વિનાકારણ મળ્યા ને જામ્યો મનપાંચમનો મેળો

તુષાર જોષી Monday 07th August 2017 08:25 EDT
 

‘કોઈ ખાસ અવસર છે..?’ ‘કોઈ નવી જાહેરાત થવાની છે?’ ‘કોઈ વ્યક્તિ વિશેષ આવવાના છે?’

આવો એક પણ સવાલ એ દિવસે એક ગેધરિંગમાં ઉપસ્થિત પૈકીના એક પણ વ્યક્તિને થતાં ન હતા કારણ કે આ રીતે દર વર્ષે આમ જ કારણ વિના કે નાનકડા કારણોને અવસર બનાવવાના સી. બી. પટેલના પ્રેમપૂર્ણ સ્વભાવથી સહુ પરિચિત હતા.
આમ જૂઓ તો કોઈ પ્રસંગ કે ઘટના હતી જ નહીં, દર વર્ષે આ રીતે બ્રિટનથી સી. બી. પટેલ ભારત આવે ત્યારે એમના રોકાણ દરમિયાન એક વાર પારિવારિક-વ્યાવસાયિક-સામાજિક ક્ષેત્રના મિત્રોનો મેળાવડો કરે એવો જ આ અવસર હતો. ‘મન મળે ત્યાં મેળો...’ ગીતની પંક્તિની જેમ જેમની સાથે દાયકાઓથી મન મળ્યા હતા એવા સ્વજનોને બોલાવ્યા હતા અને સહુએ એક સાંજ સંબંધોના સરવાળાથી સભર કરી હતી, ઉપસ્થિતોએ અમદાવાદમાંઃ
બ્રિટનમાં રહેતી મૂળ સુરતની દીકરી નીતિ કમલ રાવ, અમદાવાદના ગાયિકા માયા દીપકના સુપુત્ર કુંજન પંચાલ, વડોદરાની દિશીતા મનીષ રાજપૂત અને અમદાવાદની બ્રિન્દા પરમારે શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ બદલ સ્વજનોના હસ્તે એમનું સન્માન કરાયું.
પત્રકારદંપતી તુષાર અને ખુશાલી દવે, પ્રિન્ટ મીડિયામાં કાર્યરત વિક્રમ અને ખ્યાતિ નાયકને એમના લગ્નજીવનના આરંભે મંગલ ગૃહસ્થજીવનના આશીર્વાદ અને શુભકામના અપાયા તો અમદાવાદની જ કોમ્પ્યુટર એન્જિનિયર ધ્વનિ જોષીના વેવિશાળ પિયુષ શર્મા સાથે થતાં તેમને પણ પારિવારિક અવસરે શુભકામના પાઠવવામાં આવી. વિશ્વેશ આચાર્યને ત્યાં પુત્રજન્મ થયાના વધામણારૂપે એને પણ આશીર્વાદ અપાયા.
ગુજરાતના પીઢ પત્રકાર અને રાજકીય-સામાજિક ક્ષેત્રના અભ્યાસુ શ્રી ભૂપતરાય પારેખની સેવાઓનું સ્મરણ કરીને એમને પણ આદરપૂર્વક સન્માનિત કરાયા. પારિવારિક સ્વજન અને દાયકાઓ જૂના મિત્ર શ્રી જયસુખભાઈ મહેતા અને શ્રીમતી મધુબહેન મહેતા તથા એવા જ દાયકાઓ જૂના મિત્ર મૂળ ચરોતરના, પણ હાલ અમદાવાદમાં વસતા રાજેન્દ્ર પટેલ અને શ્રીમતી જયશ્રીબહેન પટેલનું પણ સ્વાગત-સન્માન થયું.
જાણીતા ઈતિહાસવિદ્દ, લેખક અને પત્રકાર તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું કે આવી ઘટનાઓ થકી જ પ્રેમમય વિશ્વ સર્જાતું હોય છે.
ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના ગુજરાતી લોર્ડ નવનીત ધોળકીયા અને લેડી એને આ અવસરે ઉપસ્થિત હોવાનો આનંદ વ્યક્ત કર્યો. ગુલાબરાય પારેખ સહિતના અનેક સ્વજનો-પ્રિયજનો એવા હતા જેઓ ઓછામાં ઓછા બે દાયકાથી લઈને પાંચ દાયકા સુધીના પ્રેમપૂર્ણ સંબંધોને જીવ્યા હતા અને એ પ્રેમને વશ થઈને જ ખાસ આવ્યા હતા. સી. બી. પટેલ જે રીતે સહુની સાથે આત્મીયતાથી વાતો કરતા હતા લાગતું હતું કે એક એક વ્યક્તિ સાથેનો એમનો સંવાદ જાણે મધમીઠો કાઠિયાવાડી ડાયરો છે. ચોમાસાની મોસમમાં સહુ લાગણીની ભીનાશથી તરબતર થઈને છુટા પડ્યા હતા.

•••

સાવ સામાન્ય લાગતી ઘટના કે પ્રસંગોને નિમિત્ત બનાવીને, એને વળી એક મણકારૂપે માળામાં પરોવીને જ્યારે આવી રીતે મિલન સમારોહનું આયોજન થાય ત્યારે એક નોખી જ હકારાત્મક ઊર્જા આસપાસ અનુભવાતી હોય છે.
કોઈ કારણ વિના, બસ મળવાનું મન થયું અને મેળો ઊભો કરી દીધો! સહુની સાથે વાતો કરી, હસ્યા, ભેટ્યા, આનંદ કર્યો, ભોજન કર્યું અને મોજથી થોડાક કલાકો જીવી ગયા. આનાથી રૂડો, વધારે સારો કયો અવસર માણસના જીવનમાં હોઈ શકે?
સુખ-આનંદ-પ્રેમ-વાત્સલ્ય જેવી સંવેદનાઓ વહેંચવાથી સતત વધે છે અને પરિણામે એ ફેલાવનારને પણ સતત આનંદ આપે છે. આવી ઘટનાઓ આપણા જીવનમાં બનતી રહે એ જરૂરી છે અને આવું થાય છે ત્યારે મૈત્રીના-પ્રેમના સંબંધોના અજવાળાં રેલાય છે.

ઃલાઈટ હાઉસઃ
ભેટ (ભૌતિક કે લાગણીરૂપે) અને શુભકામના આપતા રહેવું અને સ્વીકારતા પણ રહેવું, એનાથી આનંદની અનુભૂતિ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter