વૈશ્વિક ગ્રંથ - ભગવદ્ ગીતા

તુષાર જોશી Tuesday 10th May 2016 14:29 EDT
 

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’
વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.
અમદાવાદ શહેરનો ઉલ્લેખ થાય એટલે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’નો પ્રસંગ યાદ આવે. ત્યારથી શરૂ થયેલી આ શહેરની સફર આજે આધુનિકતા અને પરંપરાનો સમન્વય સાધીને વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી રહેલા મહાનગર અમદાવાદ સુધી પહોંચી છે.
અમદાવાદ શહેર એટલે ત્રણ દરવાજા, સીદી સૈયદની જાળી, હઠીસીંગના દહેરા, કાળુપુર સ્વામિનારાયણ મંદિર, ઝુલતા મિનારા ને માણેક ચોકની રાત્રિના સમયની ખાણી-પીણીની બજાર.... આ અને આના જેવી અનેક ઓળખ અમદાવાદની રહી છે. પરિવર્તનોને ઝીલતા ઝીલતા હવે એમાં જે આકર્ષણો ઉમેરાયા છે તેમાં નવરાત્રિ મહોત્સવ, સાયન્સ સિટી, કાંકરિયા લેઈક ફ્રન્ટ અને કાંકરિયા કાર્નિવલ, રિવર ફ્રન્ટ અને રાષ્ટ્રીય પુસ્તક મેળો મુખ્ય છે.
રાષ્ટ્રીય પુસ્તક મેળાની શ્રેણીમાં યોજાયેલા પાંચમા રાષ્ટ્રીય પુસ્તક મેળામાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શાયરો એમની રચનાઓ પ્રસ્તુત કરીને શ્રોતાઓની દાદ મેળવી રહ્યા હતા. એમની પ્રસ્તુતિ બાદ પૂજ્ય ભાઈશ્રી ‘ભગવદ્ ગીતાઃ એક ગ્રંથ’ વિષય પર પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચન દરમિયાન એમણે લેખના આરંભનું વાક્ય કહ્યું અને લોકોને નવાઈ લાગી.
પોતાના વિચાર પર આગળ વધતા પૂ. ભાઈશ્રીએ કહ્યું, ‘થોડા સમય પહેલાં ભગવદ્ ગીતા વિષયને લઈને દિલ્હીમાં 5151 કાર્યક્રમ યોજાયો ત્યારે પણ મેં આ જ વાત કરી હતી. મારા વિચાર મુજબ ભારતનું બંધારણ એ જ ભારતનો રાષ્ટ્રીય ગ્રંથ હોઈ શકે. ભગવદ્ ગીતા તો વૈશ્વિક ગ્રંથ છે. ભગવદ્ ગીતામાં ક્યાંયે હિન્દુ શબ્દ જ નથી. ગીતા સંકીર્ણ નથી એટલે એ વાંચ્યા પછી કુરાનની આયાત કે બાઈબલના વાક્યો પણ મનને એટલા જ અસર કરી શકે છે.’ આ વાત સાંભળી ત્યારે કેટલાકને હાશ થઈ કારણ કે પૂજ્ય ભાઈશ્રી ભગવદ્ ગીતામાં રહેલા સિદ્ધાંતોના આધારે જ વાત કરી કરી રહ્યા હતા. ભગવદ્ ગીતાનો સંદેશ કોઈ એક વ્યક્તિ માટે નથી, પરંતુ સમષ્ટિ માટે છે અને તેની સમજણ પૂ. ભાઈશ્રીએ વિસ્તૃત રીતે આપી હતી.
ભગવદ્ ગીતા હજારો વર્ષોથી એના વાચકને જીવનમાં સાચી દિશા બતાવતી આવી છે. યુદ્ધના મેદાનમાં રચાઈ છે અને જીવનસંગ્રામના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર એમાં સમાયેલો છે.
‘ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ
મામકાઃ પાંડવૈશ્વૈવ કિમકુર્વત સંજય.’
ગીતાનો આ પ્રથમ શ્લોક છે અને તેમાં પ્રથમ શબ્દ ‘ધર્મક્ષેત્ર’ છે અને છેલ્લો શબ્દ ગીતાજીમાં આવે છે તેમાં ‘કરિષ્યે વચનં તવ્’ કહેવાયું છે અર્થાત્ શરણાગત ભાવે કહેવાયું છે ‘તમે કહેશો તેમ કરીશ’!
ગીતાના ૧૮ અધ્યાયોમાં કોઈને કોઈ યોગ છે એટલે એ યોગશાસ્ત્ર છે. એના ગાનાર ભગવાન શ્રીકૃષ્ણ વિષાદવાદી નથી, પરંતુ કર્તવ્યવાદી છે. ગીતામાં સૌને પોતાના પ્રશ્નોના ઉકેલ આવી મળે છે તેથી તે કટ્ટરવાદી નથી. બધા સંપ્રદાયોએ ગીતાનું દોહન કરી યોગ્ય સંવર્ધન કર્યું છે છતાં મહત્ત્વની વાત એ છે કે ગીતાનો ગ્રંથ ક્યારેય સાંપ્રદાયિક નથી.
ભગવદ્ ગીતા સમાજના તમામ વર્ગની વાત કરે છે એટલી વિશાળ એની દૃષ્ટિ છે. આ ગ્રંથમાં કર્મનો મહિમા સચવાયો છે, સાથે સાથે પૂર્ણ શરણાગત ભાવે ભક્તિની વાત પણ કરે છે. આ ગ્રંથ પૂર્ણપણે વાસ્તવવાદી છે.
ભગવદ્ ગીતા પર અનેક ભાષ્યો અને ટીકાઓ લખાયા છે, જ્ઞાનીઓએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા છે, પરંતુ આ ગ્રંથને સાચા અર્થમાં જાણવાની મજા ત્યારે આવે છે જ્યારે ટોળાશાળી કે વ્યક્તિ પરસ્તીને અનુસર્યા વિના એના મૂળ શ્લોકને સમજવાનો પ્રયત્ન થાય. અને આવું થાય ત્યારે આપણી આસપાસ અજવાળું રેલાય છે.
લાઈટ હાઉસ
ધર્મનો અર્થ છે આપણા મૂલ્યો, સત્ય, અહિંસા,
ક્ષમા અને કરુણા.
- પૂ. ભાઈશ્રી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter