હમણાં થોડા દિવસોમાં બે-ત્રણ એવા કાર્યક્રમોમાં જોડાવાનું થયું જેના કેન્દ્રમાં કિશોરો - યુવાનો હતા. એક સ્ક્રિપ્ટ લખવાની હતી જેમાં શાળાના બાળકો નૃત્ય–નાટ્ય પ્રસ્તુત કરવાના હતા, એના લેખન દરમિયાન ભારતીય સંસ્કૃતિ, ભારતની શિક્ષણપદ્ધતિ, અણમોલ વારસો અને આવનારા સમયનું વિક્સિત ભારત, ભારતે આપેલા અણમોલ વ્યક્તિત્વો અને તેમનો સંદેશ... આ અને આવું આવું અભ્યાસ–વાંચન કરીને લખવાનું બન્યું અને મને એ લેખનનો આનંદ આવ્યો. બીજા કાર્યક્રમમાં પુસ્તક વિમોચન હતું જેમાં પણ ગુજરાતના યુવાનો, પોઝિટિવ વિચારધારા, વાંચન – શ્રવણ – અભ્યાસ અને જિંદગી જીવવાની વિશેષ અનુભૂતિની વાતો હતી. ત્રીજો કાર્યક્રમ હતો એમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી પસંદ થયેલા વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધકોની રાજ્યકક્ષાની સ્પર્ધા હતી. ત્રણ અલગ-અલગ રૂમમાં યોજાયેલી સ્પર્ધામાંથી એક પેનલના નિર્ણાયક તરીકે જોડાવાનો મને પણ અવસર મળ્યો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત E સ્પર્ધામાં જે સ્પર્ધકોએ એમની વાત રજૂ કરી એમાં વિકસિત ભારત, એની રચનામાં યુવાનોની ભૂમિકા કેન્દ્ર વિચાર હતો. યુવા પેઢીએ પોતાના જે વિચારો મૂક્યા એમાં એમના પોતાના વિચારો ઉપરાંત જેમણે તૈયારી કરાવી હશે તેમના વિચારો, સાંપ્રત સમય, ભવ્ય ભૂતકાળ અને ઉજળા ભવિષ્યની, વિકસિત ભારતની રચના કેમ થઈ શકે? એના વિચારો હતા. મોટાભાગના સ્પર્ધકોએ શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકીને કહ્યું કે જો શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ હશે તો જ વિકસિત ભારતની રચના થઈ શકશે. વર્તમાન સમયમાં સમાજજીવનને સ્પર્શતા પ્રશ્નો, જેમ કે - ભ્રષ્ટાચારનું નિર્મૂલન, રાષ્ટ્રપ્રેમ, ઈમાનદારી, આત્મનિર્ભરતા, વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિવારણ, પંચશીલના સિદ્ધાંતો... વગેરે વગેરેનું પ્રતિબિંબ સ્પર્ધકોની રજૂઆતમાં સમાવિષ્ટ હતું.
કોઈએ સરસ વાત કરી કે, વિકસિત ભારતનું નિર્માણ કરવું હશે તો ગ્રામ્યજીવનને વધુ સુદ્રઢ કરવું પડશે. કોઈએ વળી સમૃદ્ધ ભારત સાથે જ શુદ્ધ ભારતની પરિકલ્પના કરી. કોઈએ કહ્યું કે, ‘હમેં અપની જિમ્મેવારી સે ભાગના નહીં હૈ, સમસ્યા નિવારણ મેં ભાગ લેના હોગા...’ કોઈકે વળી લોકલ ફોર વોકલને પ્રોત્સાહનની વાત મૂકી તો કોઈએ યુવાશક્તિના કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો. કોઇએ ઓપન માઈન્ડ સેટ કેળવવા, સમજણ વિકસાવવા ભાર મૂક્યો તો કોઈએ સ્ટાર્ટઅપ માટેની નીતિ વધુ સ્પષ્ટ કરવા ભાર મૂક્યો.
સ્પર્ધકોની રજૂઆતમાં ક્યાંક સપના હતા, ક્યાંક પુરુષાર્થ, ક્યાંક દુઃખ, ક્યાંક આનંદ, ક્યાંક ગૌરવની લાગણી છલોછલ છલકતી હતી. ક્યાંક એ પ્રશ્ન પણ પડઘાયો કે એક સમયે સોને કી ચીડિયારૂપે પ્રસિદ્ધ દેશ અવિક્સિત કેમ બન્યો? સ્પર્ધકોએ વેદ–ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના રેફરન્સ પણ આપ્યાને શાયરી - ક્વોટેશન્સ પણ ટાંક્યા.
યુવાનોને જો યોગ્ય માર્ગદર્શન મળે, એમના વિચારોને યોગ્ય દિશા મળે તો તેઓ ખૂબ સારી પ્રગતિ કરી શકે, દેશના ઉજ્જવળ ભવિષ્યમાં જરૂર પોતાનું યોગદાન આપી શકે તે વાતનો સહજ અણસાર આ તમામ સ્પર્ધકોને સાંભળીને આવ્યો. હા, ઘણી બાબતો એવી ય હતી કે જે એક સ્પર્ધક તરીકે, વક્તા તરીકે એમને ઓછા માર્ક આપવા પણ પ્રેરિત કરતી હતી. પણ આ વાત ત્યારે સમજાય છે ત્યારે જ્યારે વર્ષોનો અનુભવ અને મેચ્યોરિટી આવે છે. સ્વાભાવિક જ ઉદઘાટન – સમાપન કાર્યક્રમાં એન્કર તરીકે મેં પણ મારા કોલેજ દિવસના વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધક તરીકેના દિવસો યાદ કર્યા. આમ, ત્રણેક કાર્યક્રમો દ્વારા જાણે શબ્દોના અજવાળાં રેલાયા.