એક અનુભૂતિ કાયમ રહી છે. જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રની વિગતો, આંકડાકીય માહિતી, સંદર્ભો અને એવું એવું ઘણું જે જે તે સમયે યાદ રાખ્યું હોય તે ફરી યાદ કરીએ તો તુરંત યાદ ન પણ આવે... પરંતુ એ ક્ષણે જેમણે જેમણે આપણને જે જે શીખવ્યું હોય તે તે અને એના શીખવનાર શિક્ષકના નામ કે સ્વરૂપ આપણને તુરંત અને કાયમ યાદ રહી જાય છે.
ભારત હોય કે બ્રિટન કે વિશ્વના બીજા કોઈપણ દેશો હોય, શિક્ષકોનું મહત્ત્વ બધે જ સ્વીકારાયું છે અને એટલે જ આપણે ત્યાં જ નહીં વિશ્વભરમાં જુદા જુદા દિવસે શિક્ષક દિવસ ઊજવાય છે. આ ઊજવણીનો ઉદ્દેશ આપણા શિક્ષકો પ્રતિ સન્માન અને આદરની લાગણી પ્રગટ કરીને એમણે આપણા માટે જે જે આપ્યું છે એ માટે એમને વંદન કરવાનો ભાવ સમાયેલો છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપે એમનું સ્મરણ – વંદન કરી આપણે ધન્ય બનીએ છીએ.
આપણે બાલમંદિરમાં અભ્યાસ કરીએ ત્યારથી આપણો સંબંધ શિક્ષક સાથે જોડાય છે. ત્રણ વર્ષની દોહિત્રી અનન્યાને પૂછું કે તારા ટીચર કોણ? તો તુરંત એ નામ આપીને એને એ ટીચર કેમ ગમે છે એની ય વાત કરે છે. વાસ્તવમાં જે શિક્ષા આપે તે શિક્ષક. એક અર્થમાં અભ્યાસ પૂરો થાય એ પછી કોઈને કોઈ ક્ષેત્રમાં માણસની કારકિર્દી સતત આગળ વધતી રહે છે. જે તે ક્ષેત્રમાં પણ કોઈને કોઈ માણસને જ્ઞાન – શિક્ષણ – જાણકારી આપતું જ રહે છે અને એ સંદર્ભે તેઓ શિક્ષક જ હોય છે.
વિદ્યાર્થીના રસરૂચિ અનુસાર, એના મનની સ્થિતિ અનુસાર જે શિક્ષક પોતાના વિદ્યાર્થીને એના કર્મને, એની ચેતનાને જાગૃત કરે, એ સાચો શિક્ષક છે. સામેના પક્ષે શિક્ષક દ્વારા જે જ્ઞાન અપાય, જે કાંઈ શીખવાય એનું સમયે સમયે પાલન કરે, અનુસરણ કરે અને ઉર્ધ્વગતિ કરે એ સાચો વિદ્યાર્થી છે. આ સારું ને આ ખરાબ, આ ઉપર લઈ જાય ને આ નીચે પછાડે એ શિક્ષક શીખવે છે.
શ્લોકમાં - દોહામાં - ચોપાઈમાં અને કવિતાઓમાં શિક્ષકનું - ગુરુનું સ્થાન ભગવાન સમકક્ષ અથવા એથી પણ વધુ માનવામાં આવ્યું છે. શિક્ષક માત્ર શિક્ષક નથી એ જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે, જીવનમૂલ્યોનું ઘડતર કરે છે, સામાજિક જવાબદારીઓ શીખવે છે. વિષયનું જ્ઞાન તો આપે જ છે, સાથે સાથે જે તે વિષય સાથે જોડાયેલા સંદર્ભો વિશે પણ માહિતી આપે છે. શિક્ષક વ્યાપક રૂપમાં એક સમાજ સુધારક તરીકે પણ કામ કરે છે અને વ્યક્તિગતથી લઈને સામૂહિકરૂપ સુધી સમાજ ઘડતરની ભૂમિકામાં પણ બહુમૂલ્ય પ્રદાન કરે છે. શિક્ષક વિદ્યાર્થી માટે પથ પ્રદર્શક છે, શિક્ષક વિદ્યાર્થીને શ્રેષ્ઠ માનવ બનાવવા માટે કાર્ય કરે છે.
શિક્ષક વિદ્યાર્થી - વિદ્યાર્થિનીના સામાજિક – બૌદ્ધિક – શારીરિક અને ભાવનાત્મક ઉછેરમાં મદદ કરે છે. શિક્ષક પોતાને જે વિષય ભણાવવાના છે તે તો ભણાવે જ છે, એના સિવાય ઈતર પ્રવૃત્તિઓ સંબંધે પણ જ્ઞાન આપે છે. એક સારો અને સાચો શિક્ષક બોલે એનાથી વધુ સાંભળે છે, નિરીક્ષણ કરે છે, સહયોગ આપે છે, અનુકૂલન સાધે છે, સહાનુભૂતિ દાખવે છે અને ધૈર્યથી કામ કરે છે. મારા - તમારા જીવનમાં આવેલા અને આપણને શિક્ષિત કરનારા શિક્ષકો પૈકી કેટલાયનું આપણને સહજ સ્મરણ હંમેશા રહે છે.
પ્રાથમિક શાળામાં જેમની પાસે ભણ્યા હોય એ શિક્ષકો દાયકાઓ બાદ જ્યારે વિદ્યાર્થીઓને મળે છે ત્યારે સાચા વિદ્યાર્થીઓ એમને પોતાના વર્તમાન હોદ્દા - માન – મોભો મૂકીને પણ પગે લાગે છે અને એમનું સન્માન કરે છે. એવા અનેક પ્રસંગો આપણે જાણીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સંબંધ દાયકાઓ પછી પણ એટલો જ ઘનિષ્ઠ રહે છે. ઘણીવાર આવા વિદ્યાર્થીઓ દાયકાઓ બાદ ગેટ ટુગેધર કરે છે ત્યારે શિક્ષકો પણ જોડાય છે અને બધા સાથે મળીને વીતેલા દિવસોને યાદ કરે છે.
સમગ્ર વિશ્વમાં શિક્ષકોનું પ્રદાન અણમોલ ગણાયું છે અને આગામી દિવસોમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઊજવણી થનાર છે ત્યારે આપણે પણ આપણા શિક્ષકોને યાદ કરીએ – શક્ય હોય તો એમની સાથે સંવાદ કરીએ, એમને વંદન કરીએ – એમના દ્વારા આપણા જીવનમાં ફેલાયેલા અજવાળાંને ઝીલીએ.


