‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન સમૃદ્ધ વિદ્વતા એમને માટે સહજ આદર જન્માવે...’ આ અને આવા પ્રેમપૂર્ણ, અર્થપૂર્ણ અને આદરપૂર્ણ વાક્યો જેમના માટે બોલાયા એ જોરાવરસિંહ જાદવ હવે આપણે વચ્ચે શરીરથી ભલે સાથે નથી રહ્યા, પરંતુ સ્મૃતિમાં તો તેઓ હંમેશા જીવંત રહેશે.
મારો એમની સાથે ત્રણેક દાયકાનો ઘનિષ્ઠ અને પારિવારિક પરિચય, પછીથી તો લોકકલાકારોના કાર્યક્રમોમાં મંચ સંચાલનનો અવસર પણ એમના આશીર્વાદ સાથે અનેકવાર મળ્યાનો સહજ આનંદ છે. જોરાવરસિંહ હંમેશા કહેતા કે, ‘જો ક્યારેક દેશમાં દુકાળ પડે તો બીજા દેશમાંથી જીવનજરૂરી અનાજ લાવી શકાશે, પરંતુ બીજેથી ક્યારેય સંસ્કાર કે સંસ્કૃતિ નહીં લાવી શકાય, એને તો આપણે જ સાચવવા અને સંવર્ધિત કરવા પડશે.’
જોરાવરસિંહ એટલે કસુંબલ રંગના સર્જક પણ ખરા અને એ રંગોના રંગછાંટણા સમાજ સુધી પહોંચાડનાર કલાકારોના પ્રેમી પણ ખરા. લોકવિદ્યા, લોકસંગીત, લોકકલાના મરમીરૂપે તેઓએ સાવ ગામડાગામમાં રહેતાં અને લોકકલાને સાચવતા કલાકારોને હીરાપારખુ ઝવેરીની જેમ પારખ્યા અને મહાનગરોના વિશાળ રંગમંચ પર એમની કલાને સ્થાન અપાવ્યું. કલાના માધ્યમથી એ કલાકારોને નામ-દામ રળાવી આપવામાં નિમિત્ત બન્યા.
જોરાવરસિંહ જાદવ માટે એમના ચાહકોનો અનહદ પ્રેમ રહ્યો છે અને રહેશે પણ ખરો. કોઈ એમને હરતીફરતી લોકજીવનની સંસ્થા કહે છે તો કોઈ વળી લોકસંસ્કૃતિના સંવાહક તરીકે ઓળખાવે છે. એમના જીવનકાળ દરમિયાન તેઓએ લોકકલા ક્ષેત્રે જે કાર્ય કર્યું છે તેને વંદન કરવા ગુજરાતના અમદાવાદ, ભાવનગર, આકરુ, લતીપુર જેવા અનેક ગામોમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને એમના હૃદયનો ભાવ શબ્દોથી - વાદનથી - નર્તનથી વ્યક્ત કર્યો હતો.
એમના વતનના ગામ ધંધુકા તાલુકાના આકરુમાં એમણે નિર્માણ કરેલ સંગ્રહાલય આવનારા સમયમાં લોકકલા અને લોકસંસ્કૃતિ માટે જાણવા માંગતા કે રિસર્ચ કરવા માંગતા લોકકલા પ્રેમીઓ – કલાકારો માટે એક મહત્ત્વનું સ્થાન બની રહેશે. લોકકલા માટે જીવન સમર્પિત કરનાર જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી સહિતના અનેક એવોર્ડઝ પણ મળ્યા હતા જે એમણે કરેલી આ ક્ષેત્રની કામગીરીનું ઉજ્જવળ પ્રતિક હતા. છ દાયકા કરતા વધારે સમય સુધી તેઓએ લોકના વિવિધ માધ્યમો સાથે કામ કર્યું, સૌથી વધુ પુસ્તકો લખ્યા, વિસરાતી જતી - લુપ્ત થઈ રહેલી કલાના કલાકારો અને કસબીઓને આર્થિક રીતે પગભર કરવા સતત પ્રયાસ કર્યાં. સંગઠન ઊભું કર્યું. વાદી, મદારી, નટ, બજાણિયા, ભાટ, કઠપૂતળી, ભવાઈ, તુરી વગેરે કલાકારો ઉપરાંત લોકવાદન અને લોકનૃત્યના, લોકગાયનના કલાકારોની પ્રસ્તુતિને તેઓએ વૈશ્વિક મંચ પૂરું પાડ્યું હતું. ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના 1978માં કરી ત્યારથી લઈને 2025ના વર્ષારંભે અમદાવાદમાં યોજાયેલા ત્રણ દિવસના લોકકલા મહોત્સવ સુધીના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય કલાકારોને તેઓએ મહાનગરો સુધી, મહાનગરોના લોકકલા પ્રેમીઓ સુધી પહોંચાડ્યા હતા.
લોકકલાના વિવિધ સ્વરૂપોને વધુ સંવર્ધિત કરનાર, એક નૂતન શિખર પર પહોંચાડનાર, લોકકલાના આરાધક તરીકે એમનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. એમણે લોકકલા ક્ષેત્રે કરેલા કાર્યો દ્વારા જે દીવડાંઓ પ્રગટાવ્યા છે, એમના અજવાળાં લોકકલા ચાહકો સુધી ફેલાતાં જ રહેશે.


