મુશ્કેલ સમયમાં જ માણસાઇ બળૂકી બનીને પ્રગટે છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 25th April 2020 05:29 EDT
 

‘અરે યાર, કોલેજ અને કોલેજના ફ્રેન્ડઝ બહુ યાદ આવે છે. અગાઉ ક્યારેય આટલી તીવ્ર રીતે કોલેજને મીસ નહોતી કરી.’ પરિવારમાં એક કોલેજીયન યુવતી આમ જ વાત કરતી હતી. આ એ છોકરી હતી જેને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા બાદ, ત્યાંની કડકાઈ અને હાજર રહેવાની પળોજણ ગમતી ન હતી. એ એવું ક્યારેક મસ્તીમાં કહેતી કે આટલી પ્રતિષ્ઠિત કોલેજમાં જ્યારે એડમિશન મળ્યું ત્યારે ખબર હોત કે અહીં આટલું કડક હશે તો હું જાત જ નહીં. હવે એ યુવતીને પોતાની કોલેજને યુનિવર્સિટીમાં જલ્દી ભણવા જવું છે. જશે થોડા સમયમાં ફરી બધું તંત્ર ગોઠવાશે એટલે જશે ને ત્યારે કોલેજના દિવસોને એ નવી રીતે જોશે. આખરે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન પંચતત્વમાં પણ હોય અને વિચારમાં - દૃષ્ટિકોણમાં પણ હોય.

કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર પ્રસરાવ્યો છે. આખાને આખા દેશ લોકડાઉન છે, ત્યારે આમ જ વાતચીતમાં આવા જ એક યુવાને કહ્યું કે ‘આના કરતાં તો નોકરીના સ્થળે જવાનું સારું. ઘરમાં કંટાળો આવે છે.’ જવાબમાં કોઈ મહાન વાત કહેતા હોઈએ એમ નહીં પરંતુ સીધીસાદી ભાષામાં એને સમજાતું કે દોસ્ત, આપણે ઘરમાં છીએ આપણા ઘરમાં છીએ, પરિવારના સભ્યો સાથે છે, જાણીતા પાડોશીઓ છે, ઘરમાં અનાજ-પાણી છે, ઈનડોર ગેઈમ્સ છે, ટેરેસ કે ગેલેરીમાં આવીને અરસપરસ હાય-હેલ્લો થાય છે, ટીવી છે, મોબાઈલ છે, ઈ-પેપર છે... છતાં કંટાળો આવે છે. મતલબ કે આપણને આપણા પરિવાર સાથે ઘરના ભોજન સાથે, પાડોશી સાથે ફાવતું નથી. થોડી વારે એને ગળે વાત ઉતરી અને કહે ‘મેં ક્યારેય આ દિશામાં વિચાર્યું જ નથી. હવે મને સમજાય છે કે આટલા દિવસો નીકળ્યા એમાં પરિવારનો પ્રેમ ને હૂંફને પ્રાર્થના છે. આ દિવસો પણ પસાર થશે ને બધું ગોઠવાઈ જશે.’
આવી જ દૃષ્ટિ પરિવર્તનની, વિચાર પરિવર્તનની, હૃદયની ઉદારતાની માણસાઈની અનેક ઘટનાઓ લોકડાઉનની મર્યાદાઓ અને નિયમોના પાલન સાથે પણ જોવા મળી રહી છે.
એક દીકરીના પપ્પા-મમ્મી ભારત બંધ હતું એના પહેલાના દિવસોમાં ઘરમાં સાહજિક વાતો કરતા હતા. સંગ્રહખોરી માટે નહીં, ઘરની મૂળ જરૂરિયાતના અનાજ-શાકભાજી ખરીદી માટે નીકળ્યા તો દીકરીએ કહ્યું કે આપણે ત્યાં અવારનવાર આવતા ડ્રાઈવરભાઈ, રસોઈવાળા બહેન અને કામવાળાબહેન આ ત્રણેય માટે પણ થોડી થોડી વસ્તુઓ લેતા આવજો. મા-બાપ એના હૃદયની ભાવના સમજ્યા અને મુશ્કેલીના સમયે માણસની પડખે માણસ ઊભો રહે એ ભાવ નવી જનરેશનમાં પણ ઉતર્યો છે એનો આનંદ વ્યક્ત કરીને એ ત્રણેય વ્યક્તિઓને એમની વસ્તુઓ સન્માન સાથે પહોંચાડી પણ ખરી. મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસની અંદર રહેલી માણસાઈ પણ વધુ બળવત્તર બનીને પ્રગટ થાય છે.

•••

કોરોના વાઇરસની બીમારીના કારણે - તેનાથી બચવાના એકમાત્ર ઉપાયરૂપે ‘ઘરમાં રહો - સુરક્ષિત રહો’ સૂત્રને લોકો આત્મસાત કરી રહ્યા છે, એવા સમયે આપણી જાત સાથે વાત કરવાનો - પરિવાર સાથે રહેવાનો જાણે સમય મળ્યો છે પ્રત્યેક માણસને... આવા સમયે દાતાઓ-શ્રેષ્ઠીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર પોતપોતાની રીતે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે - જરૂરિયાતમંદો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો. એ પ્રમાણે માણસ પણ હકારાત્મક દૃષ્ટિકોણ કેળવીને પોતાના જીવનમાં વિચાર પરિવર્તન કરી રહ્યો છે, એ દિશામાં આચરણ પણ કરી રહ્યો છે. ઘનઘોર અંધારી રાત છે, પણ એમાં સમજદારીના અને માણસાઈના દીવા પણ ઠેર ઠેર પ્રગટે છે અને સમાજમાં માનવતાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter