યુવાપેઢીને આકર્ષતું ભક્તિસંગીત - ભજનવાણીનું આધુનિક સ્વરૂપ

- તુષાર જોષી Tuesday 16th June 2026 06:46 EDT
 
 

આજકાલ વિવિધ માધ્યમોમાં સોશિયલ મીડિયામાં પ્રાચીન-અર્વાચીન ભજનો, તેના કાર્યક્રમો વિશેષરૂપે યુવાઓને આકર્ષિત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખૂબ સારી વાત છે. ભક્તિ, સંગીત, ભજનવાણીના શબ્દો અને તેનો ભાવ આત્મસાત થઈ જાય તો ભવસાગર પાર થઈ જાય એવાયે કેટલાકના અનુભવો રહ્યા છે.

ભજન જૈમિંગ (BHAJAN JAMMING) ભક્તિસંગીતની એક આધુનિક શૈલી છે, આ પરંપરામાં પ્રાચીન ભજનવાણી, જાણીતા કીર્તનો, ભાવપૂર્ણ પદો અને સંસ્કૃત મંત્રોનું ગાયન વ્યક્તિગત કે સામૂહિકરૂપે થતું જોવા મળે છે. મોટાભાગે પરંપરાગત રાગ-ઢાળને એમ જ રાખીને, એમાં આધુનિક સંગીતના ગિટાર, કીબોર્ડ, ડ્રમ્સ, પરક્શન, વાંસળી, ઓક્ટોપેડ જેવા વાદ્યોનું સંગીત ભળે છે અને ગાયક બેસીને - ઊભા રહીને - નાચતા નાચતા પણ ગાયન કરે છે. શ્રોતાઓ પણ મોટાભાગે ઊભા રહીને સાથે ગાય છે, તાળીઓથી, નર્તનથી જોડાય છે. કોઈ હસે છે - રડે છે આમ ભાવ અભિવ્યક્તિનું માધ્યમ બની રહે છે.
આ પ્રકારના કાર્યક્રમોનો આરંભ એક-બે વર્ષમાં જ થયો છે. ભક્તિસંગીત – ભજનવાણી તો આપણે ત્યાં અને જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે એવા દેશોમાં ખૂબ ગવાય કે સંભળાય છે પરંતુ ‘ભજન જૈમિંગ’નું આ આધુનિક સ્વરૂપ છેલ્લા વર્ષોથી મહાનગરોમાં રજૂ થતું આવ્યું - એને વ્યાપક સફળતા મળી અને હવે તો નાના શહેરોમાં પણ આવા કાર્યક્રમો યોજાતા થયા છે. ભક્તિ સંગીતની આ સમયમાં વિશેષ અસર શ્રોતાઓ પર જણાઈ રહી છે અને એટલે જાણીતા એવા તમામ સંગીતકારો ભક્તિસંગીતની કોન્સર્ટ કે પછી એમના આલ્બમ્સ રજૂ કરી રહ્યા છે. ભક્તિસંગીતના આવા કાર્યક્રમોની ખૂબ મોંઘી ટિકીટો ખર્ચીને ભાવકો એમાં જોડાઈ રહ્યા છે. નર્તન – નાટ્ય – ગાયન – સંગીત – ડાયલોગ – મોનોલોગ – બેકડ્રોપ – એલઈડી પર પ્રભાવશાળી મિત્રો - આધુનિક સાઉન્ડ સિસ્ટમ વગેરે થકી થીમ આધારિત ભક્તિમય કાર્યક્રમો ખૂબ સારી રીતે યોજાઈ પણ રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે.
ભક્તિસંગીત આપણી સનાતન સંસ્કૃતિનું એક અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. પ્રાતઃકાળથી લઈને મોડી રાત્રી સુધીના સમય સમયના રાગ આધારિત ભજનો આપણા જીવનનો જાણે એક હિસ્સો બની રહ્યા છે. ભજનો સાંભળતા સાંભળતા આપણે જાણે આપણી જાતમાં ઓગળતા જતા હોઈએ એવો અનુભવ પણ ક્યારેક થયો છે. ભજનના શબ્દોનો ભાવ સમજાય, એના અર્થને જીવાય, એના થકી જીવનમાં સમજણના દીવડાં પ્રગટે ત્યારે જાતની અંદર કાંઈક ઝળહળ થતું અનુભવાય છે. કાંઈક પામ્યાનો આનંદ – જીવનની સાર્થકતાનો અહેસાસ અનુભવાય છે. ભજનો સાંભળતા કે ગાતા સમયે આનંદવિભોર થઈ ઊઠાય છે અને ક્યારેક આંસુની ધાર પણ વહે છે. ક્યારેક એ આંસુ આનંદના હોય છે તો ક્યારેક વળી પ્રાયશ્ચિતના પણ હોય છે. ભજનમાં એ શક્તિ છે કે સાંભળનારને કોઈ દિવ્ય ચેતના સાથે એ જોડી આપે છે. એ દિવ્ય ચેતના જ જીવનનો અર્થ સમજાવી દે છે અને શ્રોતા સહજપણે સાધક બની જાય છે.
ભજનોના કાર્યક્રમોમાં સાંસ્કૃતિક વિરાસતનું સંવધર્ન થાય છે અને એ રીતે આપણી પ્રાચીન ધરોહર નવી પેઢી સુધી પહોંચે છે. ભજનો શ્રોતા - ગાયકના મનમાં આત્મવિશ્વાસ પેદા કરે છે, જીવનની પળેપળને સાચી અને સારી રીતે જીવવા માટે પ્રેરિત કરે છે, કર્મના સિદ્ધાંતો પ્રત્યે જાગૃત કરે છે અને જ્યાં જેની શ્રદ્ધા હોય એ સ્વરૂપમાં સમર્પિત થવા તરફ દોરે છે.
ભજનના એક એક શબ્દમાં દિવ્ય તેજ છે, એ તેજના અજવાળાં ઝીલાય છે ત્યારે જાણે બાહ્ય અને આંતરિક એમ બંને રૂપે જીવનમાં વિચાર અને આચારમાં ઊજાસ રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter