લોકસાહિત્ય શાશ્વત છે અને તેથી જ તે સાંપ્રત છે

તુષાર જોષી Saturday 30th March 2019 08:31 EDT
 

‘સાહેબ, ડીનરમાં ભલે થોડું મોડું થાય, અમારા સહુની ઇચ્છા છે કે આપ હજી પંદરેક મિનિટ વાતો કરો, અમારે આપને વધુ સાંભળવા છે.’ આ વાતને શ્રોતાઓએ પણ વધાવી અને વક્તાએ વધુ પંદર મિનિટ મૂળ વિષયની વાત કરી...

વક્તા હતા ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી - લેખક અને વક્તા વી. એસ. ગઢવી. અમદાવાદ–ગાંધીનગરના સૂર-શબ્દ પ્રેમીઓ સમક્ષ તેઓ ‘ઝવેરચંદ મેઘાણીની સરવાણી’ વિષય પર વાતો કરી રહ્યા હતા. જેમના રુંવે રુંવે લોકસાહિત્યનો વૈભવ છે અને જેઓ લોકસાહિત્યના જાણતલ છે એવા અભ્યાસુ વક્તા દ્વારા અપાયેલા એકાદ કલાકના પ્રવચન બાદ પણ શ્રોતાઓને હજી ઇચ્છા હતી કે ગઢવીસાહેબ લોકસાહિત્ય પર વધુ વાત કરે અને એટલે જ યજમાન અને શ્રોતાઓની વિનંતી એમના સુધી પહોંચાડાઇ હતી. ઉપસ્થિત શ્રોતાઓએ રસપૂર્વક અને મન ભરીને એમની વાણીમાંથી પ્રગટતી લોકસાહિત્યની સરવાણીને ઝીલી હતી. એક એક શબ્દ જાણે વાસંતી ફૂલોની સુગંધ પ્રસરાવી રહ્યો હતો અને શ્રોતાઓ લોકજીવનની માર્મિક વાતોથી તરબતર થઈ રહ્યા હતા. અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર રહેતા અને ગાંધીનગરમાં આંખની હોસ્પિટલ ધરાવતા લોકપ્રિય અને કલાપ્રેમી આંખના સર્જન ડો. તેજલ દલાલ આ અવસરના યજમાન હતા. તેમણે વી. એસ. ગઢવીને એકાદ-બે કાર્યક્રમોમાં લોકજીવન ઉપર બોલતા સાંભળ્યા ત્યારથી મનમાં એક મનોરથ હતો કે કોઈ કારણ વિના, માત્ર નિજાનંદ માટે એક વાર એમના પ્રવચનનું આયોજન કરવું છે. લોકજીવન-લોકગીત અને ઝવેરચંદ મેઘાણી પ્રત્યેના ભાવને વ્યક્ત કરવા નિમંત્ર્યા હતા ગઢવીસાહેબને પોતાના આંગણે... સમગ્ર આયોજનની વ્યવસ્થા અને રસ ધરાવતા શ્રોતાઓને નિમંત્રિત કરવાના કાર્યમાં એમની સાથે જોડાયું ગાંધીનગરનું કલા-સંસ્કૃતિ માટે સમર્પિત દંપતી આશાબહેન સરવૈયા અને જયરાજસિંહ સરવૈયા. પરિણામે શ્રોતાઓમાં પણ કલાકારો - કવિઓ – લેખકો - તબીબો - પત્રકારો અને વિધવિધ ક્ષેત્રના કલાનુરાગી વ્યક્તિત્વો સહદયતાથી આવ્યા હતા.
કાર્યક્રમ સંચાલક માર્ગી હાથીએ સરસ અને સાહજિક આવકાર સાથે વસંતભાઇ ગઢવીને નિમંત્રિત કર્યા અને ગઢવી સાહેબે સહજ – સરળતાથી વાત માંડી. એક કલાક ક્યાં પસાર થયો એનો કોઈને ખ્યાલ પણ ન રહ્યો.
ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રસંગો, તેમની સર્જકતા સાથે જોડાયેલી ઘટનાઓ, ગાંધીજી અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર સાથેના તેમના સંસ્મરણો, દુલા ભાયા કાગે લખેલી મેઘાણી માટેની રચનાઓ, મેઘાણીભાઈના પ્રવાસો અને લોકસંપર્ક, એમની સર્જનશીલતાનો વ્યાપ અને આવી આવી વાતો અસ્ખલિત પ્રવાહરૂપે વહેતી રહી, શ્રોતાઓ આનંદપૂર્વક ઝીલતા રહ્યા... સંપૂર્ણ વાતાવરણ જાણે મેઘાણીમય બની ગયું.
‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ રચના વિશે પણ વાત થઈ. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધી ચિંતિત હતા, દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહિ સ્વીકારે, અપમાન સહન કરવું પડશે. ગાંધીજીની આ વ્યથાનું ગીત ઝવેરચંદ મેઘાણીએ લખ્યું અને ઉપડતી સ્ટીમરે ગાંધીજીને પહોંચાડ્યું. વાંચીને મહાત્મા બોલ્યા હતા ‘મારી હાલની સ્થિતિનું આમાં સચોટ વર્ણન છે.’
ગઢવીસાહેબે ઝવેરચંદ મેઘાણીના અમદાવાદના એક પ્રવચનનું સ્મરણ કહ્યું હતું, જેમાં મેઘાણીએ કહ્યું હતું કે, ‘લોકસાહિત્ય શાશ્વત છે અને તેથી જ તે સાંપ્રત છે અને તેનું સ્મરણ કરવું ગમે છે.’ તેઓએ એક પ્રસંગનો ઉલ્લેખ કરી કહ્યું કે મેઘાણીભાઈ બગવદર ગયા હતા. જમવા માટે બેસાડ્યા. પાટલો ઢાળ્યો. એમણે પાટલો ખસેડી દીધો અને કહ્યું કે રાંધનાર બહેન નીચે બેસે તો ખાનારને પાટલા ઉપર ન બેસાય... આવું ઋજુ વ્યક્તિત્વ હતું મેઘાણીભાઈનું. પછી બીજા દિવસે એમને બીજા ગામ જવાનું હતું તો એમના માટે ગાડાની વ્યવસ્થા કરી હતી. મેઘાણીભાઈએ કહ્યું કે ‘એક જીવંત અને સ્વસ્થ જીવ બીજા જીવંત અને સ્વસ્થ જીવ ઉપર પોતાનો બોજો કેવી રીતે નાખે? હું ચાલતો જઈશ... આવો માનવતાપૂર્ણ વ્યવહાર એમનો હતો.’
અઢી દાયકામાં અનેક મુશ્કેલીઓ વેઠીને મેઘાણીભાઈએ લોકસાહિત્યનું જે ખેડાણ કર્યું એને એ દિવસે સહુએ ખૂબ યાદ કર્યું. લોકસાહિત્યમાં રૂચિ ધરાવનારા - લોકજીવનને પ્રેમ કરનારા આવા લોક જ્યાં અને જ્યારે જ્યારે ભેગા થઈને ‘લોક’ના થઈને જીવે ત્યારે લોકજીવનના અજવાળા રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter