સમયને સાચવી લેશો તો બધું સચવાઇ જશે

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 20th April 2021 09:19 EDT
 

‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને ‘સમયને સાચવીએ’ વિષય પર વાતો કરી. ઝૂમ મીટીંગમાં ઉપસ્થિત દેશ-વિદેશના મિત્રોને વાતો ગમી, રાજી થયા એટલે હું પણ રાજી. ત્યાં જે વાતો ન કરી, સમયના અભાવે, તે આજે અહીં લખવાનું મન થયું છે. સમયને સાચવવો પડે કારણ કે એને ન સાચવનારને સમય પણ ક્યારેય નથી સાચવતો.

‘પણ આ સમયને સાચવવો એટલે શું?...’ મિત્ર જસ્મીને પૂછ્યું હતું. આવી જ વાત એ મિટીંગમાં મુરબ્બી મિત્ર સતીષ વ્યાસે પણ કહી હતી કે ‘હું વિચારતો હતો કે આ વિષય પર તું શું વાત કરીશ, પણ તું સરસ બોલ્યો.’
સમય એ કોઈ માણસ નથી, વસ્તુ નથી, સર્જન નથી કે એને સાચવી શકાય. તો પછી આ સમયને સાચવવો એટલે શું? આપણા જીવનની નાની-નાની રોજિંદી ઘટનાઓ પર થોડી નજર માંડીએ, થોડો અભ્યાસ કરીએ ત્યારે સમજાય છે કે ન દેખાતા, પણ અનુભવાતા સમયને આપણે આપણા વાણી-વર્તન-વ્યવહારથી સાચવી શકીએ છીએ. ઉંમરના વિવિધ તબક્કે આપણે કરવાના કામો, કોઈ ઉધામા કર્યા વિના, સાહજિકપણે આપણે પૂરા કરીએ ત્યારે જાણે-અજાણે સમયને સાચવતા હોઈએ છીએ.
આપણા ઘરમાં-પડોશમાં-સગાવ્હાલામાં, સ્વજનો-પ્રિયજનોમાં સારા-માઠા અવસરે આપણે માણસ તરીકે પડખે ઉભા રહીએ, સમય-પૈસા-વસ્તુ-હૂંફ-પ્રેમ જે આપી શકીએ તે આપીએ, પ્રેમથી એમના સુખદુઃખમાં ભાગીદાર બનીએ ત્યારે આપણે જાણે-અજાણે એમના અને આપણા સમયને જ સાચવતા હોઈએ છીએ. અઘરા સમયમાં કે સારા સમયમાં કોઈના ખભા પર મૂકેલા કે આપણા ખભા પર મૂકાયેલો હાથ, કોઈનો સ્પર્શ - હુંફાળું આલિંગન એ સફળતા અથવા લાખો રૂપિયાથી વધુ મૂલ્યવાન હોય છે.
થોડા સમય પહેલા ઘરમાં પ્લમ્બિંગ કામ માટે જાણીતો માણસ આવ્યો. વોશ એરિયામાં કામ કરીને જતો રહ્યો. પાંચ-સાત મિનિટના એના કામ પેટે પૈસા તો આપ્યા પણ એની સાથે સાથે એના પરિવારના ખબરઅંતર પૂછ્યા ને થોડુંક ‘એકસ્ટ્રા, વધુ’ કંઈક વસ્તુરૂપે આપ્યું. ‘આ કપરા કાળમાં તમે સમયસર આવ્યા તો પાણીનો બગાડ ઓછો થયો,’ એમ કહીને એના કામની સરાહના કરી ત્યારે જાણે-અજાણે સમય સચવાઈ જ ગયો હતો.
સમયને સાચવવો એટલે મારા ને તમારા બંનેના સમયનું મૂલ્ય સમજવું... પરસ્પરથી વાતો દરમ્યાન સામેના પાત્રને એ વાતોમાં રસ નથી એવું લાગે ત્યારે વાત અટકાવવી, બીજી વાત કરવી એ પણ સમય બચાવવાની જ એક કુશળતા છે.
સમયને સાચવવો એટલે રોજિંદા કામોનું સહજપણે માઈક્રો મેનેજમેન્ટ કરવું. એક કાગળ પર રોજના કામો લખીએ, પ્રાયોરિટી મુજબ એને કરીએ તો સમય, પૈસા, શક્તિ બધું જ બચે છે એનો અનુભવ છે.
સમયને સાચવવો એટલે જે સમયે જે કામ પૂરુ કરીને આપવાનું હોય એ સમયે અથવા એથી વહેલા પુરું કરવું.
સમયને સાચવવો એટલે ઘરમાં પત્ની-બહેન-મા કે ભાભી, જે કોઈ રસોઈ કરતું હોય એને ક્યારેક આપણને આવડે એટલી મદદ કરવી.
સમયને સાચવવો એટલે ઘરના પુરુષ સભ્યોના બેન્કના, વ્યવસાયના કેટલાક કામો આપણે કરી શકીએ એ કામો કરાવવા. સમયને સાચવવો એટલે કોઈ કારણ વિના કોઈની સાથે ચા-નાસ્તો કરવો, અલક-મલકની વાતો કરવી, ગમતા ગીતો ગાવા, ગમતી ફિલ્મો જોવી. સમયને સાચવવા રોજેરોજ અનેક અવસરો આપણને મળે છે. થોડા જાગૃત રહીને જ્યારે આપણે એ સમયને સાચવી લઈએ છીએ ત્યારે સમજણના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter