સંબંધોનું ગૌરવ સાચવવું સહુની જવાબદારી

Wednesday 14th December 2016 06:47 EST
 

‘જુઓ વડીલ, આ કંકોત્રીમાં આપનું નામ પૂજ્ય સંબોધન કરીને લખ્યું છે અને સાથે સાથે આપના પરિવારનો પણ નામ-ઉલ્લેખ છે જ, આપના પરિવારમાં આપ જેને માનતા હો એમને લઈને આપે આવવાનું હતું, પછી આપની મરજી...’ હેમંતે બહારગામથી આવેલા વડીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું અને ઘડીક તો હલચલ મચી ગઈ.

ગામ ભાવનગર, ૧૯૮૦ના દાયકાનો એ સમય. મધ્યમવર્ગીય પરિવારના એકના એક પુત્રના લગ્ન લેવાયા હતા. પરિવારનો નાતો સગાઓ સાથે ખૂબ જ ઘનિષ્ઠ, પરંતુ એથીય ઉપર વહાલાઓ એટલે કે મિત્ર-વર્તુળ સાથે વધુ ઘનિષ્ઠ નાતો. સુખદુઃખમાં ૨૪ કલાક કોઈ પણ જાતના તર્ક કે ગણતરી વિના સાથે ઊભા રહે એવા લાગણીના તંતુથી બંધાયેલા ચાર-પાંચ પરિવારના સંબંધોની હૂંફ આ દીકરાને પણ મળી હતી. એના લગ્નમાં ટિપીકલ નહીં, પરંતુ સીધું-સાદું લખાણ ધરાવતા ઈનલેન્ડ એ સમયે એમણે સ્વજનો-પ્રિયજનોને લખ્યા હતા. છપાયેલી કંકોતરીના બદલે ઈનલેન્ડ લેટર મળતા સહુને આનંદ થયો હતો.
રિસેપ્શન માટે પણ એક નાનકડું સરસ કાર્ડ છપાવ્યું હતું જેમાં સંબોધન લખ્યું હતું, આત્મીય સ્વજન... બે દિવસનો અવસર હતો. એમાં પહેલાં દિવસે સવારે ગ્રહશાંતિ, મંડપ મુહૂર્ત, ભોજન અને રાસ-ગરબા તથા બીજા દિવસે બહારગામ જાન લઈને જવાનું અને ત્રીજા દિવસે રિસેપ્શનનું આયોજન હતું.
પરિવારના સગાઓને કંકોત્રીરૂપે હસ્તલિખિત પત્રો ગયા હતા. એકાદ મહિના પહેલાં... બધાને માન-આદર અને પ્રેમપૂર્ણ નિમંત્રણ પાઠવાયા હતા. બન્યું એવું કે જેના લગ્ન હતા એ યુવાનના એક કાકાને આમંત્રણ મોકલાયું તેમાં એમનું નામ અને સાથે તેમનો પરિવાર એવું સંબોધન લખાયું હતું.
મંડપમુહૂર્તના દિવસે સવારે તેઓ બહારગામથી આવ્યા તો સાથે એમના પત્નીને ન લાવ્યા. બધાએ વાતચીતમાં કારણ પૂછ્યું તો તેમણે પેલો નિમંત્રણરૂપી ઈનલેન્ડ પત્ર બતાવ્યો અને સહુને કહ્યું કે, ‘આમાં માત્ર મારું જ નામ છે.’ હવે વાત વિસ્તરતી ગઈ. કેટલાકે ટાઢા ઢોળ્યા અને કેટલાકે પવન આપ્યો. દીકરાના બાપ પાસે વાત પહોંચી તો રડી પડ્યા કે, ‘અમે બહુ ખેલદિલીથી પરિવાર શબ્દ વાપર્યો છે છતાં ખરાબ લાગ્યું હોય તો રૂબરૂ જઈને માફી માંગી લઉં... લેન્ડલાઈન પર ફોન કરીને ફરી નિમંત્રણ આપું.’
પરંતુ પેલા સ્વજન ન માન્યા. આખરે વાત પારિવારિક મિત્ર હેમંત પાસે ગઈ. એણે બાજી હાથમાં લીધી. વડીલ પાસે જઈને પોતાની ઓળખ આપી. પેલો પત્ર વાંચવા લીધો. ખોટું થયું હોય તો પરિવાર વતી પાંચ વાર માફી માંગીને વંદન કર્યાં. પત્ર ફાડી નાંખ્યો ને પછી લેખના આરંભે લખેલા શબ્દો કહીને ઉમેર્યું, ‘સાહેબ તમારા ઘરમાં કામ કરનાર માણસ - ડ્રાઈવર કે આવેલા અતિથિ પણ તમારા જ પરિવારના ગણાય. આવી બાલિશતા આપને શોભા નથી દેતી. કહો તો આપના પત્નીને ટેક્સીમાં અહીં બોલાવી લઉં, માનપાન સાથે. પણ હવે આ વાતને ઉચ્ચારશો નહીં’
હેમંતે લીધેલા વિશ્વાસપૂર્ણ પગલાંને કારણે ઘી આખરે ઠામમાં ઢળ્યું અને સહુને હાશ થઈ ને પ્રસંગ ઉલ્લાસમય રીતે પૂર્ણ થયો.

•••

લગ્નગાળાની આ મોસમમાં આ ઘટના સહજ યાદ આવી. માણસ આખરે સંવેદનાથી-લાગણીથી ધબકે છે એટલે એને માન-અપમાન, પ્રેમ-ગુસ્સો જેવા સંવેદનો પ્રગટે એ સમજી શકાય. સામાજિક વ્યવહારોમાં - વિશેષ કરીને લગ્નપ્રસંગે કે મૃત્યુની ઘટના સમયે પરિવારના સગાને કે મિત્રોને ઓછું આવે, સન્માન ન સચવાય, ભૂલી ગયા જેવી ઘટનાઓ બને ત્યારે દુઃખ અનુભવાય છે.
પરંતુ ક્ષણિક આવેગ કે આવેશને ભૂલીને યજમાન સાથેના સંબંધોની આત્મીયતા સમજવી જોઈએ. યજમાન પોતાની ભૂલ સ્વીકારે કે પોતાની લાગણી વ્યક્ત કરે એ પછી વાતને પડતી મૂકીને સંબંધોનું ગૌરવ સાચવવું એ સહુની જવાબદારી છે.
આવા સમયે જેની સાથે લોહીના નહીં, લાગણીના સંબંધો છે એવા પ્રિયજનો-મિત્રો પરિવાર સાથે એકાકાર થઈને સમયને, પ્રસંગને સાચવી લે છે ત્યારે માનવીય સંબંધોમાં પ્રગટતો વિશ્વાસનો દીવડો પ્રગટે છે.
માણસાઈના ગૌરવના-સબંધોના ગૌરવના આવા દીવડા આસપાસ પ્રગટે ત્યારે અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ

મિત્ર સાથે બેસવું સહેલું છે, પણ ઊભા રહેવું અઘરું છે.

- મોરારિબાપુ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter