શિવજીઃ ભોળાના ભગવાન, નોધારાના આધાર

- તુષાર જોષી Tuesday 25th August 2026 05:35 EDT
 
 

ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આ શબ્દો અને તેમાં રહેલો ભક્તિભાવ આપણે સહુ વિશેષરૂપે અનુભવી રહ્યા છીએ આ શ્રાવણ મહિનામાં.

નાગેન્દ્રહારાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય, નિત્યાય શુદ્ધાય, દિગમ્બરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય...
જેમના ગળામાં નાગનો હાર છે, જે ત્રિનેત્ર ધરાવે છે, અંગો પર ભસ્મ છે, જેઓ મહેશ્વર - નિત્ય પવિત્ર અને દિગમ્બર છે. દિશાઓ જ જેમના વસ્ત્રો છે તેવા ‘ન’કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર છે.
ભોળાના ભગવાન છે શિવ, નોધારાના આધાર છે શિવ. ભગવાન શિવના સાંનિધ્યમાં મન – વચન – વાણી - કર્મથી રહીએ ત્યારે આપણને પ્રસન્નતાનો - સાર્થકતાનો અનુભવ થાય છે. પરમ કલ્યાણના દાતા છે ભગવાન શિવ. બ્રિટન હોય કે ભારત જ્યાં જ્યાં શિવભક્તો વસે છે તે તે દુનિયાના ખૂણેખૂણે શિવપૂજા થઈ રહી છે. શિવ મહિમાનું ગાન થઈ રહ્યું છે.
શ્રાવણનો મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો શિવ આરાધનામાં એકાકાર થઈ જાય છે. ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ - રહસ્યો - પ્રસંગો - સંદેશા આપણને પ્રેરણા અને સકારાત્ક્તા આપે છે. ઘણી એવી વાતો - જાણકારી છે જે ક્યાંક ને ક્યાંક કોઈક ગ્રંથોમાં વાંચવા મળે છે.

શિવજીના હાથમાં ત્રિશુળ છે. તેની સાથે જોડાયેલી કથા છે કે ત્રિશુલની રચના વિશ્વકર્માએ બ્રહ્માંડની ઊર્જાને સમેટીને કરી હતી. તેની ત્રણ ફાડ સત્વ, રજસ અને તમ પ્રકૃતિની ત્રણ શક્તિના પ્રતિક છે. શિવને અર્ધનારીશ્વર કહેવાય છે. એની કથા એવી છે કે બ્રહ્માંડના સર્જન કાર્યને આગળ વધારવા શિવે પોતાનું અડધું શરીર માતા પાર્વતીને સમર્પિત કર્યું હતું અને તે સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવાય છે જે દર્શાવે છે કે પુરુષ અને પ્રકૃતિ (સ્ત્રી) એકબીજા વિના અધૂરા છે.
જે ત્રીજા નેત્રથી ભગવાન શિવે કામદેવનો નાશ કર્યો હતો તે ત્રીજા નેત્રને તેઓ પાપ – અહંકાર - અધર્મ વધે ત્યારે ખોલે છે અને બધું ભસ્મ કરી નાંખે છે. શિવ તાંડવ ખૂબ જાણીતું છે અને તેના બે પ્રકાર છે. આનંદ તાંડવ અને રૂદ્ર તાંડવ.
વડનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાયેલા શ્રાવણોત્સવમાં એન્કર તરીકે જોડાવાનો મને પણ લ્હાવો મળ્યો.
વડનગર ઐતિહાસિક નગર છે. પુરાણો - ઈતિહાસના ગ્રંથો - તામ્રપત્રો - શિલાલેખોમાં - દંતકથામાં એના વર્ણનો છે. કોટ અને દરવાજા, કિર્તીતોરણ, વાવ, શર્મિષ્ઠા તળાવ, કુવા, શિલ્પ અને સ્થાપત્ય, તાનારીરીની દેરી અને પ્રતિમાઓ વગેરે વગેરે વિશ્વપ્રસિદ્ધ છે.
પુરાણોમાં આ ક્ષેત્ર હાટકેશ્વર ક્ષેત્ર તરીકે જાણીતું છે. બ્રહ્માએ હાટક-સુવર્ણનું લિંગ સ્થાપી પૂજન કર્યું તેથી નામ હાટકેશ્વર પડ્યું. નાગર ખંડના ઉલ્લેખ મુજબ ઈસવી સનના ત્રીજા સૈકામાં હાટકેશ્વર મહાદેવની સ્થાપના થયાનું મનાય છે. નવું મંદિર સત્તરમાં સૈકામાં બન્યું હોવાનું મનાય છે. દેશ-વિદેશથી શિવભક્તો અહીં આવે છે અને શિવપૂજા કરીને ધન્ય થાય છે. વડનગરમાં શૈવ સંપ્રદાયનો પ્રભાવ હતો અને અહીં નાગરોની મુખ્ય વસતી હતી. નાગરો શિવપૂજકો છે એટલે હાટકેશ્વર ઉપરાંત અહીં મંકાળેશ્વર મહાદેવ, લવ-કુશ મહાદેવ, અજાપાળ મહાદેવ, સોમનાથ મહાદેવ વગેરે શિવમંદિરો આવેલા છે.
આ શિવમંદિરોમાં શિલ્પ અને સ્થાપત્ય અદભૂત સૌંદર્ય ધરાવે છે અને અભ્યાસીઓને આકર્ષિત કરે છે.
શ્રાવણ માસમાં વડનગરમાં યોજાયેલા શ્રાવણોત્સવ નિમિત્તે ભગવાન શિવના ચરણોમાં ગાયન – વાદન અને નર્તનની ત્રિવેણી સમર્પિત કરીને કલાકારો પણ ધન્ય ધન્ય થયા હતા. શ્રોતા - દર્શકોને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તેઓએ પ્રસ્તુતિ નિહાળી હતી અને શિવમય બન્યા હતા. શર્મિષ્ઠા તળાવના કિનારે ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઊઠ્યો હતો અને સમગ્ર વાતાવરણ શિવ સમર્પિત બન્યું હતું. કાર્યક્રમ પછી યોજાયેલી મહાઆરતી અને લેસર લાઈટ શોને પણ ઉપસ્થિત ભક્તોએ ભાવપૂર્વક માણ્યા હતા. આવનારા દિવસોમાં હજુ વધુ કાર્યક્રમો દ્વારા કલાકારો એમની સાધના શિવસમર્પિત કરશે અને આમ શિવકૃપાથી કલાના અજવાળાં રેલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter