લોકનૃત્યોઃ આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો

તુષાર જોષી Saturday 11th February 2017 06:37 EST
 

‘અમારા પાસે સખત મહેનત સિવાય બીજું કાંઈ નથી... અમારે કામ જોઈએ. બહાનામાં અમને રસ નથી.’ આવું કોઈ કલાકાર કે સ્કીલ્ડ પર્સન કહે તો નવાઈ લાગે, પણ આ મુરબ્બી કલાકારે તો એમના બ્રોશમાં આ વાક્યો લખ્યા છે. 

મળવા જેવા એ માણસનું નામ છે ડાહ્યાભાઈ નકુમ. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયા એમનું ગામ. એમને કોઈપણ વ્યક્તિ સાત ટેલિફોન નંબરોથી ૨૪x૭ ગમેત્યારે સંપર્ક કરી શકે છે. એમની સંસ્થા આંબાવાડી કલાવૃંદ-જામખંભાળિયા ઈન્ટરનેશનલ લેવલે કાર્યરત છે, અને કલાકારો દુનિયાના કોઈ પણ પટમાં કાર્યક્રમ કરીને પાછા ધરતીની ધૂળમાં આવીને ખેતરમાં-ઘરમાં-કૂવે કામે લાગી જાય છે.

ધાંગ્રધા તાલુકાના રાજપર ગામે તાજેતરમાં એમની સંસ્થાની બહેનોએ કલાકૃતિ રજૂ કરી હતી. પ્રસંગ હતો નાજાભાઈ ઘાંઘર તથા ઘાંઘર પરિવાર આયોજીત લાખણેચી માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો. દોઢ દાયકાથી દેશ-વિદેશમાં લોકનૃત્યો રજૂ કરતા ભાવિન પટેલના પનઘટ કલાવૃંદ તથા વિસાવદરના ગ્રૂપે પણ લોકનૃત્યો રજૂ કર્યા હતા.

ડાહ્યાભાઈ એમની વાત માંડતા કહે છે કે, ‘૩૬ વર્ષ પહેલાં મેં વાડી-ખેતર-ગામડામાં રહેતા રહેતાં જોયું કે ગામની દીકરીઓ-બહેનો અને માતાઓ કૂવેથી, નદીએથી પાણી ભરી આવતી હોય, માથા પર બે-ત્રણ હેલ પાણી ભરેલી હોય, રસ્તામાં બહેનપણી મળી જાય તો અડધો કલાક વાત્યું કરે. મને પ્રશ્ન થતો કે આ બેડા પડતાં કેમ નથી? ક્યાંથી આવી સ્થિરતા આવે છે? ઉત્તર મળ્યો કે ગામડાંગામની આ મહિલામાં બેલેન્સ જાળવવાની અદભુત કલા સાહજિકપણે હસ્તગત છે. આ કળા ટ્યુશન ક્લાસમાં નહીં શીખી શકાય. આ કળાને જો રંગમંચ પર લઈ જવામાં આવે તો આખી દુનિયા દંગ રહી જશે. એ સમયે હું ગરબી મંડળ ચલાવતો હતો મેં એમાં પ્રયોગરૂપે ઈંઢોણી પર બેઠા સાથે ગરબા કરાવ્યા... લોકોને ગમ્યા. પછી ગ્લાસ ઉપર બેડા મૂકાવ્યા, પછી ગ્લાસ ઉપર થાળી મૂકીને ગ્લાસ મૂકીને ગરબા રમાડ્યા. લાકડાની ચોકડી બનાવી એમાં પાંચ જગ્યાએ બેડાં રાખ્યા તો પણ બહેનો ગરબા રમી. કલાકારોનો જયજયકાર થઈ ગયો. આજે આ બહેનો એકથી લઈને ૫૦૧ બેડાં માથે મૂકીને ગરબે રમે છે. એવી જ રીતે ૫૦૦ દીવડાનું મંદિર માથે લઈને આરતી-નૃત્ય કરે છે. પાંચ હજાર દીવડાની મહાઆરતી પણ બહેનો કરે છે. દાંડીયા રાસ - અઠીંગો રાસ - ટીપ્પણી - મટકી રાસ - લેઝીમ રાસ - નવરંગ ચુંદડી રાસ - ખીલા, તલવાર, કાચ કે અગ્નિ ઉપર પર પણ નૃત્ય કરે છે. હવે આ મંડળના કલાકારો પૂરા ૪ કલાકનો કાર્યક્રમ આપે છે.

ડાહ્યાભાઈ એમ. એસ. યુનિ. વડોદરાથી ૧૯૭૧માં એન્જિનિયર થયા છે. એમની બે પુત્રવધૂઓ નીતાબહેન અને જૈમિનીબહેન તથા દીકરી વૈશાલી અને વૈશાલીની દીકરી દામિની પણ સ્ટેજ પર ગરબા રમે છે. સમગ્ર કાર્યમાં ડાહ્યાભાઈને એમની પત્ની ડાહીબહેન સતત સાથ આપે છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ મહત્ત્વપૂર્ણ ફેસ્ટિવલ તથા કાર્યક્રમોમાં અને અન્ય ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓના કાર્યક્રમોમાં એમણે કલા રજૂ કરી છે. ભારતના અને વિશ્વના મહાનુભાવો અને કલાચાહકોએ એમની કલાને વખાણી છે. અનેક દેશોમાં તેમના કલાકારોએ ભારતની પ્રાચીન સમૃદ્ધ લોકકલાઓ અને ગ્રામ્ય લોકજીવનને ધબકતા રાખ્યા છે નૃત્ય દ્વારા.

•••

લોકજીવનનો ભાતીગળ અને મૂલ્યવાન કલાવારસો તથા ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સચવાયા છે લોકનૃત્યોમાં. લોકનૃત્યોમાં સ્ત્રીઓને સાહજિકપણે વરેલા સ્થિરતા, ધીરતા, વળોટ, લજ્જા અને પ્રસન્નતા તથા પુરુષોને સહજ પ્રાપ્ત જુસ્સો, સાહસ, હોંકારા-પડકારા અને લચક સચવાયા છે.

લોકનૃત્યો આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે અને ગામડાંગામની કે શહેરની દીકરીઓ જ્યારે આ વારસાને સ્ટેજ પર એના મૂળ સ્વરૂપે રજૂ કરે છે ત્યારે કલા અને સંસ્કૃતિના સંવર્ધનરૂપે જાણે દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.

ઃલાઈટ હાઉસઃ

આટલું બધું વજન અને કદ માથે રાખી તાલ અને લયમાં કેવી રીતે રમી શકાય?

એક વિદેશીને થયેલો પ્રશ્ન...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter