વેદના જ્યારે બને છે પરમાર્થ માટેની સંવેદના

તુષાર જોષી Sunday 10th December 2017 06:50 EST
 

‘મારે ડોક્ટર થવું છે’ તેજલ શંકરભાઈ સંગાડાએ કહ્યું. ત્યાં વળી બાજુમાં બેઠેલી મીનાક્ષી ભરતભાઈ ડામોર કહે, ‘મારે બહુ ભણવું છે ને પછી શિક્ષક થઈને છોકરા-છોકરીઓને ભણાવવા છે.’
આ બંનેની જેમ જ અહીં આવેલા શબનમ, શેખ, રાહીલ, જીવા, આયેશા ગાંડા, પૂજા સુમરા, જીજ્ઞા સોલંકી, ઉર્વશી ગોહિલની આંખોમાં પણ એમની ઊજળી શૈક્ષણિક કારકિર્દીના સપનાં દેખાઈ રહ્યા હતા.
તમામ દીકરીઓ હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધીના અભ્યાસમાં જોડાયેલી છે.
અવસર હતો અમદાવાદમાં કવિતા મહેતા ફાઉન્ડેશનના લોન્ચિંગનો. અમદાવાદ શહેરના ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા જેકી શ્રોફે ફાઉન્ડનેશનનો આરંભ કરાવ્યો હતો. ઉપર ઉલ્લેખ કરાયો તે તમામ દીકરીઓને દત્તક લઈને એમના અભ્યાસ અને તેમની કારકિર્દી ઘડતરની જવાબદારી અહીં લેવામાં આવી હતી. ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે દાયકાઓની સુદીર્ઘ કારકિર્દી ધરાવતા શ્રી જયદીપભાઈ મહેતા દ્વારા એમની પત્નીની સ્મૃતિમાં આ ફાઉન્ડેશનનો આરંભ કરાયો છે.
શ્રીમતી કવિતા મહેતા એક ઉમદા વ્યક્તિત્વ હતું. એમના જીવન પર નજર માંડતા જણાય છે કે એમણે પોતાના સપનાં વાવીને બીજાને રાજી કરવાનો હંમેશા પ્રયાસ કર્યો હતો. પોતાનો પરિવાર અને પછી બૃહદ સમાજને એમણે અનહદ પ્રેમ-વાત્સલ્ય આપ્યા. લાગણી અને વાસ્તવિક્તાને તેઓ સંતુલિત કરી શકતા હતા. લાગણી-માહિતી અને જાણકારી-સર્જનાત્મક્તા-હકારાત્મક ઊર્જાથી સભર વ્યક્તિત્વ અને કાર્યો રહ્યા હતા કવિતાબહેનના, એમ જયદીપભાઈ સ્મરણ કરે છે.
કવિતા મહેતા ફાઉન્ડેશન શરૂ કરવા પાછળનો હેતુ પણ સમાજમાં પ્રેમ-વાત્સલ્ય-શુભત્વ-સદભાવ-પોઝીટીવિટીનો વ્યાપ વધે એ જ છે. વિશેષ કરીને દાતાઓના સહયોગથી આર્થિક રીતે જરૂરિયાતમંદ દીકરીઓના અભ્યાસ ઉપરાંત એમના સર્વાંગી વિકાસની ખેવના થશે. સમાજમાં સ્વતંત્રરૂપે આર્થિક રીતે સમૃદ્ધ બને ત્યાં સુધી કાળજી લેવાશે. આ માટે વિવિધ વિષયો પરના સેમિનાર તથા તાલીમ કાર્યક્રમો પણ યોજાશે. Unite with us and see the unseen સૂત્રને સાર્થક કરવાનો નમ્ર પ્રયાસ શરૂ કર્યો છે કવિતા મહેતા ફાઉન્ડેશને.
જયદીપભાઈના દીકરા ધ્રુવીન અને દીકરી સલોની સમાજની જરૂરિયાતમંદ બાળકીઓના ઊજ્જવળ ભવિષ્ય માટે વિશેષ રસ લઈ રહ્યા છે. એમને કવિતાબહેનના મમ્મી ભાવનાબહેન પરીખ અને પપ્પા જગદીશભાઈ પરીખ તથા પરિવારનો સપોર્ટ મળી રહ્યો છે.
હિન્દી ફિલ્મોમાં ચાર દાયકાની કારકિર્દી ધરાવનાર ગુજરાતનું ગૌરવ એવા કલાકાર જેકી શ્રોફે પોતાની લાગણી વ્યક્ત કરતા આ પ્રસંગે કહ્યું હતું કે જયદીપભાઈ અને તેમના પરિવારે ખૂબ સરસ કાર્યનો આરંભ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘હું પોતે ઓછું બોલીને વધુ કામ કરવામાં માનું છું.’ આમ કહીને તેઓએ કાર્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હંમેશા સાથે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે દીકરીઓને દત્તક લેવામાં આવી હતી તેમની સાથે સંવાદ કરીને જેકી શ્રોફે દીકરીઓને રાજી કરી દીધી હતી. દીપ પ્રગટાવતી વખતે બૂટ કાઢવામાં, સ્ટેજ પર વારંવાર આવતી વખતે સ્ટેજને નમન કરવામાં અને સ્ટેજ પર વેરાયેલી ગુલાબની એકાદ-બે પાંખડીઓને વીણી લેવામાં જેકી શ્રોફમાં રહેલી સરળતા અને શાલીનતાના દર્શન થયા હતા. ગાયક કલાકાર દેવાંગ પટેલે પણ કવિતાબહેનના માનવતાના ગુણોનું સ્મરણ કર્યું હતું.

•••

સ્વજનના મૃત્યુના દુઃખમાંથી બહાર આવીને, વેદનાને પરમાર્થ માટેની સંવેદનામાં પરિવર્તિત કરવાનું પુણ્યકાર્ય કરનારા લોકો ધન્યવાદને પાત્ર છે. જનાર વ્યક્તિના આદર્શો અને અરમાનો આગળ વધારવા, સમાજના જરૂરિયાત વર્ગને સપોર્ટ કરવો એ ભાવના જ્યાં જ્યાં જ્યારે જ્યારે જોવા મળે ત્યારે દિશામાં શુભત્વનો પ્રવાહ વહે છે.
દીકરીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરવી, એમના સપનાં પૂરાં કરવામાં નિમિત્ત બનવું, એમને સમાજમાં આર્થિક રીતે સદ્ધર બને અને કારકિર્દી નિર્માણ કરે તે માટે સતત હૂંફ આપવી એ ઉત્તમ કાર્ય છે અને આવું કાર્ય જ્યારે થાય ત્યારે આસપાસ અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

કોઈના સપનાં પૂરાં થતાં જોવાનો ને એમનો સહારો આનંદથી સભર જોવાનો અનુભવ શબ્દાતીત હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter