‘તમારામાંના કેટલાને યાદ છે કે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે ક્યારે અને કયા ફોર્મેટમાં જીત્યું?’
‘ચંદ્ર પર માણસે પહેલી વાર પગ ક્યારે મુક્યો?’
‘વિશ્વની સૌથી લાંબી નદી કઈ?’
‘વિશ્વ સુંદરીનો તાજ ભારતમાં કોણે કોણે મેળવ્યો?’
આ અને આવા પ્રશ્નો પાંચ-પચ્ચીસ કે પાંચસોના ઓડિયન્સને પુછીએ તો સાચા-ખોટા જવાબ મળે તો મળે, નહીં તો ના મળે! સામાન્ય રીતે આવું થતું હોય છે, પરંતુ જો એમ પુછીએ કે ‘તમારા જીવનમાં મૂલ્યોનું ઘડતર કરનારા શિક્ષકોના નામ આપો...’ તો મોટા ભાગે લોકો તુરંત પાંચ-સાત નામો ઉત્તરમાં આપી દે છે.
ભારતમાં જ નહીં, વિદેશમાં પણ, શિક્ષકો હંમેશા સન્માનને પાત્ર રહ્યા છે અને એથી જ એમના નામ યાદ રાખવા નથી પડતા, સહજપણે યાદ રહી જાય છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકોનું બહુમૂલ્ય પ્રદાન હોય છે. શિક્ષકમાં એ ક્ષમતા છે કે એક પથ્થરમાંથી એ મૂર્તિનું ઘડતર કરી શકે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને માત્ર જ્ઞાન કે માહિતી જ નથી મળતા બલ્કે, રોજિંદા જીવનમાં ઉપયોગી એવા બહુમૂલ્ય પાઠ પણ શીખવા મળે છે. આ એવી ઝીણી ઝીણી બાબતો છે કે કારકિર્દીના કોઈ પણ તબક્કે કોઈ પણ કોર્ષના પુસ્તકોમાં હોતી નથી.
પ્રાર્થના - ધૈર્ય - સાહસ - સમતા - વિચારોનું દોહન, પ્રેમ, શિસ્ત, વડીલોને આદર, માનવધર્મ, પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્રેમ જેવા અનેક સદગુણોનું સિંચન એક શિક્ષક પોતાની લાઈફ દરમિયાન હજારો વિદ્યાર્થીઓમાં કરે છે. માનવજીવનના વિકાસના પ્રારંભિક તબક્કાથી લઈને પરિપકવ થવા સુધીની યાત્રામાં શિક્ષકની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્રત્યેક વ્યક્તિના જીવનમાં રહેલી છે. શિક્ષક જવાબદાર નાગરિકોનું અને એ રીતે રાષ્ટ્રઘડતરનું કામ કરે છે. 
મને યાદ છે કે મારા બાલમંદિર સમયના શિક્ષકો, કપિલાબહેન અને સરોજબહેન... ત્યાંથી લઈને કોલેજકાળના ડો. પૂર્ણિમા મહેતા, અશ્વિન ઓઝા અને આર. જે. જાડેજા સુધીના તમામ શિક્ષકોએ મારા જીવનઘડતરમાં જે પ્રદાન કર્યું છે એના કારણે આજે હું જે કાંઈ થોડુંઘણું જીવનમાં પામ્યો છું તે પામી શક્યો છું. કોઈ પણ શિક્ષક અનાયાસ રસ્તામાં - મંદિરમાં - જાહેર સ્થળોએ કે લગ્ન સમારંભોમાં મળે ત્યારે એમને પગે લાગીને હું જાણે ધન્યતાનો અને ગૌરવનો અનુભવ કરું છું.
શિક્ષકોએ એમના સાહજિક વાણી-વિવેકને વર્તન દ્વારા મારામાં રહેલા વિદ્યાર્થી પર અસર મુકી તે સદાયે મને જાગૃત રાખે છે. આવા જ અનુભવો પોતપોતાના શિક્ષકો માટે વાચકોના પણ હશે જ.
મને યાદ છે, એક દ્રશ્ય. જૈન પરિવારનો યુવાનો પ્રાથમિક શિક્ષક મારા મમ્મી તથા અન્ય શિક્ષકો પાસેથી પામ્યા... સમય જતાં પોતાના વ્યવસાયમાં મોટું નામ ને કામ કર્યું, પરંતુ મારા મમ્મી જ્યારે એમને ત્યાં કોઈ કામે જાય તો ઓફિસમાંથી બહાર આવીને ઝૂકીને પગે લાગે. માને મળતા હોય એટલા વ્હાલથી મળે. મમ્મી કહે કે હવે તમે મોટા થઈ ગયા, તો કહે કે તમારી પાસે અમે કાયમ નાના જ રહેવાના. જે કાંઈ પામ્યા એ તમે બધા શિક્ષકોએ આપેલા સંસ્કારને લીધે પામ્યા. એક હિન્દી પંક્તિમાં લખાયું છે ને !
‘ખીંચતા થા આડી ટેડી લકીરે,
આપને કલમ ચલાના શીખાયા,
જ્ઞાન કા દીપક જલા મેરે મન મેં,
આપને મેરે અજ્ઞાન કો હટાયા...’
બહુ વિશાળતાપૂર્વક જોઈએ તો સાધુ-સંત, સદગુરુ પણ શિક્ષક છે. જ્યારે જ્યારે આપણે હારીએ, ત્યારે ત્યારે એ વિચાર સ્વરૂપે, સંસ્કાર સ્વરૂપે આકાર સ્વરૂપે, આપણને યોગ્ય અને સાચો માર્ગ બતાવે છે. એ જેવું જીવે છે કે એવું ને એટલું સરળ કે સહજ ભલે આપણે જીવી ના શકીએ, પરંતુ એનો નાનકડો અંશ પણ આપણા જીવનમાં અમલમાં આવે ત્યારે એના મૂળમાં તો એમના જ આશીર્વાદ હોય છે. આમ એક અર્થમાં સાધુ કે સદગુરુ માણસને દિક્ષિત કરવાનું જ કામ કરે છે.
•••
જો આપણામાં સહજ પ્રાપ્ત વિવેકદ્રષ્ટિ હોય તો આપણી આસપાસના જગતમાંથી આપણે જ્યાંથી પણ સારું ને સાચું શિક્ષણ મળે ત્યાંથી એ શિક્ષણ પામી શકીએ. ભગવાન દત્તાત્રેયે પંચતત્વ સહિત ૨૪ ગુરુઓને માન્યા છે એમ આપણે પણ મળે ત્યાંથી કોઈ પણ ઉંમરે આપણામાં રહેલા વિદ્યાર્થીને જીવંત રાખીને જ્યાં જ્યાંથી શીખવા મળે ત્યાં ત્યાં સ્થાન ધરાવનારને મનથી તો મનથી ગુરુ-શિક્ષક માની શકીએ. શિક્ષકે આપેલા સંસ્કારના અજવાળા વિદ્યાર્થીના જીવનમાં હંમેશા પથરાય છે.

