શું ચાંદ જોઈને તમને કોઈ ચહેરો યાદ આવે છે?

- તુષાર જોષી Wednesday 25th October 2023 05:23 EDT
 
 

ચાંદ કો ક્યા માલુમ
ચાહતા હૈ ઉસે કોઈ ચકોર,
વો બેચારા દુર સે દેખે
કરે ના કોઈ શૌર....

ફિલ્મ ‘લાલ બંગલા’નું, ગુલશન બાવરા દ્વારા લિખિત, ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલું અને મુકેશે ગાયેલું આ ગીત રજૂ થયું અને શ્રોતાઓએ વન્સમોર કરાવ્યું. ગાયનના શબ્દ – સંગીત – સ્વરની અસર તો હતી જ પરંતુ જે ભાવનાત્મક શબ્દ એમાં છે એ ભાવના દરેકને સ્પર્શી ગઈ હતી. ગીતને વન્સમોરમાં રજૂ કરતાં પહેલાં કોમ્પેરે સરસ વાત કહી કે તમે તમારા જીવનમાં આવેલા આવા કોઈ ચાંદને યાદ કરી રહ્યા છો, એ ચાંદ જે સાથે નથી, સામે છે, ઊંચે આકાશમાં છે અને તમારા પર ચાંદની વરસાવી રહ્યો છે.
દરેક માણસના જીવનમાં આવું કોઈને કોઈ એકાદ પાત્ર હોય છે, દરેકના નહીં તો ઘણાબધાના જીવનમાં આ સંવેદનાની અનુભૂતિ થઈ હોય છે. એક પાત્ર જે આંખ થકી મનમાં પ્રવેશે છે, પછી હૃદયમાં એનું ઘર કરી લે છે. એને મળવાનું રોજ શક્ય નથી બનતું, ક્યારેક ઓછું-વધતું મળવાનું થાય છે, વદ પક્ષના દિવસોની જેમ તો વળી મળવાનું થતું પણ નથી. કેટલાક કિસ્સામાં તો મળવાનું નહીં માત્ર જોવાનું જ સુખ પામવાનું રહે છે, પણ એ ચાંદ છે જે શીતળતા આપે છે. જેને જોઈને હૃદયમાં પ્રેમ ઊમટે છે, જેને જોઈને કારણ વિના સમગ્ર અસ્તિત્વના રૂંવે રૂંવે પ્રસન્નતા પ્રગટે છે. એનું સ્મરણ કરવું પડતું નથી. એનું સ્મરણ શ્વાસ જેટલું સહજ થઈ જાય છે. શ્વાસની - ઉચ્છશ્વાસની આવન–જાવનમાં એનું અસ્તિત્વ અનુભવાય છે. એ ચાંદ એટલે કોણ? પુરુષ પણ હોઈ શકે ને સ્ત્રી પણ હોઈ શકે! પ્રિયજન પણ હોઈ શકે અને પરિવારજન પણ હોઈ શકે. સ્વજન પણ હોય અને સગાં પણ હોય. મિત્ર પણ હોય અને સખી પણ હોય... દરેક જીવનમાં એ વ્યક્તિગત બાબત છે, પરંતુ ભાવના એક જ છે. એના કિરણો શીતળતા આપે, તાજગી આપે, ઊર્જા આપે, પ્રસન્નતા આપે.
ચાંદને પ્રતીકરૂપે સંદર્ભમાં લઈને આપણે ત્યાં કેટકેટલા ગીત–ગઝલ–કાવ્યો લખાયા છે અને લોકહૃદયમાં સચવાયા છે. શરદપૂનમની કે બીજા મહિનાની ચાંદની રાત્રે આ ગીતો ખુલ્લા આકાશ નીચે બેસીને આપણે સાંભળીએ ત્યારે જે ભાવ હૃદયમાં અનુભવાય છે એ આપણને તરબતર કરે છે - આપણા હૃદયમાં ચાંદનીનો પ્રકાશ પાથરી દે છે. ‘ખોયા ખોયા ચાંદ ખુલા આસમાન...’, ‘ચૌદહવી કા ચાંદ હો આફતાબ હો...’, ‘ચલો દિલદાર ચલો - ચાંદ કે પાર ચલો..., ‘ચાંદઆંહે ભરેગા...’, ‘ચાંદ મેરા દિલ – ચાંદની હો તુમ...’, ‘ચાંદ જૈસે મુખડે પે બિંદીયા સિતારા...’, ‘તુમ ગગન કે ચંદ્રમા હો...’ આહાહા... આવા અતિ મધુર અઢળક ગીતો યાદ આવે. એ ગીતોના શબ્દો આપણને પ્રેમથી સભર કરી દે છે. આવી અનુભૂતિ આપણાના મોટાભાગના લોકોએ અનુભવી હોય છે.
ચાંદને જોઈને તમે પ્રસન્ન થયા છો? ચાંદને જોઈને તમને કોઈ ચહેરો યાદ આવે છે? ચાંદને જોઈને આંખોમાં ચમક આવે છે? હૃદયમાં કંઈક વિશેષ અનુભૂતિ થાય છે? પ્રેમ પ્રગટ થાય છે? પ્રિયજન સાથેની મિલન – મુલાકાત – રાત ને વાત યાદ આવે છે? જો આ અને આવું અનુભવાતું હોય તો આપણા જીવનમાં કોઈ ચાંદ છે જેને આપણે ચાહીએ છીએ. આ અનુભૂતિ પાક્કી... જ્યારે આવું અનુભવાય ત્યારે ચાંદનીના અજવાળાં ઝીલાયાની અનુભૂતિ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter