સંગીતના શોખ થકી સામાજિક-સાંસ્કૃતિક યોગદાન

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 26th May 2018 05:58 EDT
 

‘તમે ભાવનગર જાવ છો ને? તો મહિનાના પહેલા રવિવારે જજો... ગાંઠીયા ખાવ, હરવા-ફરવા જાવ પણ સાંજે ૬ વાગ્યે સ્વામીનારાયણ ગુરુકૂળ, સરદારનગર પહોંચી જજો...’ ભાવનગરી મિત્ર મનોજ શુક્લે કોઈને કહ્યું... સામે પ્રશ્ન થયો ‘કેમ?’ જવાબ મળ્યો કે, ‘તમે સંગીતથી તરબતર થઈ જશો, તમારી સાંજ સૂરીલી થઈ જશે.’ અને વાત સાચી છે. છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગરના રહીશો અને અતિથિઓ માટે દર મહિનાની એક સાંજ સૂરીલી સાંજ બની રહી છે.

‘સૂરીલી સાંજ’ નામે એક કાર્યક્રમ રાજેશ વૈષ્ણવ દ્વારા સ્વામીનારાયણ ગુરુકૂળના સહયોગથી વિનામૂલ્યે શ્રોતાઓ સમક્ષ દર મહિને યોજાય છે. કાર્યક્રમને ‘લોંગેસ્ટ રનિંગ એન્ડ નોન-કોમર્શિયલ મ્યુઝિકલ પ્રોગ્રામ’ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું છે.
ભાવનગરની થિયોસોફિકલ સોસાયટીના સહદેવ ઠક્કર અને તેમના ભાઈ સિદ્ધાર્થ ઠક્કરે ૧૯૯૮માં થિયોસોફિકલ સોસાયટીના હોલમાં ભજનસંધ્યાનો કાર્યક્રમ યોજ્યો. દીપક મહેતા અને પલ્લવી ગૌતમ મહેતા પણ જોડાયા. ઐતિહાસિક ક્ષણ ત્યારે બની જ્યારે રાજેશ વૈષ્ણવ એમાં જોડાયા. ફિલ્મી ગીતો પણ ગવાતા થયા ને નામકરણ થયું ‘સૂરીલી સાંજ’. ૧૧ જુલાઇ ૧૯૯૮ના દિવસથી આજ સુધી, વીસ વર્ષથી દર મહિને સતત આ કાર્યક્રમ યોજાય છે.
૧૯૯૮માં પાંચ કલાકાર - પચ્ચાસ શ્રોતા હતા. આજે સ્ટેજ પર ૨૦ કલાકાર ને શ્રોતાઓ બે-અઢી હજાર હોય છે. વર્ષોસુધી મહિનાના છેલ્લા રવિવારે સાંજે ૬-૩૦ કલાકે યોજાતો કાર્યક્રમ હવે દર મહિને પ્રથમ રવિવારે યોજાય છે. પ્રથમ ૧૦૦ કાર્યક્રમ થિયોસોફિકલ સોસાયટીના હોલમાં થયા. હવે સ્વામીનારાયણ ગુરુકૂળના વિશાળ સભાગૃહમાં યોજાય છે. આજે ‘સૂરીલી સાંજ’ ભાવનગરની ઓળખ બની ગઈ છે જેના સર્જક છે રાજેશ વૈષ્ણવ.
ગાયક-સ્વરકાર રાજેશ વૈષ્ણવ સિવિલ એન્જિનિયર થયા બાદ ભાવનગર મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારી તરીકે સેવારત થયા છે. વર્ષ ૨૦૦૧માં એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. પૂછ્યું કેમ? તો કહે, ‘હવે માત્ર સંગીતને સમર્પિત થઈને જ જીવવું છે.’ ૧૯૭૧માં સુગમ સંગીતની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર રાજેશભાઈ નોકરીના કારણે સંગીતના શોખ પર ધ્યાન આપી શકતા ન હતા. ૯૦ના દાયકામાં એમણે માધુરી ગ્રુપ અને ગ્રામોફોન ક્લબના કાર્યક્રમોમાં પ્રસ્તુતિ કરી હતી, જે હવે એમણે પૂર્ણપણે આરંભી. સ્વભાવ શાંત, ઓછું બોલે, અવલોકન વધુ કરે, સાંભળે વધુ, સમજણ વધુ કેળવે, સમય આવ્યે સહજ અને સાત્વિક રમૂજથી મિત્રોને હસાવતા રહે. પોતે માને છે કે જીવનમાં કરેલું સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી એટલે નિરપેક્ષ ભાવે પોતાના કાર્યમાં મશગૂલ રહે છે. સંગીતના તાલીમ વર્ગો દ્વારા યુવા ગાયકોને ઘડે છે. એમના પત્ની માધુરીબહેન બેંકના નિવૃત્ત કર્મચારી અને સારા ગાયિકા છે. ‘સૂરીલી સાંજ’ની દર મહિને નૂતન થીમ તેઓ પ્રસ્તુત કરે એટલે હિન્દી સીને સંગીતની હરતીફરતી લાઈબ્રેરી જેવા રાજેશભાઈ સંગીત માટે સમર્પિત થઈને ઉમદા દાયિત્વરૂપે સામાજિક-સાંસ્કૃતિ કાર્ય ધૂણી ધખાવીને કરી રહ્યા છે.

•••

પ્રત્યેક માણસને જિંદગીમાં એક શોખ એવો હોવો જોઈએ કે જે અંતિમ શ્વાસ સુધી એના સાચા અર્થમાં જીવાડે. આવા શોખને પોષવા અને સંવર્ધિત કરવા માણસ પાવર અને પૈસા બંને આપનારી નોકરી કે વ્યવસાય પણ કોઈ એક તબક્કે છોડે ત્યારે એ શોખ વધુ સમૃદ્ધ બને છે અને એ વ્યક્તિ પણ વધુ સમૃદ્ધ બને છે અંદરના રાજીપાથી. પોતાના શોખ સાથે જિંદગીને માણનારા આવા માણસો સમાજ માટેનું દાયિત્વ પણ નિભાવે ત્યારે શોખમાંથી પ્રગટતી સમૃદ્ધિના દીવડા ઝળહળે છે ને આસપાસ અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter