લોકડાઉન ભલેને રહ્યું, તમે સમયને રચનાત્મક અને પ્રોડક્ટિવ બનાવી શકો છો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 07th April 2020 11:35 EDT
 
 

મોટા ભાગના લોકો અત્યારે ઘરેથી કામ કરે છે. જેમને અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા હોવાને કારણે ઘરની બહાર જવું પડતું હોય તેમને બાકાત રાખતા બાકી કોઈએ જ ઘરથી બહાર નીકળવું જોઈએ નહિ. લોકડાઉન એટલે લોકડાઉન. તેનો ચુસ્તપણે અમલ કરવો આપણા સૌના, સમાજના અને માનવજીવનના હિતમાં છે. આ સમયે ઘરમાં રહીને લોકો કંટાળી ગયા હોય તેવું બને. ઓફિસનું વાતાવરણ ન હોવાથી ક્યારેક ઘરેથી કામ કરીને પણ થાકી જવાય. આ સમયે કેટલીક એવી બાબતો જે આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ તેની એક યાદી આપની સામે પ્રસ્તુત કરું છું. તમે તેમાં ઉમેરો કરીને પોતાનો ઘરે રહેવાનો સમય વધારે રચનાત્મક અને પ્રોડક્ટિવ બનાવી શકો છો.

૧) સમયપત્રક બનાવી લો: ઓફિસ ન જવાનું હોવાથી આરામથી ઉઠવાનું ન રાખવું. સવારે ઉઠવાનો, રાત્રે ઊંઘવાનો, જમવાનો, ઓફિસના કામનો, વગેરે સમય નિશ્ચિત કરી રાખો. જે લોકો ઓફિસે ન જતા હોય તેઓ પણ પોતાની રોજિંદી ક્રિયાઓ માટે એક સમયપત્રક બનાવી શકે છે.
૨) ખાવા પર નિયંત્રણ રાખો: ઘરે બેઠા બેઠા ખાવાનું મન કરે તે સ્વાભાવિક છે. મન કરે છે એટલા માટે નહિ પરંતુ જયારે ભૂખ લાગે ત્યારે જ ખાવ. પણ મનનો અને ભૂખનો તફાવત તો ક્યારેક એટલો પાતળો હોય કે આપણે ભરમાઈ જઈએ. એટલા માટે એવું કરી શકાય કે માત્ર ત્રણ સમય જ ખાવાનું છે તેવું નિશ્ચિત કરી લેવું. અને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં આપણી રોજિંદી પ્રવૃત્તિને આધારે કેટલા ખોરાકની જરૂર છે તે જોઈ લેવું. ઓવરઇટિંગ ન કરવું.
૩) વ્યાયામ, યોગ, પ્રાણાયામ વગેરે શરૂ કરવા: અન્યથા ન કરતા હોઈએ તો પણ હવે ઘરે બેસતા હોવાને કારણે આપણે સૌએ અનિવાર્યપણે વ્યાયામ, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના વગેરે જરૂર કરવા જોઈએ. દલાઈ લામાનું કહેવું છે કે પ્રાર્થનાથી સકારાત્મકતા કેળવાય છે અને તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગુસ્સો અને ઉદ્દવેદ આપણી ઇમ્યુનીટી ઘટાડે છે.
૪) કામના સમયમાં બીજી પ્રવૃત્તિ ન કરવી: મુવી જુઓ, સિરીઝ જુઓ, મ્યુઝિક સાંભળો કે મિત્રો સાથે વીડિયો કોલ કરો - જે ગમે તે કરો પરંતુ ઓફિસ પછી અને સમપ્રમાણમાં. કોઈ જ પ્રવૃત્તિનો અતિરેક ન કરવો. સમય મળ્યો છે એટલે પાંચ - છ કલાક નેટફ્લિક્સ જોવામાં બગાડવા નહિ.
૫) ઓફિસ સમય પૂરો થાય એટલે લેપટોપ બંધ કરી દેવું: જો કોઈ કામ બાકી ન હોય તો ઓફિસનો સમય પૂરો થાય એટલે લેપટોપ બંધ કરીને બીજી રચનાત્મક અને અંગત પ્રવૃતિઓમાં લાગી જવું જોઈએ. તેવું નહિ કરો તો ઓફિસ રાત સુધી ચાલ્યા કરશે અને એક કલાકનું કામ ચાર કલાક ખેંચાઈ જશે.
૬) નવી આવડત કેળવો: આ સમયનો ઉપયોગ કરીને કોઈ નવી પ્રવૃત્તિ શરૂ કરો. કોઈ નવી આવડત કેળવો. ઓનલાઇન કોર્સ કરો કે નવું પુસ્તક વાંચો. તેનાથી મગજને કસરત મળશે અને નકારાત્મકતા દૂર થશે. ઉત્સાહ અને આનંદના તરંગો ઉદભવશે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter