ઓમ કૃષ્ણાય વાસુદેવાય
હરયે પરમાત્મને
પ્રણત ક્લેશનાશાય
ગોવિંદાય નમો નમઃ
વાસુદેવના પુત્ર ભગવાન શ્રીકૃષ્ણ જેઓ પરમાત્મા છે, એમને નમસ્કાર. જેઓ ભક્તના કષ્ટોનો નાશ કરે છે એ ગોવિંદને વારંવાર નમસ્કાર છે. એક પ્રાર્થનાના શ્લોકમાં લખાયું છે કે હે કૃષ્ણ, હે રૂકમણીના પતિ, હે ગોપીઓના મનને હરનારા, હું જન્મ-મરણના દરિયામાં ડુબી રહ્યો છું, હે જગતગુરુ મારો ઉદ્ધાર કરો. કૃષ્ણ મહિમાના આ શબ્દોનું સહજ સ્મરણ થયું છે કારણ કે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના મેળાનું આયોજન થયું હતું. પ્રાચીન સમયથી આ મેળો ઊજવાય છે, ગામના લોકો મન મુકીને માણે છે આ મેળાને. મેળાનું અંગ એવા ફુગ્ગાવાળા, આઈસ્ક્રીમવાળા, નાસ્તાવાળા, ફજેત-ફાળકાને એવા એવા કેટલાયે પરિબળો છે જે યાદગાર બનાવે છે. માધવપુરનો મેળો એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના મંગલવિવાહ થયા હતા.
માધવપુર ઘેડનો મેળો એટલે રૂકમણીજીની ભગવાન શ્રીકૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાનો ઉત્સવ.
અહીં દર વર્ષે રામનવમીથી મેળાનો આરંભ થાય છે. કૃષ્ણની મૂર્તિ સાથે એક ભવ્ય રથ નીકળે છે, ગામ-પરગામના અન્ય રાજ્યના લોકો મેળાને માણે છે. ખુબ જાણીતું લગ્ન ગીત છે જેમાં આ લગ્નનો મહિમા ગવાયો છે,
માધવપુરનો માંડવો ને
જાદવકુળની જાન,
પરણે રાણી રૂકમણીજી
વર વાંછિત શ્રી ભગવાન...
ખૂબ જાણીતી કથા છે કે વિદર્ભના રાજકુમારી રૂકમણીએ કૃષ્ણને મનોમન પતિ માની લીધા હતા. રૂકમણીના ભાઈની ઈચ્છા એવી હતી કે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે થાય એટલે રૂકમણીએ એક બ્રાહ્મણ સાથે એક પત્ર કૃષ્ણને મોકલ્યો હતો અને પોતાને લઈ જવા એ પત્રમાં વાત લખી હતી. શ્રીકૃષ્ણ રૂકમણીને લઈ આવે છે અને માધવપુરની ધરતી પર એમના મંગલવિવાહ થયા છે. આ પ્રસંગની ઉજવણી પ્રાચીન સમયથી થતી રહી છે અને આ મેળો ઉજવાય છે.
માધવપુર ઘેડનો મેળો એ સંસ્કૃતિ-પ્રકૃતિ અને પ્રગતિનો મેળો છે. આ મેળામાં ભાષા, ભૂષા અને ભોજનનો સંગમ થયો છે. ઝવેરચંદ મેઘાણી આ મેળાને સોરઠી સુવાસને માણવાનો મેળો તરીકે ઓળખાવે છે.
આ વિસ્તાર માધવપુર ઘેડ નામે જાણીતો છે, આ ઘેડ નામ કેમ જોડાયું હશે? પ્રશ્નનો જવાબ એ છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓ જ્યાં સાગરસંગમ પામે છે ત્યાં તેના મૂળ દ્વાર સાગરની રેતથી પુરાયેલા રહેતા હોય છે. આ કારણે નીચાણવાળા પ્રદેશમાં નદીઓમાં પાણી ઘડાના આકારમાં ભરાયેલા રહે છે. ઘેડ એટલે ઘડો. ઘડાની માફક પાણી ભરાઈ રહે છે એટલે આ વિસ્તારને ઘેડ કહેવાય છે.
માધવપુરમાં આવેલું માધવરાયજીનું મંદિર તેરમી સદીનું હોવાનું જણાય છે. અહીં માધવરાયજી ઉપરાંત માધવપુરની આસપાસ વિષ્ણુ-શિવ અને સુર્યમંદિરો પણ આવેલા છે. આ ભૂમિ પર શ્રી રામાનુજાચાર્ય અને ભક્ત કવિ કબીર પણ આવ્યા હોવાનું મનાય છે.
માધવપુરના આ મેળામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2018થી પશ્ચિમમાં ગુજરાત અને ઉત્તર-પૂર્વના રાજ્યો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેની પહેલ કરાઇ છે. રાજકુમારી રૂકમણીનું પિયર ઉત્તર-પૂર્વમાં હતું એટલે ત્યાંથી કલાકારો - મહાનુભાવો આવે છે અને સાથે સાથે લાવે છે ત્યાંની સંસ્કૃતિ, વ્યંજનો, હસ્તકલા અને ગુજરાતના કલાકારો-સંસ્કૃતિ જોડાય છે અહીં. આમ એક ભારત – શ્રેષ્ઠ ભારતના પ્રકલ્પને પ્રસ્થાપિત કરીને ભારતની સાંસ્કૃતિક એકતાને અહીં અભિવ્યક્ત કરાય છે.
મને પણ 2018થી આ મેળામાં એન્કર તરીકે જોડાવાનું સદભાગ્ય મળ્યું છે. એ નિમિત્તે માધવરાયજીના દર્શનનો, આ ભૂમિના તીર્થસ્થાનોના દર્શનનો, માધવપુર બીચના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવાનો અવસર મળે છે. માણસને માણસ ગમે છે, માણસને સારપ ગમે છે, માણસને સંસ્કૃતિ ગમે છે, માણસને આપણી સમૃદ્ધિ, સાંસ્કૃતિક વિરાસત ગમે છે. આ બધાની સાથે મળવાનું એક માધ્યમ છે આપણા મેળાઓ. આવા મેળામાં જવાનું થાય ત્યારે આપણી પ્રાચીન – સમૃદ્ધ જીવનશૈલીના - લોકજીવનના અજવાળાંને વધાવવાનો જાણે લ્હાવો મળે છે.


