માનવધર્મ સૌથી મહાન

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 17th July 2019 05:43 EDT
 

‘અરે, ઐસે કિસી અનજાન કો આપ ઘરમાં ટીવી દેખને કે લીયે કૈસે હાં કરતે હો?’ સીમાભાભીએ રૂદ્રીને કહ્યું અને રૂદ્રીએ હસતાં હસતાં કહ્યું, ‘આપ અપની જગહ બિલ્કુલ સહી હો, મગર હમ ભરોસા રખનેવાલે હૈ ઔર હર એક કો માનવ કે સ્વરૂપ મેં દેખતે હૈ...’

રૂદ્રી એના માતા-પિતા અને ભાઈ સાથે અમદાવાદના સમૃદ્ધ વિસ્તારમાં રહેતી હતી. પાંચ માળનો એનો ફ્લેટ હતો. એક બ્લોકમાં ૨૦ એમ કુલ મળીને ૮૦ ફ્લેટની નાની અને જૂની એની સોસાયટી હતી. સોસાયટીના લોકોમાં સંપ અને એકતા પણ ખૂબ સારાં હતાં. સહુ સુખ-દુઃખમાં, આનંદ-ઉત્સવમાં એકબીજાને પડખે ઊભા રહેતા હતા. સરવાળે એ વિસ્તારમાં સોસાયટીની ઈમેજ ઘણી સારી હતી અને તેમાં રહેવું એ આનંદનો અવસર ગણાતો હતો.
આ સોસાયટીમાં એ દિવસે વીજળીનો પુરવઠો નિયમિત ચાલુ હતો, પરંતુ કોઈ કારણોસર લીફ્ટ બગડી હતી. રૂદ્રીનો ફ્લેટ ત્રીજા માળે હતો અને એની ઉપરના માળ પર કોઈ પરિવાર નવો રહેવા આવ્યો તેમનો સામાન શિફ્ટ થતો હતો. લીફ્ટમાં ન લઈ જઈ શકાય એવો સામાન યુવાન છોકરાઓ હઈસો હઈસો કરીને ઉપર ચડાવી રહ્યા હતા. રૂદ્રીના ઘરે વર્લ્ડ કપની ભારતની મેચ બધા સાથે મળીને જોઈ રહ્યા હતા. ઘરના વડીલો અને છોકરાઓ ખેલાડીઓ દ્વારા જ્યારે જ્યારે શ્રેષ્ઠ પર્ફોમ થાય ત્યારે ત્યારે તેમને વધાવતા હતા. કોઈ ઘરમાં જ થાળી-વેલણથી અવાજ કરતું હતું તો કોઈ ચીચીયારીઓ પાડીને આનંદ કરતું હતું. મેઈન ડોર ખુલ્લો હતો એટલે સામાન ઉપર ચઢાવવા માટે આવતા-જતા માણસોની નજર અહીં પડતી હતી. એમાંના બે છોકરા ક્રિકેટમાં રસ હશે તે આ સહુના ચહેરા પર જોઈને પરિસ્થિતિનો તાગ મેળવતા હતા.
એક વાર ઉપરથી પરત ફરત એક છોકરો દરવાજે ઊભો રહ્યો. બહુ વિવેકપૂર્વક એણે પૂછ્યું કે ‘બે મિનીટ હું તમારી સાથે મેચ જોઈ શકું?’ રૂદ્રીએ સરળતાથી હા પાડી. એની સાથે એનો દોસ્ત પણ જોડાયો. રૂદ્રીના પિતાએ પાણી પાવા ઈશારો કર્યો એટલે એ બે છોકરાઓને પાણી પાયું. પાંચ-સાત મિનીટ એમણે મેચ જોઈ. રાજી થયા ને થેન્ક યુ કહીને જતા રહ્યા. આ આખી ઘટના રૂદ્રીના ઘરમાં એ સમયે હાજર એક માણસે જોઈ. એમણે એમના અન્ય અનુભવો અને દુનિયાદારીના દર્શનમાંથી પ્રાપ્ત થયેલા નોલેજના આધારે રૂદ્રીના લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું. રૂદ્રીએ પણ એમની વાત સ્વીકારીને પોતાની વાત એટલી જ સહજતાથી મુકી આપી. એના ઘરમાં - પરિવારમાં ને પાડોશમાં બાળકોને એ જ સંસ્કાર અપાયા હતા અને એમને એવું જ શિક્ષણ અપાયું હતું કે માણસને માણસરૂપે જોવાની આદત પાડવી માનવધર્મ સૌથી મહાન છે. આથી રૂદ્રીએ એને અનુરૂપ વર્તન કર્યું.
પછીથી એ કોઈને કહેતી હતી કે પેલા વડીલની વાત પણ સાચી હશે, કારણ કે દુનિયામાં એવા કેટલાય પ્રસંગો છે જેમાં આવી રીતે અજાણ્યા માણસો પર ભરોસો કરવાથી નુકસાન થયું હોય, પણ મેં સમય-સંજોગ-પરિસ્થિતિ અને બધા એક સાથે હતા એટલે આમ કર્યું હતું.
આખરે ક્રિકેટની રમત માત્ર મનોરંજનરૂપે નહીં, દેશની એકતાને પણ જોડે છે. ક્રિકેટ મેચમાં મેદાન પર અજાણ્યા પણ ભેગા થઈને દેશ માટે પ્રાર્થના કરે છે, દેશના ખેલાડીઓને ચીઅરઅપ કરીને પ્રોત્સાહન આપે છે અને એ રીતે સહુ કોઈ દેશ માટે જોડાય છે. દેશ વતી ટીમ વિજેતા બને એ માટે સહુ કોઈ ક્રિકેટપ્રેમી પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરતા, મેદાન પર આપણે જોયા છે. કેટલાય લોકો માનતા માને છે. આ બધાના મૂળમાં છે દેશ માટેનો રાષ્ટ્રપ્રેમ... અને આવા દૃશ્યો જોવા મળે ત્યારે અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter