ભારત હોય કે બ્રિટન, વિશ્વ આખામાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ત્યાં અત્યારે જન્માષ્ટીના ઉત્સવનું વાતાવરણ હશે. 16મીએ જન્માષ્ટમીનું પર્વ આપણે પ્રેમપૂર્વક ઊજવીશું અને કૃષ્ણપ્રેમમાં ગાઈશું-નૃત્ય કરીશું. મથુરાના કારાગારમાં કૃષ્ણ જન્મ થાય છે ત્યારે દેવતાઓ અને ઋષિઓ જે સ્તુતિઓ કરે છે એમાં એ શ્લોકમાં સત્ય શબ્દ નવ વાર આવે છે, એનો એક અર્થ એ છે કે દેવતાઓ પણ શ્રીકૃષ્ણને ત્રણે કાળના સત્યરૂપે જુએ છે.
પિતા વસુદેવ કૃષ્ણને પરમ સખા નંદના ઘરે મુકીને આવે છે. ગોકુળમાં સમાચાર ફેલાય છે, યશોદા કો લાલો ભયો હૈ... અને ગોકુળવાસીઓ ગાઈ ઊઠે છે
ગોકુળમાં આજ દીવાળી,
પ્રગટ થયા વનમાળી...
ઈશ્વરઃ પરમ કૃષ્ણ,
સચ્ચિદાનંદ વિગ્રહ
અનાદિર આદિર ગોવિંદ,
સર્વકારણ કારણમ.
ભગવાન કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરમેશ્વર છે, સર્વોચ્ચ દેવતા છે, જેમનું શાશ્વત આધ્યાત્મિક શરીર છે, તે બધા કારણોનું કારણ છે. કૃષ્ણના દર્શનની પ્રતિક્ષા કરી હોય, તડપ અનુભવી હોય, આંખમાં દર્શન વિરહના આંસુની ભીનાશ આવી હોય તો દર્શનની અનુભૂતિ થાય. વૃંદાવનના પદમાં કૃષ્ણના સ્વરૂપ દર્શન માટે લખાયું છેઃ
મેરે બાંકે બિહારી લાલ,
તું ઈતના ના કરીયો શૃંગાર,
નજર તોહે લગ જાયેગી.
કૃષ્ણ મધુરતાના ઈશ્વર છે. મધુરાષ્ટકમમાં શ્રીકૃષ્ણના સુંદર ચરિત્રનું વર્ણન છે. જે વાચક-શ્રોતાને મધુરતાથી સભર કરે છે. રૂપ-વેણુ-પ્રેમ અને લીલા માધુર્યથી ભરેલા છે શ્રીકૃષ્ણ.
સૂરદાસને કોઈએ પૂછ્યું, ‘મૂહુર્ત કેવી રીતે જોવાય?’ ઉત્તર આપ્યો કે ‘હરિ મીલે સોઈ દીન નીકો... જે ક્ષણે હરિ મળે, શ્રીકૃષ્ણના સ્મરણમાં - શરણમાં - ચરણમાં આપણા તન - મન - ધન ગતિ કરે એ ક્ષણ જ ઉત્તમ મૂહુર્ત છે, એ ક્ષણ આપણા જીવનની સાર્થક ક્ષણ છે.’
આપણે માર્ગમાં નીકળીએ અને ગાય માતા સામે મળે તો શુભ શુકન મનાય છે. ગાય પ્રાચીન છે અને અર્વાચીન પણ છે. ગાયનું મહત્ત્વ સર્વકાલીન રહ્યું છે. એક સંસ્કૃત શ્લોક અનુસાર ગાય બધી સંપદાઓનું ઘર ગણાય છે. આજે આપણામાંથી કેટલાને ખબર હશે કે ‘ગૌધન’ નામનો એક શબ્દ પણ આપણે ત્યાં છે. શ્રીકૃષ્ણનું બાળપણ ગાયો સાથે, ગોપબાળો સાથે વીત્યું છે. શ્રીકૃષ્ણે ગાયોને અપાર પ્રેમ કર્યો છે. શ્રીકૃષ્ણને પ્રિય જે કાંઈ છે એમાં ગાય ઉપરાંત વાંસળી, મોર, કમળ, માખણ, વૈજ્યંતી માલા વગેરે વગેરે છે જેમાંથી આજના માનવીને પણ કોઈને કોઈ પ્રેરક જીવન સંદેશ મળી રહે છે.
આપણો અનુભવ છે કે પ્રેમની અનુભૂતિ કોઈ વસ્તુ માટે થાય તો એ લાલચ છે, વ્યક્તિ માટે થાય તો મોહ છે અને પરમ તત્વને થાય તો એ ભક્તિ છે. શ્રીકૃષ્ણએ એમની જીવનલીલામાં ડગલને પગલે સાચો પ્રેમ શું એ આપણને બતાવ્યું છે. નરસિંહ-મીરાં જેવા અનેક ભક્તોને હતો એનો અંશમાત્ર ભરોસો પણ આપણામાં પ્રગટ થાય તો ભયો ભયો થઈ જાય.
શત પ્રતિશત શરણાગત ભાવથી આપણે કહીએ કે હે કૃષ્ણ હું તમારો છું, તમારા શરણે છું તો આપણે એ સત-ચિત્-આનંદ સ્વરૂપની કૃપા જરૂર અનુભવીએ. પોકારો તો એ આવે જ, દૃઢ ઇન ચરનન કેરો ભરોસો... આપણે અનુભવીએ જ.
શ્રીકૃષ્ણ એટલે વિશ્વાસ... આપણા શ્વાસ ખૂટે છે, વિશ્વાસ ક્યારેય ના ખૂટે.
આજકાલ સોશીયલ મીડિયાના સમયમાં આપણે માત્ર વર્ચ્યુઅલ મિત્રની હાજરી અનુભવીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ આપણને તને સાંભરે રે... મને કેમ વીસરે રે...ની મૈત્રીના દર્શન કરાવે છે. શ્રીકૃષ્ણ એટલે મૈત્રી-મિત્ર... આ જન્માષ્ટમીના પર્વે કૃષ્ણ પ્રીતિના અજવાળાંને ઝીલીએ... ક્ષણોને સાર્થક કરીએ.