રંગ સંધ્યા એટલે પ્રેમ અને પ્રસન્નતાનો, ભજન અને ભક્તિનો, ઊર્જા અને ઊર્મિનો સમન્વય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 23rd May 2023 05:40 EDT
 
 

તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના વિરામના દિવસે પૂજ્ય મોરારિબાપુએ કહ્યું હતું કે ‘આ રંગ સંધ્યાનો સાત્વિક મનોરથ જેમણે સેવ્યો અને આજે એ મનોરથ મારી દ્રષ્ટિએ કલ્પના કરી હશે એના કરતાં સવાયો સિદ્ધ થયો છે. અથ તો સારું હતું જ ઈતિ અમને નેતિ તરફ લઈ ગઈ. આ બધું તલગાજરડાના ત્રિભુવન વટની છાયામાં થયું, અહીં શ્રદ્ધાથી મંચન થયું છે એટલે સાધુ તરીકે રાજી થયો છું.’ આ શબ્દોએ આ રંગ સંધ્યાની સાથે જોડાયેલા તમામ કલાકારો અને શ્રોતા-દર્શકોને જાણે સત્ય–પ્રેમ–કરુણાથી સ્નેહભીના કર્યા હતા.

‘રંગ સંધ્યા’ના આ ઉત્સવ નિમિત્તે પ્રેમ અને પ્રસન્નતાનું, ભજન અને ભક્તિનું, ઊર્જા અને ઊર્મિનું અનોખું અને ભાવવાહી વાતાવરણ સર્જાયું હતું. તમામ કલાકારોની પ્રસ્તુતિમાં એક કલાકાર તરીકેનો વિવેક તો હતો જ, એમણે નિજાનંદને પણ માણ્યો અને પૂજ્ય બાપુના સાન્નિધ્યમાં એમના રાજીપા સાથે પ્રસ્તુતિ થઈ રહ્યાની અનુભૂતિ પણ અભિવ્યક્ત થઈ.
પ્રથમ દિવસે રુદ્રિ ભટ્ટ અને રુદ્ર ભટ્ટની રંગ પૂજા બાદ મનોજ શાહ દિગ્દર્શિત અને ધર્મેન્દ્ર ગોહિલ અભિનિત નાટક ‘મરીઝ’ પ્રસ્તુત થયું હતું. આ પૂર્વે 14મી તારીખે જાણીતા વક્તાઓ સર્વશ્રી સુભાષ ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, ભાગ્યેશ જહા, દેવકી અને નેહલ ગઢવીએ ‘જીવનની આરપાર’ શિર્ષક હેઠળ વિચારોની આપ–લે કરી હતી. 15મીએ અભિનય બેન્કર દિગ્દર્શિત નાટક ‘વીજળી’ રજૂ થયું હતું. 16મીએ ભગીરથ ભટ્ટના સીતારવાદન બાદ નિસર્ગ ત્રિવેદી, અદિતિ દેસાઈ, દેવકી, ગૌરાંગ આનંદ, આદિત્ય ગઢવી, ભાર્ગવ પુરોહિત, હર્ષ ઠક્કર, નવીન કાદરી અને હેતલ મોદીએ ગુજરાતી વાર્તાઓનું વાંચન કર્યું હતું. 17મીએ રુદ્રિ ભટ્ટ, રુદ્ર ભટ્ટ અને શિવલ ત્રિવેદીની નૃત્ય પ્રસ્તુતિ બાદ ચિરાગ વોરા, અપરા મહેતા, સિદ્ધાર્થ રાંદેરિયા અને સરિતા જોષીએ સદાબહાર અભિનયના અંશો પ્રસ્તુત કર્યા હતા. નયન પંચોલીએ ગઝલ રજૂ કરી હતી. 18ના રોજ તેજલ પાઠકના ગાયન બાદ સૌમ્ય જોષી લિખિત–દિગ્દર્શિત નાટક ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને 19મીએ સૌમ્ય જોષી લિખિત–દિગ્દર્શિત નાટક ‘વેલકમ જિંદગી’ ભજવાયું હતું. 20મીએ જીતેન્દ્ર બાંધણિયા દિગ્દર્શિત અને હાર્દિક પાનસુરિયાના સહ દિગ્દર્શનમાં સત્ય–પ્રેમ–કરુણાના સંદેશ પર આધારિત ઓડિયો-વિઝ્યુઅલ શોની પ્રસ્તુતિ અંકિત ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. આ પ્રસ્તુતિમાં સત્ય–પ્રેમ–કરુણાને જીવી ગયેલા અને જીવી રહેલા વ્યક્તિત્વોના સંદર્ભો સાથે આ ત્રણેની અનુભૂતિ દર્શકોએ માણી હતી.
સત્ય માત્ર બોલવા માટે નથી... વ્યક્તિના જીવનમાં તમામ પાસાંમાં જીવન જીવવા માટે છે... પરમેશ્વરનું ખરું નામ જ સત્ય છે... પ્રેમની પાકટતા અનુભવવા હૃદયને નિર્મળ કરવું પડે... મહાભાવ તે પ્રેમભાવ, જે પ્રેમ તે ઈશ્વર... પ્રેમાશ્રિતને બદલાવની અપેક્ષા હોતી નથી, માત્ર સ્વીકાર હોય છે... આપણે કરુણાગ્રહી નહિ, કરુણાશ્રિત થવું જરૂરી છે... રામ સત્યરૂપ છે, કૃષ્ણ પ્રેમરૂપ છે, શિવ કરુણારૂપ છે.
આ અને આવા અનુભૂતિના શબ્દોથી સમગ્ર પ્રસ્તુતિ શ્રદ્ધા અને ભક્તિથી પ્રવાહિત થઈ હતી. પ્રસ્તુતિમાં રીટાબહેન ત્રિવેદી, કેદાર ત્રિવેદી, શીવલ ત્રિવેદી, શિવાંગી ભટ્ટ, રુદ્રી ભટ્ટ, રુદ્ર ભટ્ટ, નીલેશ ભટ્ટ, રાકેશ દવે, હર્ષા દવે, કુણાલ ઓઝા, અદિતિ ઓઝા અને આસ્થા તથા મિત્રાએ અભિનય અને અવાજના ઓજસ પાથર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના કરનાર રીટાબહેન ત્રિવેદી અને અંકિત ત્રિવેદી તથા તમામ સાથીઓને સહુએ ભાવપૂર્ણ અભિનંદન પાઠવ્યા હતા.
મોરારિબાપુના સાન્નિધ્યમાં નવરસનો ઉત્સવ અહીં જેમણે જેમણે જોયો-જાણ્યો-માણ્યો અને સૂર–શબ્દ–નૃત્યની અનુભૂતિ કરી એ તમામની આસપાસ રંગ સંધ્યાના અજવાળા રેલાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter