મોહમ્મદ રફીઃ સૂરોના શહેનશાહ અને માનવતાના પૂજારી

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 28th July 2021 05:32 EDT
 
 

‘તેઓ રિહર્સલને ખુબ મહત્ત્વ આપતા...’ ‘અભિનેતા કોણ છે, સિચ્યુએશન શું છે? તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે ગીતો ગાતા હતા...’ ‘કોઈ પણ વયના સહગાયક-ગાયિકાને સંભાળી લેવા એ રફીનો અનોખો ને ઊચ્ચ કોટિનો ગુણ હતો...’ ‘મારો મનગમતો ગાયક કોણ? કોઈ પૂછે તો આંખો મિંચીને મોહમ્મદ રફીનું નામ આપીશ...’ આવા વાક્યો ગાયકો-સંગીતકારોએ કહ્યા છે મોહમ્મદ રફી માટે. 

ભારતીય સિનેમા સંગીત, હિન્દી ચલચિત્રોના ગીતોના શહેનશાહ મોહમ્મદ રફી. એકથી એક ચડિયાતા ગાયકો જે સમયે મેદાનમાં હતા એ સમયે મોહમ્મદ રફીએ સંગીતકારોના-પ્રોડ્યુસરોના અને શ્રોતાઓના હૃદયમાં પોતાની જગ્યા કરી લીધી. એમના ગીતો પછી એ શાસ્ત્રીય સંગીતના હોય કે વેસ્ટર્ન મ્યુઝિકના હોય, બધા જ શ્રોતાઓને એમાં પોતાની લાગણીનું પ્રતિબિંબ જણાતું. ૨૪-૧૨-૧૯૨૪ના રોજ કોટલા-સુલતાનસિંહ, પંજાબમાં જન્મ અને તા. ૩૧-૭-૧૯૮૦ના રોજ મુંબઈમાં અવસાન. માત્ર ૫૬ વર્ષની આયુમાં હજારો ગીતો ગાઈને અને લાઈવ પર્ફોમન્સ આપીને મોહમ્મદ રફી અમર થઈ ગયા.
સંગીતકાર નૌશાદે એમને ‘શાહજહાં’ મૂવીમાં કોરસમાં ગાવાની તક આપી. મુખ્ય ગાયક કે. એલ. સાયગલ હતા. તેઓ મોહમ્મદ રફીને ઓળખી ગયા કારણ કે અગાઉ લાહોરના એક કાર્યક્રમમાં સાયગલ સાહેબને મળવા મોહમ્મદ રફી ખાસ ગયા હતા, ને તે સમયે રફી સાહેબે ગીત ગાઈને સાયગલ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા.
ઉત્તમ ગાયકમાં હોવી જોઈએ તે તમામ કલા તો મોહમ્મદ રફીને સહજ પ્રાપ્ત હતી જ પરંતુ આ ઉપરાંત તેઓ ઉત્તમ અને નખશીખ સજ્જન એવા માણસ હતા. ઓછું બોલવું, બીજાનું સન્માન સાચવવું, બીજાને મદદ કરવી, પ્રેમ વહેંચવો જેવા ગુણોથી સભર હતા મોહમ્મદ રફી.
જેટલા ભાવથી ગીત કે કવ્વાલી ગાય એટલા જ ભાવથી ભજન કે કવિતા પણ ગાય. તેઓ મ્યુઝિક રૂમમાં આવે એટલે બધાને સાથે લાવેલું અત્તર હાથમાં લગાડે ને કહે ‘ખુશ્બુ બાંટો.’ એમના જૂહુના બંગલે દર શુક્રવારે જરૂરિયાતમંદોને તેઓ ‘ખૈરાત’ કરતા હતા. નાનામાં નાના માણસને મદદ કરતા અને પ્રેમ પણ કરતા.
એક વાર કોઈએ એમને પૂછ્યું હતું કે, ‘તમે ભક્તિગીતો આટલી ઉત્ક્ટતાથી કેવી રીતે ગાઈ શકો છો?’ તો રફી સાહેબે કહ્યું હતું કે ‘હું અંતર્ભાવને વિનવું છું કે ભગવાને કોઈ ભેદ નથી રાખ્યા તો આપણે કેમ રાખવા?’ એમના બંગલાના ચોકીદારની દીકરીના લગ્ન હતા તો તમામ ખર્ચ માટે જરૂરી રકમ રફી સાહેબે આપી હતી. એક મુલાકાતમાં ઓ. પી. નૈયરે કહ્યું હતું કે ‘રફીને કડવા કારેલાં બહુ ભાવતા હતા, પરંતુ સ્વભાવમાં માત્ર મીઠાશ જ ભળેલી હતી.’
ગીતકાર કે શાયરના શબ્દોને સમજીને-પામીને, અદાકારના હાવભાવને અનુરૂપ ઉત્તમ પ્રસ્તુતિના કારણે જે-તે સમયના લગભગ તમામ સંગીતકારો સાથે અને અભિનેતાઓ માટે રફી સાહેબે ગીતો ગાયા.
હિન્દી ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓમાં મોહમ્મદ રફીએ ગીતો ગાયા છે. ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોના અને ગેરફિલ્મી આલ્બમોના અનેક ગુજરાતી ગીતો આપણા સહુ માટે મધુર સંભારણા બની રહ્યા છે.
કલાકારમાં ઉત્તમ કલાની સહજ પ્રસ્તુતિ હોય અને સાથે માણસ તરીકે પણ એ પળપળ માણસાઈથી જીવતા હોય ત્યારે એમની કલાના આ અજવાળાં સર્વકાલીન બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter