સતત જાગૃત રહીએ, આત્મવિશ્વાસ જાળવીએ તો જ નબળા વિચારોને મન પર હાવી થતાં રોકી શકાય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 20th December 2022 06:42 EST
 

‘એટલે થોડી કન્ફ્યુઝ છું, પરિણામે થોડી ચિંતા પણ છે ને થોડો ડર પણ છે કે બધું બરાબર તો થશે ને?’ નીલાએ ફોન પર એના ભાઈને મુંબઈથી કહ્યું. એના અવાજમાં ભીનાશ હતી. મૂળ વાત એમ કે ઊંમરના 55-56માં વર્ષે જ એને ઢીંચણના દુઃખાવા બંને પગમાં વિશેષરૂપ અસર કરતા હતા. આમ તો આઠ-દસ વર્ષથી ઘસારાનો આરંભ થયો હતો પણ હવે એ થોડો વધુ અને તીવ્રરૂપે અસર કરતો હતો. મુંબઈમાં બે અને અમદાવાદમાં બે એમ લગભગ ચાર ડોક્ટરોને એણે બતાવ્યું હતું, ચારેયનો અભિપ્રાય એકસરખો હતો કે આજે થતું હોય તો હવે કાલે પાછું નહીં ઠેલતા, બંને પગમાં ની-રિપ્લેસમેન્ટ કરાવવા જ પડશે અને સાથે જ કરાવી લો. હવે જે ડર કે ચિંતા હતી તે અહીં હતી, બંને પગનું સાથે ઓપરેશન કરાવી લેવાના ફાયદાઓ પણ હતા અને એ જરૂરી પણ હતું. એની સામે મનમાં એક ડર પણ ખરો કે કોઈક મુશ્કેલી આવે તો? અસફળતાનો અંશ પણ આપણા જ કિસ્સામાં પ્રવેશે તો? ડોક્ટરોએ એને સાંત્વન આપ્યું કે આવું થવાના ચાન્સીસ લગભગ નહીંવત્ છે, બધાના બે પગના એકસાથે થયેલા ઓપરેશન સફળ થયા જ છે, ક્યાંક કોઈ અપવાદ હોય એ વાત જુદી... એટલે નીલા મનમાંને મનમાં મુંઝાતી હતી ને ભાઈ પાસે હૈયું ઠાલવતી હતી...

પછી એમનાં ભાઈએ થોડી વારમાં મોટિવેશનલ વક્તાનો રોલ નિભાવીને બહેનને સમજાવી કે દુનિયામાં જ્યારે પણ દ્વંદ્વ આવે ત્યારે અથવા તો દ્વંદ્વ ભલે ન હોય એક જ માર્ગે આગળ જવાનું છે પણ તેમાં સફળતા મળશે? એવી વિચાર સાથે ક્યારેય આગળ ના જવું.
આપણા ઘરના વડીલો આજે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે આટલું આટલું ધ્યાન રાખજે એમ કહીને 8-10 સલાહો આપે છે. એ સલાહો મુજબ આપણે ચાલીએ કે ના ચાલીએ એ જુદી વાત છે પણ એ સલાહોમાં આખરે શું છે? નર્યો પ્રેમ – ચિંતા અને કાળજી... બસ અહીં મહત્ત્વની વાત છે પ્રેમ કે કાળજીને ચિંતારૂપે નેગેટિવરૂપે ના જોઈએ, હંમેશા એમાં રહેલી હકારાત્મક ઊર્જાને અનુભવીએ તો આપણે ચિંતા નહીં થાય અને આત્મવિશ્વાસ પણ વધશે.
આપણે ત્યાં વૈદિક શ્લોકમાં - લોકના ભજનોમાં અને મહાનુભાવોના માંગલ્યનો ભાવ છલકે છે, સર્વનું સારું થજો, સર્વે સ્વસ્થ હજો એવો ભાવ છે. આ ભાવ જ આપણને પોઝીટીવીટી આપે છે.
એક બોધકથા વાંચી છે, એક માણસ ઉંમરના પચાસ પછીના વર્ષે દરિયાકિનારે એકલો બેઠો છે. પોતાના વિતેલા જીવનને દરિયાની રેતી પર પડતા પગલાના પ્રતિકરૂપે જાણે નિહાળી રહ્યો છે. એણે જોયું કે પોતાના પગલાંની સાથે બીજા એક વ્યક્તિના પગલાં કેટલોક સમય હોય, કેટલો સમય ના હોય... એને ભગવાન પર ભરોસો હતો કે એ મારી સાથે ચાલે છે, મારું ધ્યાન રાખે છે, પણ તો પછી જ્યારે જ્યારે મારા જીવનમાં અતિ દુઃખકારી સમય હતો ત્યારે જ કેમ ભગવાનના પગલાં અદ્રશ્ય થઈ ગયા? એણે ભગવાન જોડે વાત કરી, તમે મારા દુઃખના સમયમાં જ કેમ મારો સાથ છોડી દીધો? ભગવાને કહ્યું એ સમયે જે બે પગલાં છે એ મારા છે, તું તો દુઃખી હતો, તું ક્યાં ચાલ્યો જ છે, મેં તને મારી ગોદમાં લીધો છે ને આગળ યાત્રા કરાવી છે.
કેવો અદ્ભૂત અભિગમ સમજાવે છે આ બોધવાર્તા.
પરમેશ્વર, પરમ પિતા એના જે સ્વરૂપને આપણે માનતા હોઈએ, એ તો આપણી કાળજી લેતા જ હોય છે, આપણે માણસ છીએ એટલે સહજ ચિંતા કે શંકા થાય, પછી આત્મવિશ્વાસ તૂટે અને પછી આવનારા દિવસોમાં અવસર બનવાની તાકાત ધરાવતી તક ધબાય નમઃ થઈ જાય છે. આવું ના થાય માટે સતત જાગૃત રહીએ, આપણા મનને આત્મવિશ્વાસથી સભર કરતા રહીએ, નબળા વિચારો મન પર હાવી ન થાય એ માટે સતર્ક રહીએ. આવી વાત કોઈ કરે તો એને ત્યાં જ અટકાવીએ, તમારી નેગેટિવ ઊર્જા તમારી પાસે જ રાખો.
નીલા તો એક પાત્ર છે, પરંતુ આવી સમસ્યા, આવા પ્રશ્નો આપણી બધાની પાસે આવે છે એમાંથી યોગ્ય માર્ગ કાઢીએ ત્યારે ત્યારે શ્રદ્ધાના - આત્મવિશ્વાસના દીવડાં ઝળહળે છે ને અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter