાથે કર્યો. એ કાર્યક્રમ અમદાવાદમાં ઘોડાસરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરમાં હતો. જેકી શ્રોફ, સંગીતકાર વીજુ શાહ અને કીર્તિ વરસાણી તથા મુંબઈ અને અમદાવાદ-ભુજના કલાકારોના કાફલા સાથે એ કાર્યક્રમ મેં કર્યો. સ્વામીજીના આશીર્વાદ પણ મેળવ્યા.
એક વાર લંડન જેમને ત્યાં હું કાયમ રહું તે કલ્યાણભાઈ ખેતાણી સાથે ગોલ્ડર્સ ગ્રીન મંદિરમાં પણ પૂજ્ય સ્વામીજીના દર્શનનો લાભ મળ્યો.
મુંબઇસ્થિત સંગીતકાર મિત્ર કીર્તિ વરસાણીના આમંત્રણથી એ પછી તો માધાપર - ભુજ - મુંબઈ એમ ઘણી વાર કાર્યક્રમોમાં એમના સાંનિધ્યમાં મંચ પરથી કલા પ્રસ્તુત કરવાનો અવસર મળતો રહ્યો અને કાયમ એમનો રાજીપો - પ્રેમ મને મળતા રહ્યા. સંગીતને - શબ્દને - ગાયકીને અને કલાના વિવિધ સ્વરૂપોને તેઓ હંમેશા બિરદાવતા રહ્યા - પ્રોત્સાહિત કરતા રહ્યા.
સ્વામીનારાયણ ગાદી સંસ્થા - મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો દેહ તાજેતરમાં પંચમહાભૂતમાં વિલિન થયો એ ક્ષણે એમની સાથેના સંસ્મરણો - એમનું વાત્સલ્ય - એમનો કલાકારો પ્રત્યેનો આદર સહજપણે યાદ આવ્યા.
કચ્છના ભારાસર ગામે પ્રાગટ્ય થયું ૨૮-૫-૧૯૪૨ના રોજ. પૂર્વાશ્રમનું નામ હતું હીરજીભાઈ. માતા રામબાઈ અને પિતા શામજીભાઈએ દીકરાનો હાથ સોંપ્યો ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના હાથોમાં. ૧૯ વર્ષ, ૯ માસ અને ૨૩ દિવસની વયે ૨૧-૩-૧૯૬૨ના રોજ મહાદીક્ષા ધારણ કરી અને નામ ધારણ કર્યું શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી.
શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રત્યે અપાર સ્નેહભાવ અને પૂર્ણરૂપે સમર્પિત એટલે ૨૩ વર્ષની વયે સ્વામીબાપાના અંગત મદદનીશ બન્યા. સત્સંગ પ્રત્યે તીવ્રતા અને નમ્રતા સતત સંવર્ધિત થતા રહ્યા અને તા. ૨૮-૨-૧૯૭૯ના રોજ શ્રી સ્વામીનારાયણ ગાદીના પાંચમા વારસદાર તરીકે ગુરુદેવે તેમને સત્સંગની ધર્મધૂરા સોંપી.
પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ ભારતના ગામડાઓમાં અને વિદેશોમાં વિચરણ કર્યું અને સત્સંગનો પ્રસાર કર્યો. તેમના માર્ગદર્શનમાં વિશ્વભરમાં ધાર્મિક-સાંસ્કૃતિક-આધ્યાત્મિક-સામાજિક કાર્યક્રમો યોજાતા રહ્યા.
લાખ્ખો ભક્તો એમના વિચારોથી પ્રેરિત થયા. સંસ્થાના માધ્યમ દ્વારા જે-તે સમયે ઉપલબ્ધ એવા ઓડિયો-વીડિયો-પ્રિન્ટ જેવા માધ્યમો થકી સત્સંગનો ફેલાવો વ્યક્તિ-વ્યક્તિ સુધી કર્યો.
એમની જ પ્રેરણા અને આશીર્વાદ સાથે શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ નાઈરોબી, લંડન, અમેરિકા અને અમદાવાદમાં શરૂ થયા જેને સાંભળવાનો લ્હાવો મારા જેવા અનેક શ્રોતાઓને ક્યાંક-ક્યારેક મળ્યો છે. તેઓ મંત્રજાપમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા અને એથી જ મહામંત્રલેખન તથા જપ પર વિશેષ ભાર મુક્તા હતા.
ઘોડાસર - અમદાવાદમાં વિશ્વશાંતિ કેન્દ્ર - શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનું અને બ્રિટનના લંડનમાં કિંગ્સબરી વિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી મંદિરનું નિર્માણ તેઓએ કરાવ્યું, જે બંનેના દર્શનનો લ્હાવો મને પ્રસંગોપાત મળ્યો છે. આ ઉપરાંત દેશ-વિદેશમાં તેઓની પ્રેરણાથી નિર્મિત મંદિરો દ્વારા સત્સંગના અને સમાજ સેવાના કાર્યો સતત થઈ રહ્યા છે.
સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામી તરીકે સદગુરુ શાસ્ત્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિમણૂક કરી છે અને તેઓએ વર્તમાન સમજના સંદર્ભે પ્રાર્થના કરતાં કહ્યું છે કે ‘વિશ્વભરમાંથી કોરોના મહામારીનું સંકટ દૂર થાય અને સૌનું મંગલ થાય.’
ગત વર્ષે પરિવાર સાથે મુંબઈ હતો. મહાલક્ષ્મી મંદિરમાં જ સાંજે પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં વારાણસીના શાસ્ત્રીયસંગીતના કલાકારોની પ્રસ્તુતિ હતી. મને શબ્દસેતુ રચવાનો આનંદ મળ્યો અને શ્રોતાઓમાં શ્રી આણંદજીભાઈ, શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્રી શ્રવણ રાઠોડ, શ્રી સ્નેહલ મજમુદાર, શ્રી સંજય ઓમકાર તથા મિત્ર શ્રી કીર્તિ વરસાણી જેવા કલાકારો હતા. એમનું નિર્દોષ હાસ્ય સતત સ્મરણમાં છે. ઘડિયાળના સતત ફરતા કાંટા એટલું જ કહે છે કે એક શરીર ગયું છે પણ એમના સ્મરણોના દીવડા તો અજવાળાં પાથરે જ છે. એમના વ્યક્તિત્વને વંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter