દાસી જીવણનું બહુ જાણીતું ભજન છેઃ
અજવાળું અજવાળું
મારે અજવાળું રે
ગુરુ આજ તમ આવે
મારે અજવાળું રે...
આ શબ્દોમાં રહેલી સુરતાનો અનુભવ ગુરુશરણમાં પળપળ થયો છે. અજવાળું ઝીલાયું છે. ગુરુકૃપાનો અનુભવ અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ હોય છે, એક જ વ્યક્તિની નિષ્ઠા ગુરચરણે હોય ત્યારે એ એક જ શિષ્યને પણ સમયે સમયે જુદી જુદી અનુભૂતિ હોઈ શકે. કોઈને આધ્યાત્મિક જ્ઞાન મળે, કોઈની સમજણ વિકસે, કોઈની આત્મજાગૃતિ વધે, કોઈને શાંતિ મળે, કોઈનું મન સ્થિર થાય, કોઈને હાસ્યની તો કોઈને અશ્રુની અનુભૂતિ થાય.
ગુરુકૃપા હોય તો દુઃખો કે પ્રશ્નો આવે નહીં એવું નહીં, પરંતુ એને સ્વીકારીને આગળ વધવાનો સકારાત્મક વિચાર અનુભવાય છે. ગુરુકૃપા હોય તો ઊજાગરો જાગરણમાં પરિવર્તિત થતો અનુભવાય છે. આપણે ત્યાં પ્રાચીન ભજનવાણીના હોય કે આજના કવિના હોય, ગીત – ગઝલ – દોહા - સાખીમાં ગુરુમહિમાના ગુણ ગવાયા છે. એ શબ્દો સાચા અર્થમાં અજવાળાં પાથરે છે. ભાણ સાહેબ લખે છે,
સતગુરુ મળિયા સ્હેજમાં,
જેણે સતનો શબદ સુણાયો,
ચોરાશીનો રાહ ચુકાવી,
અખંડ ધામ ઓળખાયો...
ગુરુકૃપા થાય તો મનને કોઈ ખંડિત થનારી વસ્તુમાં કે વારસામાં મોહ નથી રહેતો, જરૂરિયાત હોય એ વાત જુદી છે, મોહ – માયા શિષ્યને બાંધતા નથી. ગુરુકૃપા અખંડ જે કાંઈ છે એની સાથે શિષ્યને જોડે છે એ જ રીતે ગુરુકૃપા મર્યાદિત જે કાંઈ પણ છે એનાથી ધીમે ધીમે મુક્ત કરે છે અને અમર્યાદિત - અનહદના નાદ સાથે જોડે છે. પછી ઘોંઘાટ વચ્ચે પણ મધુરતાનો સૂર ઝીલાય છે, જીવાય છે. જે છે એમાં પર્યાપ્ત આનંદની અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. ગુરુકૃપા શિષ્યને ખોટા અભરખાનો ભાર ઉતારવાની દિશામાં ગતિ કરાવે છે. ગુરુકૃપા થાય તો શિષ્યની યાત્રા અભરખાથી બેરખા સુધી લઈ જાય છે. આંગળીઓ બેરખા પર ફરતી જાય અને નામ સ્મરણ થતું જાય. ધીમે ધીમે ઉચ્ચારથી થતાં જપ મૌપ સાથેના અજપા જપમાં પરિવર્તિત થઈ જાય છે. ગંગાદાસ મહારાજનું એક પ્રાચીન ભજન છે,
ગુરુ ચાર વેદની બોલ્યા વાણી રે,
તેમાંથી અક્ષર લીધો જાણી રે,
ગુરુના મુખમાં રે, ગુરુના વચનમાં રે,
સુરતા સમાણી રે...
કેવી સુચક – મર્મભેદી અને અર્થપૂર્ણ અનુભૂતિ આ શબ્દોમાં વ્યક્ત થઈ છે. ગુરુના વચનમાં જ સુરતા સમાયેલી છે અને એટલે કોઈ અપેક્ષા વિના, કોઈ હેતુ વિના બસ, આ જ કોઈ કારણ વિના ગુરુના દ્વારે, એમના સાંનિધ્યમાં થોડો સમય વિતાવવા જઈએ ત્યારે ગુરુકૃપાનો જે અનુભવ થાય એ શબ્દમાં વ્યક્ત ના થઈ શકે.
અષાઢ મહિનો શરૂ થાય, સુર્યનારાયણને આવરી લેતાં કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોય, ચૈતર – વૈશાખના તાપથી ત્રસ્ત અને તપેલી ધરતીને અને માનવ મનને ક્યારે મેઘ વરસે એની પ્રતિક્ષા હોય, મેઘવર્ષા થાય ને બધે જ પુલકિતતા ને પ્રસન્નતા પ્રગટે. એ જ વાતાવરણમાં આવે અષાઢ સુદ પૂનમ, ગુરુપૂર્ણિમાનો ઉત્સવ.
મેઘવર્ષા પછી વાત્સલ્ય વર્ષાનું, અધ્યાત્મ વર્ષાનું પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુ-શિષ્યની પરંપરાનો ભાવપૂર્ણ ઉત્સવ. મારી શ્રદ્ધાની ભૂમિ પર ગુરુપૂર્ણિમાના અવસરે જવાનું અનેકવાર થયું છે, એ સિવાયના દિવસોએ જવાનું થાય ત્યારે ગુરુકૃપાથી એટલી જ જીવંતતાનો અનુભવ થયો છે જેટલો ગુરુપૂર્ણિમાના દિવસે થયો હોય. સતગુરુ, જેના સાંનિધ્યમાં સહજ મૌનની, પ્રેમના અશ્રુની અનુભૂતિ ઝીલાય, જેના સાનિધ્યમાં આનંદના અજવાળાં રેલાય.