સર્વને આનંદ આપે ને સર્વનું કલ્યાણ કરે એ શિવ છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 01st March 2022 04:31 EST
 
 

‘ધર્મ અને રોજિંદા જીવનનું કોમ્બિનેશન થાય તો આપણી પરંપરા અને પ્રતિકો નવી પેઢીને ઝડપથી સમજાય. હવે આજે એ સમજાવો કે જીવને શિવ તરફ ગતિ કરાવવામાં આ શિવમંદિરના પ્રતિકો કેવી રીતે ઉપયોગી છે?’ દીકરાએ મમ્મી અને નાના-નાની ત્રણેને જાણે એક જ સવાલમાં અનેક સવાલો કરીને પોતાનું કુતુહલ અને ધર્મને જીવનની ફીલોસોફીને સમજવાની પોતાની લાગણી અભિવ્યક્ત કરી દીધી.

ઈતિહાસ પર નજર માંડીએ, થોડો અભ્યાસ કરીએ ત્યારે સમજાય છે કે સમયે સમયે ધર્મને સમજવાના-પામવાના માધ્યમો બદલાતા રહ્યા છે. માર્ગો બદલાતા રહ્યા છે પણ ધર્મ સનાતન રહ્યો છે. શાશ્વત રહ્યો છે. યુવા અવસ્થાના છોકરા-છોકરી હવે ધર્મને કોઈ એક સ્થળ-પુસ્તક કે વિધિ વિધાન પૂરતા સીમીત ન રાખતા એને જીવનશૈલી તરીકે રોજિંદા જીવનમાં વણી લે છે.
કંઈક આવી જ જિજ્ઞાસા પૌત્રે પ્રગટ કરી એટલે નાનાએ શિવરાત્રી નિમિત્તે શિવાલયમાંથી પ્રાપ્ત થતી જીવનદ્રષ્ટિ સમજાવી.
લગભગ દરેક ગામમાં એક અને એકથી વધુ શિવમંદિર હોય જ. શિવમંદિરની ધજાના દૂરથી દર્શન થાય ને તન-મન જાણે શિવમય બની જાય. શિવમંદિરના એક એક પગથિયાં ચડતાં જઈએ એમ એમ માનવ મનમાં રહેલી કામ-ક્રોધ-મદ-મોહ અને લોભ જેવી દુર્વૃત્તિઓ મનમાંથી છૂટતી જાય.
શિવ પરમકલ્યાણના દાતા છે. શિવ શબ્દ જ શાશ્વત આનંદ અને પરમ પ્રસન્નતાની અનુભૂતિ કરાવે છે. આપણે સહુ પ્રેમ અને પ્રસન્નતાની, સંતોષ અને શાંતિની સતત શોધમાં રહીએ છીએ. શીવ સમીપે રહેનારને એ સમજાય છે કે જે સર્વને આનંદ આપે ને સર્વનું કલ્યાણ કરે એ શિવ છે.
શિવમંદિરમાં નંદી-કાચબો-ગણેશ-હનુમાનજી-જલધારા-ડમરૂ પણ હોય જ એની સાથે સાથે શિવસ્વરૂપમાં સર્પ-માળા-ભસ્મ-ત્રિપૂંડ-ચંદ્ર-ગંગાજી-જટા પણ હોય જ. પાર્વતીમાતા પણ હોય, શંખ અને શાલિગ્રામ પણ હોય. આ પ્રત્યેક સાથે ક્યાંકને ક્યાંક જીવનની હકારાત્મક જીવનશૈલી-વિચાર અને સંદેશ જોડાયેલા છે.
નંદી આપણને સૂચવે છે કે આપણું તન-મન પણ શિવમુખી બને - આત્માભિમુખ બને. આપણી અંદર શિવતત્વ પ્રગટ થાય એ માટે સંકલ્પબદ્ધ થઈએ. નંદીએ શક્તિનું પ્રતિક છે જે પુરુષાર્થ સાથે જોયું છે. કાચબો કવચ ધારણ કરે છે ને એનું મુખ પણ શિવ તરફ છે, ધીમે ધીમે પરંતુ મક્કમ ગતિએ શિવ તરફ કલ્યાણ તરફ ગતિ કરીએ. ગણેશજી અને હનુમાનજી ગર્ભગૃહની ડાબે-જમણે સ્થાપિત દેવ છે. ગણેશ આત્મસંયમ, પવિત્રતા, મધુરતા, પુરુષાર્થ જેવા ગુણો અને હનુમાનજી બ્રહ્મચર્ય-અખંડ બળ, સ્વામીભક્તિ, સમર્પિત સેવાના ગુણો બતાવે છે.
શિવાલયમાં પ્રવેશતા જે ઉંબર આવે તેમાં પ્રવેશદ્વારની ઊંચાઈ ઓછી હોય એટલે થોડા ઝૂકીને, શિવ દરબારમાં જવું પડે. વિનમ્રતા અને સરળતાને આત્મસાત્ કરીને અહંકાર છોડીને શિવ સુધી પહોંચી શકાય છે.
શિવ સ્વરૂપમાં ત્રીજું નેત્ર જ્ઞાનચક્ષુ છે જે વિવેકપૂર્ણ દ્રષ્ટિ આપે છે, ભસ્મ વૈરાગ્યનો સંકેત આપે છે, ચંદ્ર શીતળતાનો અને ડમરૂ મસ્તીનું પ્રતીક છે. ત્રિશૂળ જ્ઞાન-કર્મ-ભક્તિનું વ્યાઘામ્બર સાહસ અને પૌરુષનું અને જળાધારીથી ટપકતું પાણી સાતત્યનું પ્રતિક છે. માતા પાર્વતી ભક્તિનો સંદેશ આપે છે.
થોડું સમજવાથી - થોડું પામવાથી શિવ સ્વરૂપને વધુ ભક્તિથી - વધુ સમર્પણથી પામી શકાય એની અનુભૂતિ પૌત્રને થઈ ને નાના રાજી થયા.
શિવરાત્રીનું પર્વ શિવ સાધનાનું - શિવ ઉપાસનાનું પર્વ છે. આપણે પણ પ્રાર્થના કરીએ તન્મે મનઃ શિવસંકલ્પ મસ્તુ... અમારું મન શુભ સંકલ્પોવાળું બનો. શુભ સંકલ્પો સાકાર થાય અને શિવત્વના અજવાળાં રેલાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter