માનવધર્મ થકી જીવનની સાર્થકતા

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 12th October 2019 06:00 EDT
 

‘ખુબ સરસ અને સાચી વાત’ અંજલીએ પોતાના મેસેજ બોક્સમાં લખ્યું ને સાથે સ્માઈલી પણ મૂક્યું. એકાદ કલાક કરવાના જરૂરી કામો પૂરાં કરીને અભિષેકે તેને ફોન કર્યો ને હસતાં હસતાં કહ્યું, ‘દોસ્ત તેં લખ્યું એ તો સાચું છે જ પણ મારે તો આ શબ્દો જીવવાની કોશિશ કરવી છે...’ વાત શું હતી?

માણસ વ્હોટ્સએપ - ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા વર્ચ્યુઅલ વિશ્વમાં જીવતો થયો છે. વિનામૂલ્યે દૂર-દેશાવરથી લાઈવ વીડિયો ચેટ અને સંદેશાઓની આપ-લે શક્ય બની છે. એટલે સ્વાભાવિક રીતે હકારાત્મક જીવનશૈલી માટે પ્રેરક સૂત્રો પણ વહેલી સવારથી ફોનમાં પ્રગટવા માંડે. આવા જ એક સરસ ફોરવર્ડેડ મેસેજનું સ્વરૂપ જેમાં ઓશોના પ્રેમ વિશેના વિચારો હતાઃ
‘પ્રેમ દાતા હૈ... પ્રેમ પરમાત્મા હૈ,
પ્રેમ પ્રસાદ હૈ, પ્રેમ જાદુ હૈ,
પ્રેમ ચમત્કાર હૈ... પ્રેમ ગૌરવ હૈ
પ્રેમ અકારણ ભાવદશા હૈ...’
આ વિચાર અભિષેકે થોડા મિત્રોમાં ફોરવર્ડ કર્યો હતો, અને એના જવાબરૂપે અંજલી સાથે એને લેખના આરંભે લખેલો સંવાદ થયો હતો.
કટ ટુ શોટ પછી એને પોતાને જ વિચાર આવ્યો કે નાની-નાની ઘટનાઓ આપણા જીવનમાં રોજ બનતી જ હોય છે જેમાં આપણે કોઈના માટે પ્રેમપૂર્ણ જગતનું નિર્માણ કરી શકીએ છીએ, અને એને બે-ત્રણ દિવસમાં અનેક વાર આવી ઘટનાઓ જીવવા મળી.
એના મમ્મીએ કહ્યું, ‘બેટા આપણી દીકરીની સાયકલ ચારેક વર્ષ પહેલાં લીધી હતી. બે વર્ષથી કોઈ વાપરતું નથી. ફ્લેટમાં નકામી પડી રહે છે, કોઈ પરિચિત છે, એમના દીકરાએ નવી લેવાની છે. આર્થિક સ્થિતિ બહુ સારી નથી એટલે...’ અને માની વાતને વચ્ચેથી માનભેર અટકાવીને તેણે કહ્યું, ‘મા આજે તમે બહુ સરસ વાત કરી, આપણે એ સાયકલ સાફ કરાવીએ, રિપેર કરાવીએ અને દિવાળીની ભેટરૂપે એ છોકરાને આપી દઈએ. એ વાપરશે તો આપણને આનંદ થશે.’
બીજી ઘટના - નવરાત્રિનો બીજો દિવસ - સાંજે ગરબાના કાર્યક્રમમાં જવા નીકળ્યો. સ્થળ પર પહોંચતાં સુધીમાં તો પૂરા શહેરમાં અનરાધાર વરસાદ-વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવનનું વાતાવરણ છવાઈ ગયું હતું. ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી કારમાં એણે અનુભવ્યું કે આખી કાર જાણે પવનમાં ડોલી કરી રહી છે. માતાજીના સ્વરૂપની પ્રતિષ્ઠા એક રૂમમાં હતી, ત્યાં આરતી કરી - પ્રસાદ લઈ ઘરે પરત જવાનું હતું કારણ કે ગરબા તો થવાના જ ન હતા. ત્યાં એનું ધ્યાન પડ્યું કે બે મોટી ઉંમરના પૂજારીઓ માટે તેમનો દીકરો ટેક્સી કે રીક્ષા શોધવાનો પ્રયત્ન કરતો હતો, પણ કાંઈ મેળ પડતો ન હતો. અભિષેકે વડીલને માનભેર પૂછ્યું, ‘તમે ક્યાં જવાના?’ બંને સ્થળ વચ્ચે ૮-૧૦ કિલોમીટરનું અંતર હતું. એમાં વરસાદ ને ટ્રાફિક - પણ પેલી વાત યાદ આવી કે આ તો જીવવું જોઈએ. બંનેને કારમાં બેસાડ્યા. વાતો કરતાં કરતાં એમના ઘરે ઉતારી ને પછી આનંદની અનુભૂતિ સાથે પોતાના ઘરે ગયો.
ઘટના ત્રીજી. સોસાયટીમાં એ પ્રવેશ્યો ને ખરા બપોરે, ભાદરવાના તાપમાં એણે જોયું કે એના પાડોશી - એક માતા જેની ઊંમર સાંઠ આસપાસની - ઘરે રસોઈ બનાવીને બધે પહોંચાડવાનું કામ કરે. આમ તો દીકરો-વહુ બધુ કામકાજ સંભાળે, આજે એ ક્યાંક કામે બીજે ગયા હશે તે વજનદાર બે થેલા લઈને પોતાના ઘરના ટાવરમાંથી ત્રણ-ચાર મિનિટ દૂર આવેલા બ્લોકમાં ઊંચકીને જતા હતા. અભિષેકે જોયું કે એમને વજન ઊંચકવામાં મુશ્કેલી પડતી હતી. એ દોડીને તરત ગયો. પેલા ના ના કરતાં રહ્યાં. બંને હાથે મદદ કરીને હસતાં હસતાં જ્યાં સામાન પહોંચાડવાનો હતો ત્યાં સુધી એ પહોંચાડી આવ્યો.
આવી બે-ત્રણ ઘટનાઓ એના જીવનમાં આવી - જેમાં એ પ્રેમ વિશે, ઉદારતા વિશે, કોઈને મદદ કરવા વિશે, કોઈની પડખે રહેવામાં થોડો વધુ જાગૃત થયો. થોડો વધુ ઉત્સાહિત થયો, થોડો વધુ જાણે લાભ પામતો થયો.
સરવાળે થયું એવું કે એના પોતાનામાં જ વધુ ઊર્જા-ઉલ્લાસ અને આનંદ પ્રગટતા એણે અનુભવ્યા. કોઈને અકારણ પ્રેમ કર્યો, કોઈને મદદ કરી અને એ ક્ષણ જાણે સાર્થક થતી લાગી.
આપણી આસપાસ પણ રોજેરોજ આવી નાની-નાની ઘટનાઓ બનતી જ હોય છે. જેમાં આપણે પ્રેમ માર્ગે ચાલીને - માનવધર્મ બજાવીને ક્ષણોને અને એ રીતે જીવનને સાર્થક કરવાનો અનુભવ પામી શકીએ છીએ. આવું જ્યારે જ્યારે કરીએ ત્યારે ત્યારે સાર્થકતાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter