લક્ષ્મીજીની આંગળી પકડીને આદ્યશક્તિની મહાઆરાધના

અજવાળું અજવાળું

તુષાર જોશી Saturday 10th October 2020 07:38 EDT
 
 

‘અરે, એક વર્ષ ગ્રાઉન્ડમાં ગરબા ન રમ્યા તો શું થયું? આવતા વર્ષે બમણા જોરથી રમીશું...’ ચાહત બોલી.

‘મારા ડેડી ટોપ એફએમ રેડિયોમાં આરજે છે, તેમના રેડિયો દ્વારા ટેક-તાલી ૨૦૨૦નું આયોજન કરાયું છે. ઘરમાં ગરબા રમશું. વીડિયો મોકલશું ને મળે તો ઇનામોની મૌજ પણ લઈશું...’ સ્તુતિએ કહ્યું.
‘મને તો થાય છે કે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાનો અવસર મળ્યો છે આપણને...’ રૂદ્રીએ કહ્યું.
વાત એમ છે કે, આ વર્ષે ૨૦૨૦માં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા ગુજરાત સરકારે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના ને શેરી ગરબા, એમ બધા પર પ્રતિબંધ ફરમાવ્યો એની ચર્ચા સખીઓ-યુવતીઓ કરતી હતી. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબીની સ્થાપના કરીને આરતી કરી શકાશે, એ પણ તમામ નિયમોનું પાલન કરીને.
આ બધી વાતો સાંભળી રહેલી મોટી બહેન સોનુએ એક વાત કહી, ‘હવે આપણે સૌ સૌના ઘરમાં જ નવરાત્રી ઉજવાની છે તો સરવાળે કેટલા બધા પૈસાની પણ બચત થશે નહીં?’
‘તું બેન્કમાં કામ કરે એટલે પૈસા ગણે એ બરાબર છે, પરંતુ મને વિચાર આવે છે કે આ બચનારા પૈસાનું પણ આપણે કાંઈક પ્લાનિંગ કરીએ?’ ચાહતે કહ્યું.
બીજી મોટી બહેન ધ્વનિએ ટાપશી પુરાવતા ઉમેર્યું, ‘જૂઓ આપણે બધા સાથે મળીને, એક જોરદાર પ્લાન કરીએ...’ આમ કહીને જે પ્લાન નક્કી થયો એ શું હતો?
નવરાત્રી દર વર્ષે આવે એના બે મહિના પહેલાથી સામાન્ય રીતે ગુજરાતીમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં ત્યાં એના ધમાકેદાર આયોજની તૈયારીઓનો આરંભ થઈ જાય. નવરાત્રી નિમિત્તે આ વર્ષના લેટેસ્ટ ગરબા અને તેની બીટ્સને અનુરૂપ નવા સ્ટેપ્સ નવા-નવા થીમ આધારિત ગરબાની પ્રેક્ટિસ, એને અનુરૂપ પરંપરાગત અને આધુનિક વસ્ત્રો અને આભૂષણોની પસંદગી, વિવિધ સ્થળોએ ગરબે રમવા જવાની ટિકિટ કે પાસનું ગણિત, પાસ મેળવવા માટેની વિવિધ કોમ્પિટીશનોમાં વિજેતા થવાનો ક્રેઝ ને ગરબા રમવાનો - નાસ્તો કરવાનો ને મોજથી જલસાથી નવરાત્રિ ઉજવવાની...
પરંતુ ૨૦૨૦ની નવરાત્રી કાંઈક જુદી છે, જાતને કોવિડ-૧૯ના સંક્રમણથી બચાવવાની છે. પરિણામે ગરબાના આયોજનો જ નથી, માત્ર ઘરમાં જ ગરબા રમવાના છે અને ગુજરાતીઓ એને પણ ભરપૂર રીતે એન્જોય કરશે જ... ઘરમાં પણ એ ચકરડી-ભમરડી ફરશે જ... આવા વાતાવરણમાં કેટલાક ખેલૈયા નિરાશ થયા છે તો કેટલાક ખેલૈયા - જેમની વચ્ચેનો સંવાદ લેખના આરંભે લખ્યો છે તેઓ - જે છે તે પરિસ્થિતિને સ્વીકારીને તેમાંથી કાંઈક પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત કરી રહ્યા છે.
ધ્વનિએ અને એમના કઝીન્સના ગ્રૂપે પ્લાન બનાવ્યો એમાં એમણે પૈસાનું પ્લાનિંગ એવી રીતે કર્યું કે, એક વ્યક્તિના રોજના આટલા રૂપિયા સામાન્ય સંજોગોમાં ખર્ચ થાય, નવ દિવસના આખાયે ગ્રૂપના આટલા થાય... તો સરવાળે નવરાત્રી નિમિત્તે આ દીકરીઓના ગ્રૂપની સારી એવી રકમ બચતરૂપે એકઠી થાય.
એમણે ફોન કર્યા ઝલકને - વિશ્વાને - રાજવીને - શૈવીને - શ્રદ્ધાને અને છોકરાઓને પણ આ વાતમાં શુભ વિચારમાં જોડ્યા. પિયુષ, દેવાશીષ, અદિત, કવિશ, વૈભવ, સંયમ, આર્યમાન, શીવા, ધ્રુવ વગેરેને... બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે તેઓ વ્યક્તિગતરૂપે કોઈ એક એમાઉન્ટ સોનુની પાસે વર્ચ્યુઅલી જમા કરાવશે... અને પછી શું કરવાનું એ રકમનું?
એ રકમનો ઉપયોગ એમણે જ નક્કી કર્યા મુજબના, તેમના ઘરોની આસપાસના ગરીબ અને જરૂરતમંદ પરિવારોના બાળકો માટે દિવાળીના પર્વ નિમિત્તે વસ્ત્રો, મીઠાઈ, ભોજન, ભણવા માટે જરૂરી સ્ટેશનરી, પગરખા, નાસ્તો અને માસ્ક તથા સેનેટાઇઝર લાવી આપવા. એમને સામેથી જઈને સોશિયલ ડિસ્ટન્સ અને તેમનું સામાજિક સન્માન સાચવીને આ બધું એક કીટરૂપે આપવું...
ઘરના વડીલોએ એટલે કે અમારા મિત્રોએ આ વાત જાણી ત્યારે અમે વધુ રાજી થયા. એમની બચત બેન્કમાં અમે પણ થોડીક રકમ ઉમેરી આપવાનું કહ્યું. દીકરીઓ રાજી રાજી થઈ ગઈ. નવરાત્રીમાં ગરબા નહિ રમાય એ વાતનો અફસોસ કરવાના બદલે નવરાત્રીના દીવડાનો ઉજાસ, કોઈ જરૂરતમંદોના જીવનમાં પણ પથરાશે અને એમાં પોતાની આપકમાઈ અથવા પોતાની બચત કામ આવશે એ વાતનો એમને આનંદ હતો.
નવરાત્રી જેવો ઉત્સવ, જેમા મૂળરૂપે સ્ત્રીઓ, દીકરીઓ સૌથી વધુ જોડાયેલી હોય, એ નવરાત્રીમાં આ વર્ષે ગરબા નથી રમવાના તો કાંઈ નહીં, ‘જેવી માતાજીની ઇચ્છા...’ એવું માની માતાજીએ જ જાણે એમને પ્રેરણા આપી. આ નવરાત્રીમાં થનાર ખર્ચની સંભવિત રકમને યોગ્ય અને સાચા માર્ગે ઉપયોગ કરીને લક્ષ્મીને મહાલક્ષ્મીરૂપે પ્રવાહિત કરનાર આ દીકરીઓ ભલે ઉંમરમાં નાની છે, પરંતુ એમનામાં સાચ્ચે જ શક્તિસ્વરૂપા એવી આદ્યશક્તિનો અંશે ધબકે છે, માનું મમતામયી - કરુણામયી, પ્રેમમયી સ્વરૂપ જાણે વિલસે છે એવી પ્રતીતિ આ દીકરીઓએ કરાવી ત્યારે સાચ્ચે જ દીકરીઓમાં રહેલી સમજણના - ઉદારતાના દીવડા પ્રગટ્યા ને માનવીય સંવેદનાના અજવાળાં રેલાયાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter