સફળતાના ત્રણ સ્તંભઃ આત્મશ્રદ્ધા - પુરુષાર્થ - પ્રાર્થના

તુષાર જોષી Tuesday 18th July 2017 08:12 EDT
 

‘આ ખરેખર ચમત્કાર હોય એવું મને લાગી રહ્યું છે...’
આ શબ્દો છે રોજર ફેડરરના. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રોજર ફેડરરે તેની કારકિર્દીનું રેકોર્ડરૂપ આઠમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે સૌથી મોટી ઉંમરે આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનવાની બેવડી સિદ્ધિ હાંસલ કરીને એક ઐતિહાસિક ઊંચાઈ મેળવી છે. તેની આ સિદ્ધિ અપ્રતિમ છે કારણ કે રમતગમત ક્ષેત્રે અને એમાં પણ ટેનિસ જેવી રમતમાં ઊંમરના ૩૫મા વર્ષે ફેડરરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આગળ જતા ફેડરરે જે કહ્યું છે કે ‘I still love to play...’
૮ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ બાસેલ (સ્વિત્ઝર્લેન્ડ)માં જન્મેલા રોજર ફેડરરના માતા લીનેટ અને પિતા રોબર્ટ છે. તેની પાસે સ્વીસ અને સાઉથ આફ્રિકન એમ બંને સિટીઝનશિપ છે. સમયની અનુકૂળતાએ બેડમિન્ટન અને બાસ્કેટ બોલ પણ રમી લે છે.
૧૯૯૮માં તે જુનિયર પ્લેયર તરીકે વિમ્બલ્ડનના મેદાન પર આવ્યો હતો અને જીત્યો પણ હતો. ફેડરરે ૪ વાર આઇટીએફ જુનિયર સિંગલ્સ જીત્યા છે. તે ૧૯૯૮માં જુનિયર વિભાગમાં વર્લ્ડ રેંકિંગમાં પ્રવેશ્યો. એ પછી તે સતત રમતો રહ્યો અને એક પછી એક મેચ જીતતો રહ્યો.
૨૦૦૨ના વર્ષથી તે વિશ્વના ટેનિસ ખેલાડીઓમાં સાતત્યપૂર્ણ રીતે ૧થી ૧૦માં સ્થાન મેળવતો આવ્યો છે. વિશ્વમાં ટોચની ગણાતી તમામ ટૂર્નામેન્ટ તે જીતતો આવ્યો છે.
તેની પત્ની મીરકા ફેડરર જે એને પહેલી વાર સિડની ઓલિમ્પિકમાં ૨૦૦૦માં મળી હતી તે પણ પ્રોફેશનલ ટેનિસ પ્લેયર રહી ચૂકી છે. ફેડરરે આ ટૂર્નામેન્ટમાં માત્ર ૧૮ વર્ષની વયે ભાગ લીધો હતો અને સેમિ-ફાઈનલ સુધી પહોંચ્યો હતો.
ફેડરરે અત્યાર સુધીમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન, ફ્રેન્ચ ઓપન સહિતના ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જેમાં આઠ વિમ્બલ્ડન ટાઈટલનો પણ સમાવેશ થાય છે.
પ્રથમ વાર માત્ર ૨૧ વર્ષ ૧૦ મહિના અને ૨૮ દિવસની વયે ફેડરરે વિમ્બલ્ડન ટાઈટલ જીતીને વિશ્વ સમક્ષ ૨૦૦૩માં એક સુખદ આશ્ચર્ય સર્જ્યું હતું. એ પછી ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૨ અને હવે ૨૦૧૭માં ફેડરરે આઠમી વાર વિમ્બલ્ડન જીતીને એક નોખો ઈતિહાસ સર્જયો છે. તેના માટે સૌથી વધુ મુશ્કેલ મેચ વિમ્બલ્ડનમાં ૨૦૦૯ની અમેરિકાના રોડ્રીક સામેની હતી, જે પાંચ સેટના ૪ કલાક ૧૭ મિનિટે એના હાથમાં આવી હતી.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે સ્વિત્ઝર્લેન્ડના આ લેજન્ડરી સ્ટારે છેલ્લી વાર ૨૦૧૨માં બ્રિટનના એન્ડી મરેને હરાવીને વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. મતલબ કે પાંચ વર્ષનો ગાળો પસાર થઈ ગયો હતો. તેણે કહ્યા મુજબ ૨૦૧૫માં યોકોવિચ સામે ફાઈનલ હાર્યા બાદ ફરી અહીં ફાઈનલ રમવું એ તો એના માટે સપનું જ હતું. ફેડરરે તેની પત્ની મિરકા તેમજ તેના જોડીયા પુત્રો અને પુત્રીની હાજરીમાં આ મેચ જીતીને આ સપનું સાકાર કર્યું ત્યારે વિશ્વભરના તેના ચાહકો અને ટેનિસ પ્રેમીઓએ તેની સિદ્ધિને વધાવી લીધી હતી.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે વિમ્બલ્ડન જેવી ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યા વિના ફેડરરે આ વર્ષે આ સિદ્ધિ મેળવી હતી. એણે જ કહ્યા મુજબ ‘મને મારામાં ભરોસો હતો અને હું જીતવા માટે પ્રયાસ કરતો હતો જેના કારણે આ શક્ય બન્યું છે.’

•••

અહીં ફેડરરે કહેલું આ વાક્ય જ વ્યક્તિગત રીતે સહુ કોઈના માટે સત્ય છે.
ઈશ્વરે પ્રત્યેક માણસને નવી નક્કોર રૂપિયાની નોટ કે સિક્કા જેવો ૨૪ કલાકનો દિવસ આપ્યો છે. એ ૨૪ કલાક આળસમાં પસાર કરવા, માત્ર પ્લાનિંગ કર્યા કરવું, વેઠ કરવી, ઠાગાઠૈયા કરવા કે પછી દુનિયાભરના લોકો અને પરિસ્થિતિઓ સામે ફરિયાદો કર્યા કરવી અને પોતે શ્રેષ્ઠ છે એમ પૂરવાર કરવું એ એક વાત છે. સામા પક્ષે આ ૨૪ કલાકનો પૂર્ણ ઉપયોગ યોગ્ય આયોજન કરીને, લક્ષ્ય નિયત કરીને એ દિશામાં જ સમય વ્યતિત કરનારા લોકો છે.
કોઈ પણ ક્ષેત્રે સતત આગળ વધતા રહેલા લોકોના જીવનનો અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ ક્યારેય થાકતા નથી. તેઓ ક્યારેય મનથી હારતા નથી. પરિણામે એક નહીં તો બીજો ને એ નહીં તો ત્રીજો દરવાજો સફળતાનો ખુલે છે. જે માણસોને પોતાની જાતમાં ભરોસો હોય, પુરુષાર્થનું બળ હોય ને પ્રાર્થનાનો સહારો હોય એ માણસો મોટાભાગે સફળ થાય છે ને સિદ્ધિઓના શિખરો સર કરે છે.
માત્ર વિચાર નહીં, એના પર આચાર એટલે કે અમલ કરવા માટે ક્યારેય કોઈ ઉંમર મોટી નથી હોતી. બસ માણસે એક લક્ષ્ય નક્કી કરવાનું છે અને તેને પૂર્ણ કરવા પોતાની અને આસપાસની સર્વ શક્તિઓને કામે લગાડવાની છે. આવું થાય છે ત્યારે આવા લોકોની આસપાસ સફળતાના-સિદ્ધિઓના દીવડા ઝળહળે છે અને એના અજવાળા બીજાઓ માટે પણ પ્રેરણાદાયી બની રહે છે.

લાઈટ હાઉસ
Start where you are, use what you have, Do what you can
- Arthur Ashe


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter