શિક્ષણ સાથે જરૂરી છે પુરુષાર્થ અને કોઠાસૂઝનો સમન્વય

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 26th February 2018 07:18 EST
 

‘બેટા, કાલે આપ્યું હતું તે મેટર ટાઈપ થઈ ગયું?’ મણીભાઈએ પુત્રવધૂને પૂછ્યું. ‘હા પપ્પા, એ તો કાલે જ થઈ ગયું ને આજે આવેલું મેટર પણ હમણાં પૂરું થશે’ છાયાએ ઉત્સાહિત અને પ્રેમાળ સ્વરે વિવેકી ભાષામાં જવાબ આપ્યો.

જ્યાં પ્રકૃતિમાં અને માનવીમાં પ્રેમ ઊછાળા મારે એવા સૌરાષ્ટ્રના ગીરનારની ગોદમાં કહી શકાય એવો વિસ્તાર એટલે ઉના તાલુકો. અહીંના માણસો પ્રેમ-પ્રાર્થના ને પુરુષાર્થથી જીવન જીવી જાણે છે.
અહીંના જ એક ગામ, જેનું નામ પડા છે ત્યાં રામજીભાઈ અને સવિતાબહેનનો પરિવાર રહે. પરિવારમાં દીકરી છાયા ક્યારે બાળપણની શેરીઓમાંથી યૌવનના રાજમાર્ગે આવી ગઈ તેનો ખ્યાલ પણ ના રહ્યો. પરિવારના સંસ્કારો જ એવા કે બાળપણથી ઘરનું તમામ કામ હોંશે હોંશે કરે, રસોડું સંભાળે, રમે-જમે ને સાથે સાથે ગામની શાળામાં અભ્યાસ પણ કરે. બહુ નાની ઉંમરે રસોઈકળામાં એવી પાવરધી કે પાંચ-દસ નહીં, પચ્ચીસ માણસોની રસોઈ બનાવવાની આવે તો પણ લેશમાત્ર ગભરાયા વિના, સમયસર અને સ્વાદિષ્ટ રીતે બનાવી જાણે. સૌરાષ્ટ્રની દોરા-ધાગાની ગુંથણકલા અને ભરતકામ પણ એનો રસનો વિષય. અભ્યાસ ધોરણ દસ સુધી કર્યો એમાં સૌથી વધુ ગમતો વિષય તે અંગ્રેજી! લોકબોલીમાં વાતો કરતી આ દીકરીને અંગ્રેજી ભાષા પ્રત્યે પણ વિશેષ લગાવ હતો.
‘છાયાની ઊંમર થઈ, હવે આપણે છોકરો શોધવાનું શરૂ કરીએ...’ આવો સ્વર ઘર-પરિવારમાં ગુંજતો થયો અને ઈશ્વરકૃપાએ ઉના તાલુકાના જ ભડિયાદર ગામના રણજીત સાથે એના લગ્ન નક્કી થયા. રણજીત છેલ્લા આઠેક વર્ષથી અમદાવાદ સ્થાયી થયો હતો. ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરીને તે અમદાવાદમાં ટાઈપ-સેટિંગ તથા લે-આઉટ ડિઝાઈનના વ્યવસાયમાં સેટ થયો હતો. પારિવારિક સ્વજન મણીભાઈને ત્યાં કોઠાસુઝથી કામ શીખતા શીખતા આઠેક વર્ષમાં અત્યારે એ કેટલાય પ્રોજેક્ટ સ્વતંત્ર રીતે સંભાળતો થયો હતો.
રણજીત સાથે લગ્ન નક્કી થયા એ પહેલા ક્યારેય અમદાવાદ નહીં આવેલી છાયા કહે છે, ‘મને ક્યારેક ક્યારેક થતું હતું કે ગામડાં ગામમાંથી સીધી મહાનગરમાં હું ગોઠવાઈ શકીશ કે કેમ? પણ મનમાં હિંમત લઈને હું આવી પહોંચી આ શહેરમાં.’
થોડા દિવસો ઘરમાં - સગાંવ્હાલામાં હળવા-મળવામાં પસાર થયા ને એને થયું હુંયે પરિવારના વ્યવસાયમાં કામ શીખું તો કેવું સરસ થાય? એ ઓફિસમાં આવતી થઈ, પતિને અન્ય પારિવારિક સભ્યોને પુછી-પુછીને બહુ ટુંકા સમયમાં તૈયાર થઈ ગઈ. એની ભાભી અરુણા કહે છે કે, ‘હું તો સુરતમાં ઉછરેલી ને કોમ્પ્યુટર પણ ભણી હતી, છાયાએ તો કોમ્પ્યુટર પણ અહીં આવીને ઓપરેટ કર્યું પહેલી વાર ને આટલું ઝડપી શીખી ગઈ.’ અરુણા અને છાયા બંને પુત્રવધૂઓ કહે છે, ‘અમે બહુ જલ્દી ઓફિસનું અડધું કામ કરતા થઈ જઈશું.’ ઘરકામ-રસોઈ-મહેમાનોની આગતા સ્વાગતા આ બધાંની સાથે વ્યવસાયિક રીતે આગળ વધી રહેલી - સતત નવું કામ શીખી રહેલી આ દીકરીઓનું-પુત્રવધૂઓનું ગૌરવ મણીભાઈના પરિવારને છે. પરિવારની દીકરી રીટા કહે છે, ‘અમને માત્ર ઘરમાં જ નહીં, ઓફિસમાં પણ ભાભીનો સથવારો રહે છે એટલે અમે વિશેષ આનંદિત છીએ.’ આમ કહીને સહુ પોતપોતાના કામે હસતાં હસતાં લાગી ગયાં.

•••

શિક્ષણ એ વ્યક્તિ ઘડતરની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ એની સાથે જરૂરી છે ઘરના સભ્યો-વાતાવરણ અને સ્વયં પાસેથી મળતી કોઠાસુઝની આવડત, શીખવાની ધગશ અને હકારાત્મક અભિગમ. છાયા જેવી ગામડામાં ઊછરેલી દીકરીઓ શહેરમાં આવે - કોઈ ક્લાસ કે ટ્યુશન વિના સ્કિલ્ડ વર્ક શીખે ને ટૂંકા સમયમાં તેમાં પારંગતતા હાંસલ કરે ત્યારે પુરુષાર્થ અને કોઠાસુઝથી પ્રેરિત દીવડાઓ ઝળહળે છે ને અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter