વંચિત પરિવારો માટે આશીર્વાદરૂપ સમૂહ લગ્નોત્સવ

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 29th January 2018 06:48 EST
 

‘આ દીકરીઓ ગરીબ છે, આપણે થોડાં ગરીબ છીએ..? આ વાક્યો મેં મારી જાતને કહ્યા અને સમૂહ લગ્નનું કામ ઉપાડ્યું.’ આ શબ્દો તાજેતરમાં ઉચ્ચાર્યા હતા જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે.

અવસર હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના પોંઢા ગામની નજીક યોજાયેલા સમૂહ લગ્નોત્સવનો. પૂ. શરદભાઈ વ્યાસની પ્રેરણાથી આ સમારોહ સાંઈ ગાર્ડનમાં સમભાવ સત્સંગ પરિવાર દ્વારા આયોજિત કરાયો હતો. ૫૧ નવયુગલો આ લગ્નમાં જોડાયા હતા. પરંપરાગત-શાસ્ત્રોક્ત વિધિથી આખ્ખી યે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આસપાસના ગ્રામજનો, દેશ-વિદેશથી પધારેલા મહાનુભાવો અને સાધુ-સંતોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ઉત્તમ વ્યવસ્થા વચ્ચે સાજન-માજન અને જાનૈયા કે માંડવા પક્ષના લોકોમાં લગ્નનો ઉત્સાહ અને ઉલ્લાસ ઊડીને આંખે વળગતા હતા. વરરાજાના દોસ્તારો અને વહુની સખીઓ વચ્ચે થતી મજાક-મસ્તી અને મંદ મંદ હાસ્યના વાતાવરણમાં એમ કહો કે જાણે મેળો જ ભરાયો હતો.
મૂળ આ વિસ્તાર આદિવાસી લોકોનો. એટલે આર્થિક સમૃદ્ધિ બીજા જિલ્લા કરતા ઓછી. એમાં પણ ગરીબ અને નિરાધાર પરિવારો કે જેમના મા-બાપ ગુજરી ગયા હોય તેમના પરિવારની દીકરીઓ માટે લગ્નનો ખર્ચો એ તો સપનામાં પણ વિચારી ન શકે એવી ઘટના હોય છે. આવા પરિવારોની દીકરીઓની ઉંમર પછી વધતી જાય અને લગ્ન કરવા એ એક પ્રશ્ન બની જતો હોય છે.
ભાગવત કથાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં વિચરણ કરતા રહેતા શ્રી શરદભાઈ વ્યાસનું મૂળ વતન તો મહુવા (સૌરાષ્ટ્ર) છે. પરંતુ વર્ષોથી તેઓ ધરમપુરમાં સ્થાયી થયા છે. અહીં તેઓએ આશ્રમ પણ સ્થાપ્યો છે. એમના શ્રોતાઓ-ભક્તો અને ભારતીય સંસ્કૃતિના પ્રેમી દાતાઓના સહકારથી તેઓએ આ વિસ્તારમાં સામાજિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક વિકાસના અને કાર્યો કર્યાં છે. આ કાર્યો કરીને તેઓ આનંદ પામે છે. ‘દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે.’ના સૂત્રને તેઓ આત્મસાત્ કરવામાં માને છે. તેથી જ જ્યારે તેઓએ આ વિસ્તારની લગ્નઈચ્છુક અને ઉંમરલાયક દીકરીઓના લગ્નની વાત જાણી ત્યારે તેઓએ સમૂહ લગ્નોત્સવનો વિચાર અમલમાં મૂક્યો.
દાતાઓનો સહકાર મળ્યો. સ્થાનિક નગરજનો સેવામાં જોડાયા અને જે જે પરિવારોના સંતાનો ઉંમરલાયક હતા અને પરણવાના હતા તેમને સાથે લઈને ૫૧ સમૂહ લગ્નનું આયોજન કર્યું. તાજેતરમાં સતત ચોથા વર્ષે તેઓએ આ આયોજન કર્યું ત્યારે એટલો મોટો પ્રતિસાદ મળ્યો કે દાતાઓએ એમ કહ્યું કે હવે પછી ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન કરવા હોય તો તેમાં પણ અમે સહકાર આપીશું.
સમૂહ લગ્નમાં જેને આણાની ચીજવસ્તુઓ કહેવાય એવી મહત્ત્વની વસ્તુઓ પણ પસંદ થઈ ત્યારે શ્રેષ્ઠ વસ્તુઓની જ પસંદગી કરવાનો આગ્રહ રખાયો. આમ આ દીકરીઓને એવું જ લાગે કે જાણે તેમના પરિવારના સભ્યો જ લગ્ન કરાવી રહ્યા છે તેવી લાગણી પણ આપી, સામાજિક જવાબદારી પણ નિભાવી.
ગુજરાતી-હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડે આશીર્વચન આપતા કહ્યું કે શરદભાઈ આવા સુંદર કાર્યો કરે તે માટેની પ્રેરણા કૃષ્ણ જ એમને આપી રહ્યાં છે. દીકરીઓના ચહેરા પર આનંદ-ઉમંગ અને ઉલ્લાસ જોવા ત્યારે એક ઉત્તમ સામાજિક કાર્યોમાં સહભાગી બન્યાનો આનંદ અનુભવ્યો.

•••

પૈસો કમાવો અને તેને સાચી દિશામાં પ્રવાહિત કરીને તેને મહાલક્ષ્મી સ્વરૂપ આપવું આ બંનેમાં ફેર છે. સમાજમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ માનવીને દીકરીના લગ્નનો ખર્ચ એટલો ભારે પડતો હોય છે કે એની જિંદગીની સઘળી કમાણી એમાં નાખે તોયે ઓછી પડે.
આવા સમયે સમાજની ચિંતા કરનારા લોકો, ધર્મજગતના અને અન્ય જગતના મહાનુભાવો આવા સમૂહ લગ્નમાં જોડાય છે ત્યારે અનાયાસે આવી દીકરીઓના કે દીકરાઓના પરિવારની ચિંતા હળવી થાય છે. એમના લગ્નજીવનનો આનંદ બેવડાય છે.
સમૂહ લગ્ન આવા પરિવારો માટે જ નહીં, આર્થિક રીતે પહોંચી વળે એવા પરિવારો માટે પણ ઉત્તમ માધ્યમ છે અને આવા સેવાના કાર્યો થતાં જોવા મળે ત્યારે સેવાના દીવડા ઝગમગે છે ને અજવાળું રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter