શ્રદ્ધાઃ જીવનને કડવા ઘુંટથી મીઠાશ તરફ દોરી જતું તત્વ

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 08th October 2019 06:05 EDT
 

‘અરે, તું ક્યાં ખોવાઈ ગઈ મમ્મી?’ તાન્યાએ એની મમ્મીને આમ જરા જોરથી હલબલાવીને કહ્યું અને તોરલ ફરી પાછી જાણે એ રૂમમાં પ્રવેશી. વહાલી દીકરીના માથા પર હાથ મુકીને બોલી, ‘બેટા, તારી મમ્મી જેવડી હતી ને એ ઉંમરના સ્મરણમાં અત્યારે જતી રહી હતી.’ બંને નજર સામે સ્થાપિત આદ્યશક્તિ માની મૂર્તિ અને ગરબાને વંદન કરીને ઊભા થયા, પછી મોડી રાત સુધી એક સમયે જીવનના મહામૂલા વર્ષો હતા, એ વર્ષોના મધમીઠા સ્મરણોની ખૂબ વાતો કરી - ખૂબ બધા ફોટા જોયા. એમની વચ્ચે થયેલા પ્રેમપૂર્ણ સંવાદમાં જે કથા હતી - જે વાર્તા હતી એ કાંઈક આવી હતી.
તોરલનો જન્મ ઉત્તર ગુજરાતમાં. બાળપણમાં એ પિતા-માતા અને ભાઈ સાથે વ્યવસાય અર્થે અમદાવાદ આવી ગઈ. અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં અભ્યાસ કર્યો. બાળપણથી જ બહુ વાચાળ-મસ્તીખોર, તોફાની, હાજરજવાબી, ધર્મમાં અપાર શ્રદ્ધા, વડીલો પ્રત્યે માન, ફિલ્મો જોવી બહુ ગમે ને આખા અમદાવાદમાં રાત-બેરાત રખડવામાં ભાઈ એનો ભાઈબંધ. સોસાયટીમાં પણ લોકો કહે, ‘આ ભાઈ-બહેનની જોડી જુઓ, સતત સાથે જ હોય.’
શાળાના કાર્યક્રમો દ્વારા એનામાં રહેલી કોઠાસૂઝથી તોરણે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અવ્વલ સ્થાન મેળવવા માંડ્યું. વકતૃત્વ સ્પર્ધા હોય કે ગરબા, શાસ્ત્રીય નૃત્ય હોય કે ગાયન, પહેલા નંબરથી ઓછું હોય જ નહીં.
પરિવારમાં ધાર્મિક સંસ્કારો સાથે એનો ઉછેર. દાદા પાસેથી ખુબ વાર્તાઓ સાંભળી. દાદીના સ્વરમાં ભજનો ને હાલરડાં સાંભળ્યાં. પપ્પા વ્યવસાયિક સંઘર્ષો અને નીતિની વાતો કરે ને મમ્મી તો જાણે અન્નપૂર્ણા માતા! એમનું ઘર હંમેશા મહેમાનોથી ભર્યું ભર્યું હોય, નવરાત્રી આવે એટલે ઘરમાં ગરબો લેવાય, મા અંબાની પૂજા અર્ચના થાય. દાદી ગરબા ગાય,
‘શક્તિ નહીં તારી કળાય રે હો અંબિકા,
તું ચૌદ ભુવનમાં ગવાય રે હો અંબિકા.’
નિયમિતરૂપે પરિવાર સાથે અંબાજી શક્તિપીઠના અને કૂળદેવી માતાના દર્શને જવાનું. કૂળદેવી માતા, ચડતી રાખો અમારા કૂળની... એ ગરબો ગાને મમ્મી કહેતી, ‘બેટા, મા ભગવતી, કૂળદેવીમાં હંમેશા શ્રદ્ધા રાખજો, સંઘર્ષ આપશે પણ એમની સામે લડીને જીતવાનું બળ કૂળદેવી આપશે.’
આમ જગત આખાને તારનારી મા આદ્યશક્તિ પરની શ્રદ્ધાએ તોરલને પણ તારી એવી એક ઘટના એના જીવનમાં કોલેજકાળ દરમિયાન બની. એ સમયની કોઈ બીમારીના કારણે થોડો સમય એના શરીરના કદ-કાઠું જરા વધી ગયા હતા. નવરાત્રીમાં ક્યાંક એ ગરબા રમતી હતી. બધાને એમ હતું કે એને જ ઈનામ મળશે પણ ના મળ્યું. વાતવાતમાં ખબર પડી કે એના શરીરનું જાડાપણું અવરોધક બન્યું હતું. થોડા દિવસ એ બહુ ડિસ્ટર્બ રહી, માના શરણે ગઈ. સમય જતાં દવાઓની અસર ઘટી, યોગ્ય ડાયેટ, શારીરિક પરિશ્રમ અને પરિવારની હૂંફ સાથે એક-બે વર્ષમાં એ ફરી હતી એવી સ્લીમ થઈ ગઈ. એ દરમિયાન એની પ્રવૃત્તિઓ તો ચાલુ જ હતી.
અધૂરામાં પૂરું, ભક્તિ એમબીએનો અભ્યાસ કરીને પપ્પાના વ્યવસાયમાં પણ સાથ આપતી હતી. સમય જતાં વિદેશથી એક સરસ રાજકુમારનું માગું આવ્યું. પરણીને એ સાસરે ગઈ. સાથે થોકબંધ તસ્વીરો લેતી ગઈ, સ્મરણોરૂપે. કેટલાક મેડલ્સ પણ. વિદેશમાં જઈને પણ ધંધા-વ્યવસાય સાથે તોરલે નૃત્ય આરાધના અખંડ રાખી. ત્યાં પણ સખત પરિશ્રમથી કલાક્ષેત્રે નામ રોશન કર્યું. દર બે-ત્રણ વર્ષે નવરાત્રીમાં અમદાવાદ આવે. દીકરીને આદ્યશક્તિ માની કથાઓ-ગરબા-ચમત્કારોની વાતો કરે. ગરબા શીખવે. તેણે કારકિર્દી માટે ઈન્ટિરિયરનું ક્ષેત્ર પસંદ કર્યું છે પણ માતાજી પ્રત્યેની આસ્થા અને ભક્તિમાં મમ્મીનો વારસો સાચવ્યો છે.
મા ભગવતી સહુની ખેવના કરે છે, સહુના ઓરતા પૂરા કરે છે. એ જગતજનની છે, જગદંબા છે, શક્તિ સ્વરૂપા છે ને ભક્તિ સ્વરૂપા છે. પૂર્ણ આસ્થાને શ્રદ્ધાથી એની ભક્તિ કરનારને-એના શરણે જનારને હંમેશા આ બધાનો અનુભવ હોય જ છે. તોરલના જીવનમાં પણ આ શ્રદ્ધા જ એને કડવા ઘૂંટથી મીઠાશ તરફ ને વૈચારિક અંધકારથી અજવાળાં તરફ લઈ ગઈ. કોઈ અજાણ્યાના શબ્દોનો ઘા ઝીલીની નૃત્ય ક્ષેત્રે એની ઓળખ એ ઊભી કરી શકી. નવરાત્રીમાં ગરબાના અજવાળાં રેલાય ત્યારે સાધનાના અજવાળાં પણ રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter